ગોંડલ નગરપાલિકા સંચાલિત ભગવતસિંહજી ગાર્ડનમાં વેકેશનના અંતિમ દિવસોમાં ભૂલકાઓ અને કિશોરો હીચકા-લપસ્યાની મજા માણવા આવે છે. આ દરમિયાન મોવિયા રોડ પર રહેતા શ્રમિક પરિવારનો 15 વર્ષીય કિશોર ગઈકાલે અકસ્માતે ઝૂલે ઝૂલતા ઝૂલતા પડી ગયો હતો. આથી તેને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. અકાળે એકના એક પુત્રને ખોઈ બેસતા માતા-પિતા સહિત પરિવાર શોકમાં ગરક થઇ ગયો છે.
પિતા ડ્રાઇવિંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે
શહેરના મોવિયા રોડ પર પશુ દવાખાના નજીક હુસેની મસ્જિદની બાજુમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ઈમ્તિયાઝભાઈ દોઢીયાનો એકનો એક 15 વર્ષીય પુત્ર મહમદહુસેન મિત્ર સાથે કોલેજ ચોક પાસે આવેલા ભગવતસિંહજી ગાર્ડનમાં ઝૂલે ઝૂલવા માટે ગયો હતો. આ દરમિયાન તે ઝુલામાંથી લપસી પડતાં તેને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારના પગ તળેની જમીન સરકી ગઈ હતી.
થોડીવારમાં મારું સર્વસ્વ છિનવાયું: પિતા
બનાવ અંગે ઈમ્તિયાઝભાઈ દોઢીયાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના એકના એક લાડકવાયાનું અકાળે નિધન થયું છે તેનું દુઃખ વર્ણવી શકાય તેમ નથી. હજુ તો ગઈકાલે સવારે અમે બાપ-દીકરો સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં તેના એડમિશન માટે ગયા હતા અને તેને એડમિશન પણ મળી ગયું હતું. ફોર્મ ભરતી વેળાએ તેણે મને કહ્યું હતું કે પપ્પા હું ફોર્મમાં અંગ્રેજીમાં સહી કરી આપું છું અને તેણે સહી પણ કરી હતી. સોમવારથી સ્કૂલ શરૂ થઈ રહી હોય રજાના એકાદ-બે દિવસ બાકી હોય મિત્ર સાથે બગીચામાં ઝૂલવા માટે પહોંચ્યો હતો. પરંતુ ઝુલામાંથી પડી જતા તેની સાથેના મિત્રોએ મને ફોન કર્યો હતો. આથી હું તુરંત હોસ્પિટલે પહોંચ્યો હતો અને થોડીવારમાં તો મારું સર્વસ્વ લૂંટાઇ ગયું.
હિચકાને ગાર્ડનમાંથી દૂર કરી નાખવામાં આવ્યા
બગીચામાં બનેલી અકસ્માતની ઘટના અંગે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી અને કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. વેકેશન ચાલી રહ્યું હોય મોટી સંખ્યામાં ભૂલકાઓ બગીચામાં આવી રહ્યા છે. તેમાંના કેટલાક ભૂલકાઓ ખૂબ તોફાની હોય સિક્યુરિટી દ્વારા અનેકવાર સમજાવવામાં પણ આવતા હોય છે. તેમ છતાં પણ અમુક ભૂલકાઓ માનતા ન હોય અકસ્માતની દુર્ઘટના બાદ હાલના તબક્કે થોડા સમય માટે હીચકાને ગાર્ડનમાંથી દૂર કરી નાખવામાં આવ્યા છે. આ તકે નગરજનોને એક સૂચન પણ કરવામાં આવી રહ્યું છે કે, ભૂલકાંઓની સાથે ઘરની કોઈ એક વ્યક્તિ પણ સાથે આવે તો દુર્ઘટના ન બને અને તે સુરક્ષિત રહે.
(હિમાંશુ પુરોહિત, ગોંડલ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.