ખેડૂતપુત્ર બનશે ડોક્ટર:રાજકોટમાં પિતા સાથે કેરી ઉતારવા જતા વિદ્યાર્થીને 99 PR, ન્યૂરોસર્જન બનવાનું સપનું

રાજકોટ11 દિવસ પહેલા
  • જૂનાગઢના આણંદપરનો વિદ્યાર્થી માતા-પિતાને ખેતીમાં મદદ કરતો અને મેળવ્યા 99.83 ટકા

આજે ધો.12 સાયન્સનું પરિણામ આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. ત્યારે એસઓએસ સ્કૂલમાં અભ્યાસ કરતો હાર્દિક અકબરી નામના વિદ્યાર્થીએ ધો.12 સાયન્સ બોર્ડમાં 99 PR અને ગુજકેટમાં 103 માર્ક મેળવ્યા છે. હાર્દિકે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પપ્પા કેરીની ખેતી કરે છે. હું પણ કેરી ઉતારવા તેમની સાથે જતો હતો. હું રોજની 12થી 13 કલાક મહેનત કરતો હતો તેમજ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું. હોસ્ટેલમાં વારંવાર રિવિઝન કર્યું હતું. મારે આગળ ન્યૂરોસર્જન બનવાની ઇચ્છા છે.

રોજની 18 કલાકની મહેનત રંગ લાવી
જૂનાગઢના આણંદપુર ગામનો રહેવાસી અને રાજકોટમાં રૂમ રાખીને ધોળકિયા સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અમિત જમનભાઈ ચોવટિયાએ 99.83 PR સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. અમિતે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારાં માતા-પિતા ખેતી કરે છે. હું અહીં રાજકોટમાં રૂમ રાખીને રહું છું. મહેનતની વાત કરું તો સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધી સ્કૂલમાં અને આ ઉપરાંત રૂમે જઇને 3થી 4 કલાક વાંચન પાછળ ફાળવતો હતો. હવે મારે આગળ MBBS કરીને ડોક્ટર બનવું છે. કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ વખતે હું માતા-પિતાની સાથે ખેતી કરતો હતો.

પિતા LICમાં ઓફિસર અને પુત્રએ મેળવ્યા 99.72 PR.
પિતા LICમાં ઓફિસર અને પુત્રએ મેળવ્યા 99.72 PR.

સ્કૂલની બધી પરીક્ષાઓ આપી એટલે ધાર્યું પરિણામ આવ્યું: વિદ્યાર્થી
રાજકોટના બીજા એક વિદ્યાર્થી વર્ધમાન મહેતાએ ગુજકેટમાં 99.77 અને ધો.12 સાયન્સમાં 99.72 PR મેળવ્યા છે. તેણે ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ મેળવ્યો હતો. વર્ધમાને દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પપ્પા LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છે. રોજ સ્કૂલથી હોમવર્ક આપ્યું હોય એ ઘરે આવીને રિવિઝન કરી નાખતો હતો. આગળ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બનવાનું મારું સપનું છે. સ્કૂલ તરફથી રોજેરોજ જે પરીક્ષા લેવામાં આવતી એ બહુ જ હેલ્પફુલ સાબિત થઈ. આ બધી પરીક્ષાઓ આપો એટલે તમારે બહારના મટીરિયલ્સની જરૂર રહેતી નથી. બાકી સ્કૂલેથી જે હોમવર્ક આપે એ કરવાનું.

રાજકોટ જિલ્લાના કેન્દ્રવાઇઝ પરિણામ

કેન્દ્રનું નામટકાવારી
ધોરાજી92.18
ગોંડલ90.4
જેતપુર81.21
રાજકોટ (ઇસ્ટ)77.01
રાજકોટ વેસ્ટ84.92
જસદણ83.77