આપઘાતના બે બનાવ:રાજકોટમાં નાનામવા રોડ પર 20 વર્ષના યુવાને અને લાખના બંગલા પાસે 17 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાધો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આપઘાતના બંને બનાવમાં કારણ અકબંધ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાજકોટમાં 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં નાનામવા રોડ પર 20 વર્ષના યુવાને અને લાખના બંગલા પાસે 17 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે બંને બનાવમાં આપઘાતના બનાવમાં કારણ બહાર આવ્યું નથી. પોલીસે હાલ બંને ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાન બે બહેનનો એકનો એક ભાઈ હતો
રાજકોટ શહેરના નાના મવા રોડ પર દેવનગર 1માં રહેતાં પ્રદિપ મુળજીભાઇ મકવાણા નામના યુવાને ગઇકાલે સાંજે પોતે પિતા સાથે ભંગારના ડેલે હતો ત્‍યાંથી ઘરે ન્‍હાવા જઇ રહ્યાનું કહીને નીકળ્‍યા બાદ ઘરે પહોંચી પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ભાઇ પ્રદિપ રૂમમાં ગયા બાદ લાંબો સમય સુધી બહાર ન આવતાં બહેન રિન્‍કૂએ દરવાજો ખખડાવવા છતાં નહીં ખોલતાં પરિવારજનોને બોલાવી દરવાજો તોડીને જોતાં પ્રદીપ લટકતો મળ્‍યો હતો. તેને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહીં મોત નીપજ્‍યું હતું. તે બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં માલવીયાનગર પોલીસે તપાસ યથાવત રાખી છે.

મૃતક સગીરા ચાર બહેનમાં ત્રીજા નંબરની બહેન હતી
બીજા બનાવમાં ગાંધીગ્રામ લાખના બંગલા પાસે કષ્‍ટભંજન સોસાયટી 1માં રહેતાં મૂળ યુપીના પરિવારની 17 વર્ષની પુત્રીએ ગળેફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક સગીરા ચાર બહેનમાં ત્રીજી હતી. તેના પિતા અમેરિકન મકાઇ, મગફળીનો સિઝનલ ધંધો કરે છે. કારણ બહાર ન આવતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ યથાતવ રાખી છે.