રાજકોટના કાલાવડ રોડ પર લોધિકા પોલીસની હદ વિસ્તારમાં આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા 13 વર્ષના તરુણનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિઠલાણી પરિવારના એકના એક પુત્રનું આકસ્મિક મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો છે.
પરિવારજનો તરુણને લઇ હોસ્પિટલ પહોંચ્યા
પ્રાપ્ત વિગત મુજબ નિકેશભાઈ વિઠલાણી તેમના પરિવાર સાથે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે ફરવા માટે ગયા હતા. અહીં તેઓ સ્વિમિંગ પુલમા નાહવા માટે પરિવાર સાથે ગયા હતા. જેમાં તેમનો 13 વર્ષનો પુત્ર મૌર્ય પણ ટ્યુબના સહારે સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતો. જોકે કોઈ કારણોસર તરુણ ટ્યુબમાં ગરકાવ થઇ જતા પાણીમાં ડૂબી ગયો હતો. જેની જાણ થતા પરિવારજનો તરુણને લઇ હોસ્પિટલ પહોંચ્યા હતા.
મૃત્યુ પામતા પરિવાર શોકમાં ગરકાવ થયો
નિકેશભાઈ તેમના પુત્રને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે આ સમયે ફરજ પર હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે નિકેશભાઈ વિઠલાણી જયરાજ વે-બ્રિજ ચલાવી રહ્યા છે અને સંતાનમાં તેમને એક જ પુત્ર હતો જે અકસ્માતે મૃત્યુ પામતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ લોધીકા પોલીસે મૃતદેહનો પોસ્ટમોટર્મ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.