કોરોના સંક્રમણ:ઓમિક્રોનગ્રસ્ત તાન્ઝાનિયાથી રાજકોટ આવેલો 17 વર્ષનો સગીર કોરોનાગ્રસ્ત, સિવિલના ઓમિક્રોન વોર્ડમાં ખસેડાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટ શહેરમાં કુલ 7 નવા પોઝિટિવ કેસ જેમાંથી એક જ પરિવારના 4 સભ્ય કોરોનાગ્રસ્ત
  • રાજકોટમાં આવેલા 561માંથી 109 પ્રવાસી હાઈરિસ્ક દેશમાંથી આવ્યા, તે પૈકી 90ના સેમ્પલ લેવાયા જેમાંથી એક પોઝિટિવ

રાજકોટ શહેરમાં વધુ એક વખત ઓમિક્રોનનો ભય શરૂ થયો છે. હાઈરિસ્ક ગણાતા દેશો પૈકી તાન્ઝાનિયાથી રાજકોટ આવેલો 17 વર્ષનો સગીર કોરોનાગ્રસ્ત થયો છે જેથી તેને સિવિલ હોસ્પિટલમાં ઊભા કરાયેલા ખાસ ઓમિક્રોન વોર્ડમાં આઈસોલેશનમાં ખસેડાયો છે. રાજકોટમાં આ સિવાય બીજા 6 પોઝિટિવ આવ્યા છે જેમાં ઈન્કમટેક્સ સોસાયટીમાં જ રહેતા 4 સભ્યનો એક પરિવાર છે જેમાં 17 વર્ષનો કિશોર પણ સામેલ છે જોકે તે રાજકોટ સિવાયના જિલ્લામા આવેલી કોલેજમાં ઓનલાઈન અભ્યાસ કરતો હોવાથી તે કોલેજમાં એલર્ટની જરૂર પડી ન હતી.

મૂળ જામનગર પાસે આવેલા એક ગામના વતની અને વર્ષોથી તાન્ઝાનિયામાં રહેતા પરિવારે પોતાના બાળકોને વતન બતાવવા માટે ભારત આવ્યા હતા. આ સમયે તાન્ઝાનિયા હાઈરિસ્ક દેશોમાં સમાવિષ્ટ થઈ ગયો હતો તેથી તેઓ જામનગર પહોંચે તે પહેલા જ આરોગ્ય વિભાગની ટીમે પરિવારને ટ્રેક કરી લીધો હતો અને રાજકોટમાં જ ક્વોરન્ટાઈન કરવા માટે કહેવાતા યાજ્ઞિક રોડ પરની ખાનગી હોટેલમાં આઈસોલેટ થયા હતા.

પરિવારનો ક્વોરન્ટાઈન સમય પૂરો થતા ત્રીજી વખત સેમ્પલ લેવાયા હતા જેમાં યુવક પોઝિટિવ આવ્યો છે. હવે તેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલ્યા છે તેના સંપર્કમાં 3 પરિવારજનો છે લો રિસ્ક 81 સંપર્ક બતાવાયા છે. મનપાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 561 વિદેશ પ્રવાસીઓ આવ્યા છે જેમાંથી 109 હાઈરિસ્ક દેશોમાંથી છે. આ 109ને ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થતા 90 લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાંથી એક તાન્ઝાનિયાનો કિશોર પોઝિટિવ આવ્યો છે.

ઓમિક્રોન આવ્યે સ્થિતિ જોઈને શાળાઓ બંધ કરવા વિચાર કરાશે
રાજકોટની શાળામાં કેસ આવતા શાળાઓ બંધ કરાશે કે કેમ તેની અટકળો શરૂ કરી હતી. જોકે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સ્પષ્ટ કર્યું છે કે, શાળાઓ બંધ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, જો કેસની સંખ્યા વધે અને ઓમિક્રોન હોય તો તેવી સ્થિતિમાં શાળાઓ બંધ કરવા અંગે વિચારણા કરાશે. હમણા જ શાળાઓ શરૂ થઈ છે અને જે શાળામાં પોઝિટિવ આવ્યા તેમણે તુરંત જ કાર્યવાહી કરીને શિડ્યૂલ બનાવીને શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરી દીધું છે તમામના ટેસ્ટ કરાવ્યા હતા તે પણ નેગેટિવ આવ્યા છે. હાલ તો આપણો પહેલો પ્રયાસ કોરોનાને રોકવાનો છે અને તે માટે સ્કૂલ ઓટો અને વાનમાં જે રીતે ભીડમાં વિદ્યાર્થીઓને લવાય છે તેના પર કાર્યવાહી કરવા આરટીઓને કહ્યું હતું અને ઘણા વાહનો અટકાવાયા છે. રાજકોટમાં જો કેસની સંખ્યા વધે અને ઓમિક્રોન વધતા જાય ત્યારે શાળા બંધ કરવા નિર્ણય લેવાશે.

8 દિવસમાં 45 પોઝિટિવ નોંધાયા
રાજકોટ શહેરમાં 10થી 18 તારીખ સુધીમાં એટલે કે એક જ સપ્તાહમાં 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ ઉપરાંત અગાઉના બે સહિત કુલ 47 એક્ટિવ કેસ છે. છેલ્લા 4 દિવસથી નવા કેસની સંખ્યામાં એકાએક ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 42936 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...