તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલનું રિસર્ચ:રાજકોટમાં 83 ટકા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓએ વેક્સિન જ લીધી નથી, રસીના બે ડોઝ લીધા બાદ આવા દર્દીને ફાયદો થાય છે

રાજકોટ3 મહિનો પહેલા
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ. ત્રિવેદી.
  • 40 જ દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હોવાથી તમામને સારવાર બાદ રજા આપવામાં આવી

કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાથી સાજા થયેલા કેટલાક દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ રોગ જોવા મળ્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ અંદાજે 1000 જેટલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ નોંધાયા હતા. આ તમામની સારવાર દરમિયાન સિવિલ દ્વારા એક રિસર્ચ કરાયું હતું. જેમાં 1000 પૈકી 830 એટલે કે 83% મ્યુકોરમાઈકોસિસનાં દર્દીઓએ કોરોના વેક્સિન નહીં લીધી હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. આ અંગે સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું કે, કોરોનાની રસી મ્યુકોરમાઈકોસિસ સામે પણ રક્ષણ આપે છે.

40 દર્દીએ બંને ડોઝ લીધા હોવાથી સારવાર બાદ રજા પણ અપાઇ
સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર કુલ દર્દીઓ પૈકી માત્ર 40 જ દર્દીઓ એવા હતા કે જેમણે રસીના બંને ડોઝ લીધા હોવા છતાં પણ તેમને મ્યુકોરમાઈકોસિસ થયો હતો. પરંતુ હાલ તમામ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ પૈકી કોઈ પણ દર્દીને ખાસ મોટી તકલીફ પણ થઈ નહીં હોવાથી આપણે કહી શકીએ છીએ કે, કોરોના વેક્સિન લેવાના કારણે મ્યુકોરમાઈકોસિસથી પણ બચી શકાય છે.

રસીની અસર મ્યુરકોરમાઈકોસિસના દર્દીમાં પણ જોવા મળી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે રીતે કોરોના રસી લેવાના કારણે કોવિડના દર્દીઓનું મૃત્યુ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. તેમજ કોરોનાના આવા દર્દીઓ પર વધુ અસર કરતો નથી. આ રીતે મ્યુકોરમાઈકોસિસના કેસમાં પણ જોવા મળ્યું છે કે, કોરોના રસી લેવાના કારણે મ્યુકોરમાઈકોસિસની ગંભીર અસરો દર્દીઓનાં શરીર પર જોવા મળતી નથી. તેમજ તેઓ જલ્દીથી સ્વસ્થ પણ થઈ જાય છે. આ સાથે જ તેમણે લોકોને કોરોનાની વેક્સિન લેવા માટે આગળ આવવા અપીલ પણ કરી છે.

વેક્સિન અસરકારક હોવાનું સામે આવ્યું
નોંધનીય છે કે, કોરોનાની મહામારી સામે બચવા માટે એકમાત્ર ઉપાય કોરોનાની વેક્સિન છે. જેના બંને ડોઝ સમયસર લેવાથી કોરોના જેવી મહામારીમાંથી બચી શકાય છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા લોકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના વેક્સિન લે તે માટે અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સરકાર પણ જોડાય છે. ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં કોરોના રસી માટે મહાઅભિયાનનો યોજવામાં આવી રહ્યા છે. કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ તેમજ તાજેતરમાં કોરોનાનું ડેલ્ટા પ્લસ વેરીએન્ટ પણ સામે આવ્યું છે. જોકે આ તમામ માટે વેક્સિન અસરકારક હોવાનું સામે આવ્યું છે.