સૌરાષ્ટ્રના પાટનગરમાં વિકાસની છલાંગ:9388 કરોડના 5 પ્રોજેક્ટ, એઇમ્સ, હીરાસર એરપોર્ટ, આજી રિવરફ્રન્ટ, રિંગરોડ-2 અને સિક્સ લેન રાજકોટની દિશા અને દશા બદલશે

રાજકોટ6 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
 • મોટા ભાગના પ્રોજેક્ટમાં 30થી 60 ટકા કામગીરી પૂર્ણ
 • ચૂંટણી પહેલાં તમામ પ્રોજેક્ટનાં પ્રાથમિક કામ લોકો માટે ખુલ્લા મુકાશે

બપોરે 1થી 4 સૂઈ જવું, હરવા-ફરવા અને સુવિધા માટે રેસકોર્સ, આજીડેમ અને સિવિલ હોસ્પિટલ રાજકોટ શહેરની ઓળખ આટલા પૂરતી સીમિત હતી, પરંતુ છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં રંગીલા રાજકોટે મેટ્રોસિટી તરફની દોટ મૂકી છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સુવિધાઓ અહીં આકાર લઈ રહી છે. એમાં મુખ્ય વાત કરીએ તો રાજ્યનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શહેરના ભાગોળે બની રહ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ રાજ્યમાં પ્રથમ વખત એઇમ્સ હોસ્પિટલ અહીં આકાર લઈ રહી છે. ઘણા સમયથી મોદીના સ્વપ્ન સમા આજી રિવરફ્રન્ટને પણ પર્યાવરણની મંજૂરી ગઈ છે. શહેરને ગતિ તરફ લઈ જવા રિંગરોડ-2, અટલ સરોવર પણ શોભા વધારવા બની રહ્યું છે. આ સિવાય રાજકોટ-અમદાવાદ હાલ સુધી ફોરટ્રેક રસ્તો છે. ટ્રાફિક અને મુસાફરોની ગતિ જોતાં અહીં પણ સિક્સ લેન રસ્તાનું કામ ચાલી રહ્યું છે. એકંદરે આશરે 9388 કરોડના પાંચ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની દિશા અને દશા બદલી નાખશે એ વાત નક્કી છે.

200 એકરમાં 1200 કરોડના ખર્ચે એઇમ્સ
ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટના ખંઢેરી પાસે 200 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે આકાર લઈ રહી છે. હાલ સંપૂર્ણપણે હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થયું નથી, પરંતુ 31 ડિસેમ્બરથી પૂજા વિધિ સાથે 12 વિભાગની OPD શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે પ્રથમ ફેઝમાં એઈમ્સના બિલ્ડિંગનું 40 ટકા પૂર્ણ થયું છે. જૂન 2022થી હોસ્પિટલ સંપૂર્ણપણે ધમધમવા લાગશે તેમજ ઓક્ટોબર 2023 સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે એવી શક્યતા છે. હાલ દરરોજ સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઓપીડી શરૂ કરવામાં આવી છે.

40-40 જુનિયર અને સિનિયર રેસિડન્ટ્સ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ
31 ડિસેમ્બરથી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઉદઘાટનનો આગ્રહ ટાળીને સાદાઈથી ઓપીડી શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં જનરલ મેડિસિન, ગાયનેક, સર્જરી, આઈ, ઈએનટી, પીડિયાટ્રિક, ડેન્ટલ, ઓર્થોપેડિક અને પલ્મનરી ડિસીઝની સારવારનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સિસ્ટમ મુજબનાં ચાર્જીસ રાખવામાં આવ્યા છે અને ભવિષ્યમાં ઈન્ડોર ડિપાર્ટમેન્ટ્સ શરૂ થઈ જાય પછી આયુષ્યમાન ભારત યોજના ઉપરાંત મેડિક્લેઈમ હેઠળ કેશલેસ ટ્રીટમેન્ટ પણ મળતી થઈ જશે. 40-40 જુનિયર અને સિનિયર રેસિડન્ટ્સ ડોક્ટર અને 60 નર્સના સ્ટાફ સાથે હોસ્પિટલ ધમધમતી થશે. હાલ 17 નોન-એકેડેમિક રેસિડેન્ટ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ થઈ ગઈ છે.

માત્ર 10 રૂપિયામાં દર્દીઓની તપાસ
રાજ્યના કોઇપણ શ્રેષ્ઠી પછી તે મુખ્યમંત્રી હોય કે પછી સાંસદો અને ધારાસભ્યો, તમામને તબીબી સારવારની જરૂર હશે તો બધા મુંબઇ અને દિલ્હી જવાને બદલે સીધા રાજકોટની એઇમ્સમાં આવશે. એવું નથી કે એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે જ, કારણ કે માત્ર 10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે. જે લોકો BPL કાર્ડ ધરાવે છે તેમને એઇમ્સમાં સારવાર, સર્જરી સાવ વિનામૂલ્યે કરાશે. આ કારણે અત્યારે BPL કાર્ડ લઇને સિવિલ હોસ્પિટલમાં હડધૂત થતા લોકોને સારી સારવાર મળી રહેશે.

કેવી રીતે એઈમ્સ પહોંચી શકાય
રાજકોટથી જામનગર રોડ પર 17 કિમી દૂર ખંઢેરી ગામ પાસે એઇમ્સ આવે છે, બસ સ્ટેશનથી સીધી બસ અને રેલવે સ્ટેશનથી સીધી ટ્રેન ખંઢેરી રેલવે સ્ટેશન સુધી જાય છે. ખાનગી વાહન મારફત માધાપર ચોકડીથી જામનગર હાઇવે પર જઇ એઇમ્સ હોસ્પિટલ પહોંચી શકાય છે

2500 કરોડના ખર્ચે 2500 એકરમાં હીરાસર એરપોર્ટ
​​​​​​​
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા આપતા હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે, જેમાં આગામી એક માસમાં એરપોર્ટના ટેમ્પરરી ટર્મિનલનું કામ પણ શરૂ કરી દેવાશે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રન-વેની કામગીરી 90 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. 3 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે MOU કર્યા હતા. બાદમાં રાજકોટના હીરાસર નજીક 2500 કરોડના ખર્ચે 2500 એકરમાં 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે.

પાર્કિંગ, ટેક્સી-ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થયેલું એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની 2600 મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જ્યારે બાકીના વધારાના રન-વે માટે નદી પર જરૂરી બોક્સ કલવર્ટની 300 મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે. બાઉન્ડરી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરી 72 ટકા, પાર્કિંગ ટેક્સી-ટ્રેકની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. ઇન્ટરિમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ ચાલી રહી છે. મેઈન ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થાય એ પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે

24 કલાક એરપોર્ટ નિર્માણની કામગીરી
​​​​​​​એરપોર્ટ પ્રોજેક્ટની કામગીરી અંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટની નિર્માણની કામગીરી 24 કલાક અવિરત ચાલી રહી છે, જેમાં 600થી વધુ લોકો હાલ અગ્રિમતાના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટની 64 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીએ આપી હતી.

ઓગસ્ટ 2022માં ટ્રાયલ લેન્ડિંગ અને ટેક-ઓફ થશે
​​​​​​​અત્યારસુધીની ધારણા એવી હતી કે રન-વેનું કામ પૂર્ણ થયે ઓગસ્ટ- 2022માં ટ્રાયલ લેન્ડિંગ અને ટેક-ઓફ કરાવવું, ડિસેમ્બર 2022માં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરી દેવો અને માર્ચ 2023માં એરપોર્ટ કાર્યરત કરી દેવું, પરંતુ હવે કેન્દ્ર સરકારે આઝાદીના 75મા વર્ષે જ આ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવાનું નક્કી કરીને ડિસેમ્બર 2022ને બદલે ઓગસ્ટ 2022 સુધીમાં કામ નીપટાવી દેવા જણાવ્યું છે. સંબંધિત તંત્ર હવે 7 મહિના જ હાથ પર હોવાનું માનીને આગળ વધી રહ્યું હોવાના નિર્દેશ મળી રહ્યા છે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું?
રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવી જગ્યા, જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થતું હોય, કોઇ હયાત એરપોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ ન કરાયું હોય. હીરાસરમાં માત્ર જમીન જ છે અને સાવ પાયાથી બાંધકામ શરૂ થયું છે. આ એરપોર્ટ પર એક જ કલાકમાં 14 ફ્લાઈટ ઉડાન ભરી શકશે તેમજ પ્લેન લેન્ડ થાય એની 2 જ મિનિટમાં રન-વે ખાલી થઇ જશે.

એરપોર્ટ ઓથોરિટીનાં નિયંત્રણો કુવાડવા સુધી લાગુ પડશે
​​​​​​​
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હીરાસર પ્રોજેક્ટના જનરલ મેનેજર લોકનાથ પાંધીએ જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટીના નિયમ પ્રમાણે, હીરાસર એરપોર્ટથી 20 કિલોમીટરના દાયરામાં કંઈપણ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી પાસેથી NOC લેવાનું રહેશે. સુરક્ષા માટે આવા નિયમો આવશે. એરપોર્ટથી 20 કિમી સુધીના વિસ્તારમાં કોઈપણ બાંધકામ કે હાઇરાઈઝ બિલ્ડિંગ બનાવવા માટે પ્રથમ એરપોર્ટ ઓથોરિટી પાસેથી NOC લેવું પડશે. આ ઉપરાંત સામાન્ય મોબાઈલ ટાવરની ઊંચાઈ 81 મીટર જેટલી હોય છે, પણ 20 કિમી સુધીના વિસ્તારમાં મોબાઈલ ટાવર 20 મીટર સુધીની ઊંચાઈના જ રહેશે. આ ઉપરાંત આ વિસ્તારમાં પવનચક્કી પણ નાખી શકાશે નહીં. આ નિયંત્રણો છેક કુવાડવા સુધી લાગુ પડવાના છે.

1181 કરોડના ખર્ચે 11 કિમી લાંબો આજી રિવરફ્રન્ટ બનશે
​​​​​​​રાજકોટ આજી રિવરફ્રન્ટ રૂ.1181 કરોડના અંદાજિત ખર્ચે આકાર પામનારો પ્રોજેક્ટ એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ એટલે કે પર્યાવરણની મંજૂરી માટે રાહ જોઈને ઊભો હતો. જોકે રૂપાણી સરકારમાં શક્ય ન બનેલું કાર્ય પટેલ સરકારે શક્ય બનાવ્યું છે. પોલ્યુશન બોર્ડની 87 ક્વેરી મ્યુનિ.એ દૂર કરતા રાજ્ય સરકારે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ આપ્યું છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી. ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડની નિયુક્તિ કરવામાં આવી છે. બિમલ પટેલની HCP કંપની ડિઝાઇન અમદાવાદ રિવરફ્રન્ટ અને નવા સંસદ ભવનની ડિઝાઈન કરી ચૂકી છે. આજી રિવરફ્રન્ટ 11 કિમી લાંબો બનાવવામાં આવશે. નદીની પહોળાઈ એકસરખી 70 મીટર કરાશે, બાકીની જગ્યા પર બગીચા, ફૂડ કોર્ટ અને રોડ બનશે

આજી રિવરફ્રન્ટ આશરે રૂ.1 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે
આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1181 કરોડ છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષ 2021–22 અંતર્ગત સરકાર પાસે રૂા.191 કરોડની માગણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ડ્રેનેજની ઈન્ટરસેપ્ટર લાઈન માટે 47 કરોડ, આજી નદીની બન્ને બાજુએ દીવાલ અને એન્ટ્રી માટે રૂ.312 કરોડ, વોટર રિપ્લેસમેન્ટ નેટવર્ક માટે 2.90 કરોડ, આજી નદીની બન્ને બાજુએ નવા રસ્તાના નેટવર્ક માટે 53.90 કરોડ સહિત કુલ 146.85 કરોડના ખર્ચનો અંદાજ છે.

હાલ આજી નદીનો કાંઠો (ડાબી બાજુ) અને રિવરફ્રન્ટ બન્યા પછી નદીનો કાંઠો આવો લાગશે (જમણી બાજુ).
હાલ આજી નદીનો કાંઠો (ડાબી બાજુ) અને રિવરફ્રન્ટ બન્યા પછી નદીનો કાંઠો આવો લાગશે (જમણી બાજુ).

આજી રિવરફ્રન્ટની મંજૂરી માટે અત્યાર સુધી કરાયેલી કામગીરીની તવારીખ

 • 05-03-2014 આજી નદીના શુદ્ધિકરણ તેમજ વિકાસ માટે માસ્ટરપ્લાન તૈયાર કરવા માટે અમદાવાદની એચ.સી.પી. ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડને વર્કઓર્ડર અપાયો
 • 20-05-2021 કન્સલ્ટિંગ એજન્સી મનપાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR)ના 97 મુદ્દાનું પ્રેઝન્ટેશન કર્યું. ત્યાર બાદ જરૂરી પૂર્તતા કરવામાં આવી
 • 20-08-2021 એન્વાયરન્મેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે State Expert Appraisal Committee (SEAC) સમક્ષ રિપોર્ટ સબમિટ કરાયા
 • 29-10-2021 ના રોજ સ્ટેટ એક્સપર્ટ એપ્રેઝાઈલ કમિટી(SEAC) સમક્ષ એન્વાયરન્મેન્ટલ ક્લિયરન્સ (EC) પ્રેઝન્ટેશન કરાયું
 • 20-01-2022 SEACની મિટિંગ મળી ઉપસ્થિત થયેલા 82 મુદ્દાની પૂર્તતા કરવામાં આવતા રિવરફ્રન્ટને મંજૂરી માટેનો નિર્ણય લેવામાં આવ્યો
 • 17-02-2022 એન્વાયરન્મેન્ટ ક્લિયરન્સ આપવાનો હુકમ થયો

1000 કરોડના ખર્ચે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે
1000 કરોડના ખર્ચે રાજકોટમાં સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેનું 60 ટકા કામ પૂર્ણ થયું છે. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાં રિંગ રોડ-2, ન્યુ રેસકોર્સ, અટલ સરોવર સહિતનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ટીપી સ્કીમ નંબર 32 અહીં રાજ્ય સરકારે મંજૂર કરતા 930 એકર જગ્યામાં પશ્ચિમ રાજકોટનો સ્માર્ટ વિકાસ થઇ રહ્યો છે. પરંતુ હવે રાજકોટ મહાપાલિકાની આર્થિક સ્થિતિની ગંભીર અસર પણ આ પ્રોજેક્ટ પર પડે તેવું લાગી રહ્યું છે. આયોજન મુજબનું સ્માર્ટ સિટી અહીં વિકસે તો દેશના મેટ્રો સિટી જેવી સુવિધાઓ અહીં ઉભી થવાની છે. પરંતુ આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે સ્માર્ટ સિટી તૈયાર કરવાના આયોજનમાં મનપાના ભંડોળનો મોટો હિસ્સો નિમિત બનવાનો છે.

1000 કરોડના પ્રોજેક્ટમાં 500 કરોડ કેન્દ્ર સરકારના
1000 કરોડના પ્રોજેક્ટમાં 500 કરોડ કેન્દ્ર, 250 કરોડ રાજ્ય સરકાર અને 250 કરોડ મનપાએ ભોગવવાના છે. આ પૈકી કેન્દ્રમાંથી 275 કરોડ, રાજ્યમાંથી 125 કરોડ, મનપામાંથી 100 કરોડ ઠલવાયા છે. હવે સરકારે કોર્પોરેશન પોતાના ખર્ચે કામ આગળ વધારે તે બાદ ગ્રાન્ટ મોકલશે તેવું કહ્યું છે. જો મનપા આ રીતે કામ આગળ વધારવામાં સફળ ન થાય તો 2022ના સપ્ટેમ્બર-ઓકટોબરમાં ટાર્ગેટ મુજબ યોજના પૂરી થઇ શકશે નહીં. 2017માં સ્માર્ટ સિટી નક્કી થયા બાદ બે વર્ષે તો માંડ કન્સલ્ટન્ટ નક્કી થયા હતા. ખરૂ કામ સપ્ટેમ્બર-2020થી શરૂ થયું છે. જે-તે વખતે 7 ટકા કામ થયું હતું તે હવે 60 ટકા પર પહોંચ્યું છે. છતાં કોરોના બાદ મજૂરો સહિતના પ્રશ્નો યથાવત છે. હાલ કોર્પોરેશને તત્કાલ સ્માર્ટ સિટીમાં 100 કરોડનું ભંડોળ ઠાલવવું પડે તેમ છે.

વધુ એક રેસકોર્સનું નિર્માણ થઈ રહ્યું છે
સ્માર્ટ સિટી, અટલ તળાવ, કન્વેન્શન સેન્ટર, સ્પોર્ટસ એરેના, ન્યુ રેસકોર્ષ વગેરે પ્રોજેક્ટ તબક્કાવાર પૂરા થવામાં છે. 18થી 60 મીટરના વિશાળ રોડ નેટવર્ક, 15 BRTS નેટવર્ક, 24 કલાક પાણી આપવા 33 કિમી લંબાઇના DI પાઇપલાઇન નેટવર્ક, ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુદ્રઢ ભૂગર્ભ ગટર સિસ્ટમ, રિસાઇકલ વોટર સપ્લાય, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન, એલઇડી લાઇટિંગ, પાવર કેબલ માટે યુટીલિટી ડકસ મૂકવાના છે. અત્યાર સુધીમાં 154 કરોડનો 28 ટકા ફાયનાન્સિયલ પ્રોગેસ થયો છે તો 60 ટકા ફિઝીકલ પ્રોગ્રેસ છે. પશ્ચિમ રાજકોટમાં એક રીતે આ વધુ એક રેસકોર્ષ અને સ્માર્ટ સિટીનું નિર્માણ થઇ રહ્યું છે. સમયે આયોજન આગળ વધે એટલે 2022ના સપ્ટેમ્બર માસ આસપાસ સ્માર્ટ સિટી નિર્માણ થઇ જવાની આશા મહાપાલિકા તંત્રને છે.

રિંગ રોડ-2 પ્રોજેક્ટની હાઇલાઇટ્સ

 • ​​​​​​​પ્રોજેકટ કોસ્ટ: 548 કરોડ
 • પ્રોજેક્ટ સમય મર્યાદા: 30 મહિના (કોવિડના કારણે સમય મર્યાદામાં 6 મહિનાનો વધારો
 • નિભાવ મરામત: 5 વર્ષ જવાબદારી એજન્સીની​​​​​​​
 • કુલ એરિયા: 930 એકર
 • રસ્તાઓની કુલ લંબાઇ: 20 કિમી​​​​​​​
 • BRTS રસ્તાઓની લંબાઇ: 10 કિમી
 • BRTS બસ સ્ટોપ- 15 નંગ
 • ગંદા પાણીના શુદ્ધીકરણ બાદ સ્ટોરેજ કરવાની ટાંકી- 23 એમએલ
 • ચોખ્ખા પાણીની ટાંકી- 30 એમએલ
 • પાવર ડક્ટની કુલ લંબાઇ- 39 કિમી
 • ​​​​​​​વરસાદી પાણીના બોક્સ ગટર (2 ફુટથી 4 ફુટ સુધીના)- 36 કિમી
 • ​​​​​​​આઇસિટી ડક્ટ (ટેલિફોન, સીસીટીવી, વાઇફાઇ વગેરેના કેબલ)- 40 કિમી
 • ​​​​​​​ડ્રેનેજની લાઇનો- 25 કિમી
 • ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન- 76 એમએલડી
 • ચોખ્ખા પાણીના નેટવર્કની લંબાઇ- 29 કિમી
 • તમામ ચોખ્ખા અને શુદ્ધીકરણ થયેલા પાણીને 24 કલાક વિતરણ કરવા માટે ઓટોમેટિક મોટરોથી પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે પ્રકારની સિસ્ટમ
 • ​​​​​​​શુદ્ધીકરણ​​​​​​​ કરેલા પાણીના નેટવર્કની લંબાઇ- 30 કિમી
 • ​​​​​​​સ્ટ્રીટ લાઇટના પોલ (નાના+મોટા)- 2044
 • ટ્રાફિક નિયમન માટે સાઇનએજીસ બોર્ડ- 755

અટલ સરોવર વિસ્તારમાં શું-શું હશે

 • 2.93 લાખ ચો.મી.માં 92837 ચો.મી.ની વોટરબોડી​​​​​​​
 • 136 કરોડની યોજનાની 15 વર્ષની જવાબદારી એજન્સીની​​​​​​​
 • ગાર્ડન, સ્પે.ચિલ્ડ્રન ગાર્ડન, બોટિંગ, ફેરીસવીલ, ટ્રોય ટ્રેન
 • લાઇટ એન્ડ સાઉન્ડ શો, વોક વે, સાયકલ ટ્રેક, પાર્કિંગ
 • બે એમ્ફી થિયેટર, એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ
 • પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ફૂડ કોર્ટ, શોપિંગ સેન્ટર, મોન્યુમેન્ટલ ફલેગ
 • 42 દુકાનો સાથે 50 ટકા ફિઝિકલ અને 34 ટકા ફાઇનાન્શિયલ પ્રોગ્રેસ

3488 કરોડનો રાજકોટ-અમદાવાદ સિક્સ લેન પ્રોજેક્ટ
​​​​​​​રાજકોટ-અમદાવાદ વચ્‍ચે સિક્સ લેન રોડને રાજ્ય સરકારે મંજૂરી આપી દેતા હાલ કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટ માટે રૂપિયા 3488 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજકોટ-અમદાવાદની વચ્ચે 201 કિમી લંબાઈ ધરાવતા રોડની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. અમદાવાદથી સૌરાષ્‍ટ્રને જોડતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે આવનારા દિવસોમાં સંપૂર્ણ સિક્‍સ લેન થઇ જશે. અમદાવાદ-સરખેજ ચાંગોદર સેક્‍ટરમાં કુલ 18.42 કિમી લંબાઇમાં સિક્‍સ લેનની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે.

અમદાવાદ જવામાં એક કલાકનો સમય બચશે
​​​​​​​
અમદાવાદ-બગોદરા-બામણબોર-રાજકોટની સમગ્ર લંબાઇને સિક્‍સ લેન બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તરફના વાહન વ્‍યવહારને વધુ સગવડતા મળશે. રાજકોટની ગ્રીનલેન્‍ડ ચોકડીથી અમદાવાદની સરખેજ ચોકડીનું અંતર 200 કિમી થાય છે, આ માર્ગ હાલ ફોરલેન છે તે સિક્‍સલેન કરવા માટે 12 ફૂટ જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ રસ્‍તો છ માર્ગીય થયા બાદ સૌરાષ્‍ટ્રના વાહન ચાલકોને અમદાવાદ જવામાં એકાદ કલાકનો સમય બચશે.

અન્ય સમાચારો પણ છે...