1081 લોકોનો સરવે:89.3% લોકોએ કહ્યું કોરોનામાં અન્ય રોગવાળાના વધુ મૃત્યુ થયા, 76.8%એ કહ્યું જીવનશૈલી કારણભૂત

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવનશૈલી, સ્થૂળતા અને એસીને કારણે કોરોના જીવલેણ સાબિત થયો હોવાનું તારણ

જીવનશૈલી અને વ્યવસાયના પરિણામે કોરોનાની અસર વધુ થઇ છે કે કેમ? તે જાણવાના હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં લેબ આસિસ્ટન્ટ ડૉ. મીરાકુમારી જેપાર દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં કુલ 1081 લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં 62.5% સ્ત્રીઓએ અને 37.5% પુરુષોએ પ્રતિક્રિયાઓ આપી હતી. આ સરવેમાં લોકોએ કહ્યું હતું કે, જીવનશૈલી, ઓબેસિટી અને એસીને કારણે કોરોના વધુ જીવલેણ સાબિત થયો છે. કોઈ શારીરિક માંદગી હોય અને તેમને કોરોના થયો હોય તેવા લોકોના મૃત્યુ વધારે થયા છે એવું 89.3% લોકોએ કહ્યું હતું જ્યારે 76.8%એ કહ્યું જીવનશૈલી અને કુટેવોને લીધે કોરોના વધુ ઘાતક બન્યો.

ડૉ. જોગસણે જણાવ્યું હતું કે, એક સ્વસ્થ જીવનશૈલી એટલે એક સ્વસ્થ આહાર અને કસરત (યોગ), ક્યાં સમયે ભોજન લે છે તે બધી બાબતો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જીવનમાં ખાદ્યપદાર્થોમાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ ઘટાડીને એક સ્વસ્થ જીવનશૈલી તરફ એક ડગ માંડી શકાય છે. તથા ધૂમ્રપાનનું પ્રમાણ ઓછું અથવા બને તો બંધ કરીને પણ એક સ્વસ્થ જીવન જીવી શકાય છે.

લોકોએ આપેલી પ્રતિક્રિયા પરથી આટલા તારણ નીકળ્યા

  • 16.1 % ડોક્ટર્સ , 12.5% નર્સને, 8.9% શિક્ષકોને, 5.4% ડ્રાઈવર્સને, 12.5% વેપારીઓને અને 19.6% અન્ય લોકોને કોરોના થયો હોવાનું તારણ.
  • 51.8 ટકા લોકોએ કહ્યું ACમાં રહેતા લોકો કોરોનાગ્રસ્ત વધુ બન્યા છ.
  • 62.5% લોકોએ ઓબેસિટી (સ્થૂળતા)ને લીધે કોરોના થાય છે તેવા પ્રશ્નના જવાબમાં હા કહી હતી.
  • 89.3% લોકોએ કહ્યું કોઈ શારીરિક માંદગી હોય અને તેમને કોરોના થયો હોય તેવા લોકોના મૃત્યુ વધારે થયા છે.
  • 76.8% લોકોએ કહ્યું કે, ખાવા-પીવાની ટેવ ઉપરાંત બીજી જીવનને લગતી ટેવોને કારણે કોરોનાની અસર જાન લેવા થઇ હોય એવું હતું.
  • 53.6% લોકોએ જણાવ્યું કે, શારીરિક શ્રમ ઓછો અને માનસિક શ્રમ વધુ હોય તેવા લોકોને કોરોના વધુ થયો.
  • 62.5% લોકોએ કહ્યું જંકફૂડ અને હોટેલનું ખાવાવાળા લોકો વધુ કોરોનાગ્રસ્ત થયા છે.
  • 75% લોકોએ એ વાત નકારી હતી કે, વ્યસની લોકોને કોરોના નથી થયો અથવા તેની અસર નહીંવત થઇ છે.
અન્ય સમાચારો પણ છે...