ફિલ્મી સ્ટાઇલમાં ઘરમાં ઘૂસી અપહરણ કર્યું:રાજકોટના ખોખળદડમાં બાંધકામની સાઇટ પર મજૂરી કરતા પરિવારની 16 વર્ષની પુત્રીને 6 શખ્સ ઉઠાવી ગયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરના છેવાડે ખોખળદડ ગામની સીમમાં ગોવર્ધન હોટલ નજીક બાંધકામની સાઇટ પરથી 6 શખ્સે સગીરાનું અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મજૂરી કરતા અને ત્યાં જ ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારની ઓરડીમાં તેના જ વતનના શ્રમિક સહિત 6 શખ્સ મધરાતે ફિલ્મી સ્ટાઇલથી ઘરમાં ઘૂસ્યા હતા. આ શખ્સોએ પરિવારજનો પર હુમલો કરીને 16 વર્ષની તરૂણવયની પુત્રીનું અપહરણ કરી ગયા હતાં. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અપહ્યત તરૂણીને મુક્ત કરાવવા તેમજ આરોપીઓને ઝડપી લેવા ત્રણ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા છે.

ત્રણ બાઇકમાં 6 શખ્સો આવ્યા હતા
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટના ખોખળદડ ગામના સીમાડે બાંધકામની સાઇટ પર કડિયા કામ કરતા તેમજ સાઇટ નજીક જ ઓરડીમાં પત્ની, સંતાનો સાથે રહેતા ભીલજીભાઈ ઉર્ફે મલાજીમનભાઇ ડામોરે સગીર વયની પુત્રીના અપહરણની આજી ડેમ પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે વતન મધ્યપ્રદેશના ડોંડા જિલ્લાના વતની અને અહીં બાંધકામ સાઇટ પર મજૂરી કરતા આદિવાસી સોહમ જોલુભાઇ પવાર સહિત ત્રણ બાઇકમાં આવેલા 6 શખ્સો હોવાનું જણાવ્યું હતું.

ધોકાથી હુમલો કરી જળજબરીથી અપહરણ કર્યું
ફરિયાદી શ્રમિકે પોલીસને આપેલી માહિતી મુજબ રવિવારે રાતે તેઓ પરિવાર સાથે ઓરડીમાં સૂતા હતા. મધરાતે ખખડાટ થતાં જાગી ગયા હતા અને કોણે છે? એ જોવા દરવાજો ખોલ્યો એ સાથે જ સોહમ પવાર સહિતના શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની 16 વર્ષીય પુત્રીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પોતે પ્રતિકાર કરતા સોહમ સહિતના શખ્સોએ બેફામ ગાળાગાળી કરીને ધમકી આપી હતી અને ધોકાથી હુમલો કર્યા બાદ બળજબરીથી પુત્રીનું અપહરણ કરીને ભાગી ગયા હતા.

પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી
મધરાતે ફિલ્મી સ્ટાઇલથી ઘરમાં ઘૂસી, હુમલો કરી તરૂણીનું અપહરણ થયાની માહિતી મળતા આજી ડેમ પોલીસ મથકના પીઆઇ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા, પીઆઇ એલ.એલ. ચાવડા, પીઆઇ બી.ટી. ગોહિલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે અપહ્યત તરૂણીને હેમખેમ મુક્ત કરાવવા અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આરોપીઓ સુધી પહોંચવા કેટલાક શકમંદોને ઉઠાવી લઇ આકરી પૂછપરછ શરૂ કરી છે.

અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ કારભૂત હોવાની ચર્ચા
હાલ બનાવ અંગે આરોપીઓ વિરૂદ્ધ IPC કલમ 363, 366, 504, 323, 143, 147 તેમજ પોક્સો સહિતની ગંભીર કલમ મુજબ ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે. તરૂણીના અપહરણ પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...