તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકનું મોજું ફરી વળ્યું:મોરબીમાં કુદરતી હાજતે બેઠેલા 3 વર્ષના બાળકને શ્વાને ફાડી ખાધો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • લખધીરપુર રોડ પરની ફેક્ટરીની કોલોનીમાં બનેલી ઘટના
  • બાળકને તેની પિતરાઈ બહેન હાજતે બેસાડીને જતી રહ્યા બાદ શ્વાને પેટ-નાકના ભાગે બચકાં ભરી માંસના લોચા કાઢી નાખ્યા

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી ફેક્ટરીની કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે હાજતે બેઠેલા 3 વર્ષના માસૂમને શ્વાને ફાડી ખાધો હતો, બાળકના પેટ અને નાકના ભાગે બચકાં ભરી માંસના લોચા કાઢી નાખ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બાળકને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બનાવથી કોલોનીમાં રહેતા અન્ય રહીશોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી ડોનેટો ફેક્ટરીની કોલોનીમાં રહેતા અને ફેક્ટરીમાં કામ કરતા નાથાભાઇ જાંબુરે બુધવારે રાત્રે ફેક્ટરીમાં નાઇટ ડ્યૂટી પર હતા અને કોલોનીમાં તેના ક્વાટર્સમાં તેના પત્ની, બે બાળકો અને તેના સાળાની પાંચ વર્ષની પુત્રી ઘરે હતા. ગુરુવારે વહેલી સવારે નાથાભાઇના મોટા પુત્ર અરવિંદ (ઉં.વ.3)ને હાજત લાગતાં તેની પાંચ વર્ષની પિતરાઇ બહેન મકાનની બહાર નળની ટાંકી પાસે બેસાડવા ગઇ હતી. માસૂમ અરવિંદ હાજત માટે બેઠો હતો અને તેની પિતરાઇ બહેન ઘરમાં જતી રહી હતી.

થોડીવાર બાદ માસૂમ અરવિંદનો રડવાનો અવાજ સંભળાયો હતો, માસૂમ બાળકના હૈયાફાટ રુદનથી પરિવારજનો દોડીને બહાર આવ્યાં હતાં, ત્યારે માસૂમ બાળકને શ્વાન બચકાં ભરી રહ્યો હતો, ઘટનાને પગલે કોલોનીના અન્ય લોકો પણ જાગી ગયા હતા અને ટોળે વળેલા લોકોએ બાળકને શ્વાનના મોંમાંથી છોડાવ્યો હતો. માસૂમ અરવિંદના પેટ અને નાકના ભાગેથી શ્વાને માંસના લોચા કાઢી નાખ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અરવિંદને મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

મધ્યપ્રદેશના વતની નાથાભાઇ જાંબુરે છ વર્ષથી ઉપરોક્ત ફેક્ટરીમાં નોકરી કરે છે અને ફેક્ટરીની કોલોનીમાં રહે છે, તેમને સંતાનમાં બે પુત્ર હતા, જેમાં ભરત મોટો પુત્ર હતો. માસૂમ બાળકના મૃતદેહને અંતિમ વિધિ માટે તેના વતન લઇ જવામાં આવ્યો હતો. વહાલસોયાના મોતથી જાંબુરે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.