દુષ્કર્મના આરોપીને આજીવન કેદ:રાજકોટની એક વાડીની ઓરડીમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી, પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ તાલુકાના એક ગામમાં 2020માં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની 14 વર્ષીય દીકરી પર અનેશ ભૂરીયાએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ગર્ભ રહી જતા પીડિતા સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. શ્રમિક પરિવારે આરોપી અનેશ ઉર્ફે નાહરૂ ભૂરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આજે આ કેસ ચાલી જતાં પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સજા ઉપરાંત ભોગ બનનાર તરુણીને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવા હુકમ કર્યો છે.

દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો
આ કેસની વિગત મુજબ પરપ્રાંતીય શ્રમિક પરિવારે રાજકોટ તાલુકાના એક ગામમાં ભાગમાં વાડી વાવવા રાખી હતી. ત્રણ બહેન અને પાંચ ભાઇઓનો શ્રમિક પરિવાર વાડીમાં જ રહી ખેતમજૂરી કરતો હતો. બે વર્ષ પૂર્વે 2020માં હોળી પહેલાં શ્રમિકની 14 વર્ષીય બહેન વતનમાં ગઈ હતી અને જૂન મહિનામાં બહેન મજૂરી કામ માટે અહીં પરત મજૂરી કામ માટે આવી હતી. ત્યારે સગીર વયની બહેન સગર્ભા હોવાની જાણ થઇ હતી. આથી કોના થકી ગર્ભ રહ્યો? એ અંગે પૂછતા હાલ રાજકોટના કોઠારિયા ગામે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની અનેશ નાહરૂ ભૂરીયાએ પોતે વતન ગઈ એના થોડાં દિવસ પહેલાં તે જે વાડીમાં મજૂરી કરતો હતો એ વાડીની ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે ગર્ભ રહી ગયાનું જણાવ્યું હતું.

હોસ્પિટલ પહોંચે એ પહેલા સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો
તરૂણ વયની બહેન પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેનાર અનેશની કરતૂતો અંગે મોટી બહેને પોતાના ભાઈ, ભાભી અને જેઠને વાત કરી હતી. પરંતુ ગરીબ અને શ્રમિક હોવાથી શું કરવું જોઈએ એ અંગે નિર્ણય લઇ શક્યા ન હતા. દરમિયાન 10 નવેમ્બર 2020ના વહેલી સવારે સગર્ભા સગીરાને પ્રસવપીડા શરૂ થતાં વાડી માલિકને વાત કરી હતી, જોકે, વાડીનો કાચા અને સાંકડા રસ્તે 108 આવી શકે તેમ ન હોવાથી સગર્ભા બહેનને દવાખાને લઇ જવા માટે પરિવારના સભ્યોની મદદથી ઊંચકીને ગામના બસ સ્ટેશન સુધી લઇ જતા હતા. એ વેળાએ રસ્તામાં ડિલિવરી થઈ ગઈ હતી.

મૃત બાળકને દફનાવી પોલીસ ફરિયાદ નોંધાવી
સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હોવાથી રિક્ષા બોલાવીને બન્નેને ધ્રોલ સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં તબીબે નવજાત પુત્રને મૃત ઘોષિત કરી પીડિતાને જામનગર હોસ્પિટલ લઈ જવાનું કહેતા તેને 108માં જામનગર હોસ્પિટલ ખસેડી હતી. તેમજ મૃત બાળકને ગામની ભાગોળે ડેમ નજીક દફનાવ્યા બાદ પીડિતાના મોટા બહેને કુવાડવા પોલીસ મથકમાં આરોપી અનેશ ભૂરીયા વિરૂદ્ધ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

આજે કોર્ટે આરોપીને સજા ફટકારી
આ કેસ ચાલી જતાં સરકારી વકીલ મુકેશભાઇએ કરેલી દલિલ, રજૂઆત, ભોગ બનનાર સગીરા તેમજ ફરિયાદીની જુબાની ધ્યાને લઈ પોક્સો કોર્ટે આરોપી સામેનો કેસ સાબિત માની સજા અને વળતરનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...