યાર્ડની ચૂંટણી:યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગમાં 94%, ખેડૂત વિભાગમાં 95.41% મતદાન, આજે પરિણામ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નજરકેદમાં રખાયેલા યાર્ડના ઉમેદવાર અને મતદારોએ ડી.કે. સખિયાના ફાર્મ હાઉસમાં હસાયરો માણ્યો હતો. - Divya Bhaskar
નજરકેદમાં રખાયેલા યાર્ડના ઉમેદવાર અને મતદારોએ ડી.કે. સખિયાના ફાર્મ હાઉસમાં હસાયરો માણ્યો હતો.
  • મતદાન કેન્દ્ર પર ઉપસ્થિત શાસક જૂથમાં જેમને ટિકિટ ન મળી એમની નારાજગી દેખાઈ

મંગળવારે રાજકોટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગમાં 94 ટકા અને ખેડૂત વિભાગમાં 95.41 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી થશે. યાર્ડની ચૂંટણીમાં પણ નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી. જેને કારણે યાર્ડની ચૂંટણીમાં નો-રિપીટ થિયરીને કારણે એકને બાદ કરતા બધા જ નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે. જેને નો-રિપીટ થિયરીમાં સ્થાન નથી મળ્યું તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ પણે વર્તાઈ રહી હતી. જોકે આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયાની શક્યતાઓ છે.

ચૂંટણી પૂર્વે મતદારોને અજ્ઞાતવાસમાં લઇ ગયા હતા. ત્યાંથી સીધા મતદાન મથકે લઈ જવાયા હતા. ભાજપ પ્રેરિત પેનલ સામે કિસાન સંઘની પેનલ હતી. જ્યારે વેપારી વિભાગમાં બે પેનલ હતી. વેપારી વિભાગમાં સૌથી વધુ ક્રોસ વોટિંગ થયાની ચર્ચા છે. આજે પરિણામ જાહેર થયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે હવે ચેરમેન - વાઈસ ચેરમેન તરીકે કોને સ્થાન મળે તે તરફ સૌ કોઇની મીટ મંડાઈ છે.

જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરિયાના જણાવ્યાનુસાર આજે સવારે 9.00 કલાકથી મતગણતરી શરૂ થશે. સાંજ સુધીમાં મતગણતરી થઈ જવાની શક્યતા છે. મતગણતરી માટે 25 લોકોનો સ્ટાફ ટીમમાં જોડાશે. જોકે યાર્ડની ચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાન થયું હતું.

ભાજપ પ્રેરિત પેનલને દશેય બેઠક મળે તે માટે 24 કલાક પૂર્વે ચોક્કસ મતદારોને અજ્ઞાત સ્થળે રાખી સૂચના અપાઈ હતી
રાજકોટ યાર્ડની ચૂંટણીમાં નો-રિપિટ થિયરી (એકને બાદ કરતા) અપનાવાયા બાદ ખેડૂત વિભાગની તમામ 10 બેઠક કબ્જે કરવા માટે કેટલાક નેતાઓએ 48 કલાકથી જ પ્રયાસો શરૂ કરી દીધા હતા. જેના ભાગરૂપે કેટલાક ઉમેદવારો અને મતદારોને ડી.કે. સખિયાના કણકોટ પાસે આવેલા ફાર્મમાં રખાયા હતા. જ્યાં હાસ્યકલાકાર ધીરૂભાઈ સરવૈયાનો પ્રોગ્રામ રખાયો હતો. જ્યારે અમુક ઉમેદવાર અને મતદારોને કાલાવડ રોડ પર આવેલા કિંગ ક્રાફ્ટ હોટેલમાં રખાયા હતા.

ધીરૂભાઈનો કાર્યક્રમ પૂરો થયા બાદ ફાર્મ હાઉસમાંથી કેટલાક મતદારો અને ઉમેદવારો પોતાના ગામ ચાલ્યા ગયા હતા. જ્યારે કેટલાક સવારે ત્યાંથી સીધા જ મતદાન મથકે પહોંચ્યા હતા. જે પ્રમાણે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવાઈ હતી એ મુજબ જો મતદાન થયું હશે તો ભાજપના નેતાઓએ કરેલા દાવા મુજબ કિશાન સંઘના ઉમેદવારોને 150થી વધુ મત નહીં મળે. રાજકોટ તાલુકાની બેથી ત્રણ મંડળીમાં ક્રોસ વોટિંગ થયું હોવાની પણ શંકા છે અને તમામ બેઠક ભાજપને મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...