વિદ્યાર્થી જીવનમાં શિક્ષણની સાથોસાથ પ્રવાસ, પર્યટન, પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળકમાં લાંબો સમય સ્મૃતિ રહે છે. સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે. હાલ શિયાળો શરૂ થઇ ગયો છે ત્યારે શાળાઓમાં ઠેર ઠેર એક, બે કે તેથી વધુ દિવસોના પ્રવાસના આયોજનો થવા લાગ્યા છે. તાજેતરમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં 90 જેટલી શાળાએ પ્રવાસની મંજૂરી માટે અરજી કરી છે.
મોટાભાગે શાળા સંચાલકો બાળકોને ગમ્મત અને આનંદની સાથે જ્ઞાન પણ મળે તેવા સ્થળોએ પ્રવાસનું આયોજન કરતા હોય છે. રાજકોટ જિલ્લામાં 980 જેટલી શાળા છે જેમાંથી હાલ 90 જેટલી શાળાની પ્રવાસની મંજૂરી માટેની અરજીઓ ડીઈઓમાં આવી છે. મંજૂરી મળ્યા બાદ પૂરતી સાવચેતી અને સુરક્ષા સાથે શાળા સંચાલકોએ બાળકોને પ્રવાસમાં લઇ જશે. શાળાઓએ પ્રવાસ દરમિયાન સરકારે નક્કી કરેલા તમામ નીતિ-નિયમો પાળવા પડશે. એક દિવસના પ્રવાસની ફી રૂ. 400થી વધુ નહીં લઇ શકે. પ્રવાસનું નામ સાંભળતાં જ બાળકનું મન થનગની ઊઠે છે. પ્રવાસ ગયા પહેલા જ તેનું મન બધે જ ઘૂમી આવે છે.
પ્રવાસ માટે આ સ્થળો ફેવરિટ : સાયન્સ સિટી, ઐતિહાસિક સ્મારકો, દરિયાકાંઠો
શાળાઓમાં યોજવામાં આવતા પ્રવાસમાં મોટાભાગે બાળકોને આનંદની સાથે જ્ઞાન પણ મળે, ગુજરાતનો ઈતિહાસ, વારસો, પુરાતત્ત્વ સહિતના વિષયોને સમજે તેવા સ્થળો વધુ પસંદ કરવામાં આવે છે. અમદાવાદનું સાયન્સ સિટી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નળાબેટ સીમા દર્શન, પ્રાચીન મહેલો, ઐતિહાસિક કિલ્લાઓ, પુરાતત્ત્વ વિભાગની સાઈટો, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, ગુજરાતના પ્રખ્યાત મ્યુઝિયમ જેવા સ્થળોની મોટાભાગે પસંદગી કરાય છે.
આ છે નિયમ : 200 કિ.મી. પ્રવાસ માટે રૂ. 400, તેથી વધુ હોય તો રૂ. 450 ફી
પ્રવાસના નિયમનું પણ પાલન કરવાનું રહે છે જેમાં જો કોઈ સ્કૂલ એક દિવસનો પ્રવાસ 200 કિ.મી.ની અંદર ગોઠવે તો પ્રતિ વિદ્યાર્થી ખર્ચની રકમ રૂ.400થી વધવી જોઈએ નહીં. જો 200 કિલોમીટરથી વધુનો અને એક દિવસથી વધુ દિવસનો પ્રવાસ હોય તો પ્રતિદિન 450થી વધુ ફી હોવી જોઈએ નહીં. આ ફીમાં બાળકને લઇ જવા-લાવવા, રહેવા-જમવા સહિતનો ખર્ચ સામેલ હોય છે.
પ્રવાસ માટે સ્કૂલોએ ડીઇઓ અને વાલીઓની મંજૂરી લેવી ફરજિયાત
કોઈપણ સ્કૂલ પ્રવાસનું આયોજન કરતા પહેલા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મંજૂરી માટે ફરજિયાત અરજી કરવી પડે છે. ડીઈઓની મંજૂરી લેવા ઉપરાંત પ્રવાસમાં આવતા દરેક બાળકના માતા-પિતાની સંમતિ લેવી પણ ફરજિયાત હોય છે. આ ઉપરાંત પ્રવાસ દરમિયાન દરેક શાળાએ સરકારના તમામ નીતિ-નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.