શ્રમિકો તેમજ સામાન્ય પરિવારો પાસે પૂરા દસ્તાવેજો ન હોવાને કારણે વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા સિવાય કોઇ વિકલ્પ ન હોવાનો વ્યાજખોરો ભરપૂર ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે. જેને કારણે વ્યાજખોરો તોતિંગ વ્યાજે નાણાં આપ્યા બાદ યેનકેન પ્રકારે ધાક-ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી વધુ નાણાં પડાવી રહ્યાં છે.
ત્યારે રાજ્યભરમાં વધી રહેલા વ્યાજખોરીના બનાવોને અટકાવવા રાજ્યભરની પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી એક પછી એક વ્યાજખોરો સામે ગુના નોંધવાની ઝુંબેશ શરૂ કરી છે. રાજકોટ પોલીસ તંત્રે પણ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકોની ફરિયાદ નોંધવાનું ચાલુ કરતા વધુ એક કેવિન ભરત વાછાણી નામના વ્યાજખોર સામે મવડી મેઇન રોડ, નવલનગર 3-17માં રહેતી મોનિકા જગદીશભાઇ ધોળકિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતી યુવતીની ફરિયાદ મુજબ, 2010માં પિતાના અવસાન બાદ પોતાનું અને ભાઇનું ગુજરાન ચલાવવા માતા કેટરર્સમાં રસોઇ બનાવવાનું કામ કરે છે. દરમિયાન 2019માં માતા વાલ્વની બીમારીમાં સપડાતા તાત્કાલિક તેમની સારવાર કરાવવાનું કહ્યું હતું, પરંતુ માતાની સારવાર માટેના પૈસા ન હોય પાડોશમાં રહેતા અને બેંકમાં લોન લઇ આપવાનું કામ કરતા કેવિન વાછાણીને વાત કરી હતી. જેથી તેને લોન માટે રિટર્ન ફાઇલ કર્યું હોય તો જ લોન મળે. જેથી પોતે કોઇ રિટર્ન ભરતા નહિ હોવાનું કહ્યું હતું.
ત્યારે કેવિને તો તમારે વ્યાજે રૂપિયા લેવા પડે. માતાની સારવાર જરૂરી હોય પોતાને વ્યાજે નાણાં જોઇએ છેની વાત કરતા કેવિને ઘરેણાં આપો એટલે રૂપિયા મળશેનું કહ્યું હતું. જેથી માતાના સોનાના ઘરેણાં કેવિને લઇ 28 હજાર આપ્યા હતા. તેમાંથી તેને રૂ.2 હજાર વ્યાજ કાઢી લીધું હતું. ત્યાર બાદ ત્રણ કટકે કેવિનને સોનાના ઘરેણાં આપી કુલ રૂ.95 હજાર લીધા હતા. જેની સામે કેવિનને કુલ 2.54 લાખની રકમ ચૂકવી હતી. દરમિયાન છેલ્લા દોઢ વર્ષથી પોતે રકમ ચૂકવી શકી ન હતી. જેથી કેવિન પોતાનું ટુ વ્હિલર બળજબરીથી લઇ ગયો હતો.
બાદમાં તેને પેનલ્ટી સાથે વ્યાજની રકમ ચૂકવતા તે ટુ વ્હિલર પરત મૂકી ગયો હતો. ત્યાર બાદ કેવિનને અવારનવાર તેની રૂ.95 હજારની રકમ ચૂકવી આપવા તૈયાર છીએ અને અમારા ઘરેણાં પરત દેવાનું કહેતા તે ફોન પર ગાળો ભાંડી ધમકી દેતો હતો. અને કહેતો કે, ઘરેણાં જોઇતા હોય તો દોઢ વર્ષની મૂડી ઉપરાંત વ્યાજના હપ્તા આપવા પડશે તેમ કહી માતા પાસે પઠાણી ઉઘરાણી કરતો રહેતો હતો. અંતે પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરતા તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ રકમ પડાવવા ગેરેજ સંચાલકને વ્યાજખોરે ગાળો ભાંડી
ચુનારાવાડ ચોક પાસે શિવાજીનગર-6માં રહેતા કૈલાસભાઇ ઉર્ફે કલ્લુ દેવજીભાઇ ઉર્ફે દેવાભાઇ ઢાપા નામના ગેરેજ સંચાલકે મોહિત અને જયુ નામના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. કૈલાસભાઇએ ઉપરોક્ત બંને વ્યાજખોરો પાસેથી રૂ.23 હજાર વ્યાજે લીધા હતા. જેની સામે 25 હજાર ચૂકવી આપ્યા હતા. તેમ છતાં બંને વ્યાજખોર વધુ નાણાં પડાવવા પઠાણી ઉઘરાણી કરી ગાળો ભાંડતા હોય ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.