કોરોનાનો કહેર:રાજકોટના વૃદ્ધે રસી લીધી ન હતી, ન્યુમોનિયા થયો અને માત્ર 3 જ દી’ની સારવાર દરમિયાન મોત, પોરબંદરના તબીબનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર

રાજકોટમાં કોરોનાને કારણે બે મહિના બાદ પ્રથમ મોત નોંધાયું છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 82 વર્ષના વૃદ્ધનું સોમવારે સાંજે મોત થયું છે. આ અંગે જાણવા મળ્યું છે કે, વૃદ્ધે વેક્સિન લીધી ન હતી અને તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ન્યુમોનિયા હોવાથી વૃદ્ધના સેમ્પલ લેવાયા હતા પણ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ પણ લક્ષણો કોરોનાને લગતા હતા તેથી ફરી સેમ્પલ લેવાયા જેમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વૃદ્ધની સારવાર માત્ર 3 જ દિવસ ચાલી હતી અને પછી મોત નીપજ્યું હતું. આ ઉપરાંત પોરબંદરના એક વૃદ્ધનું પણ રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મંગળવારે રાજકોટ શહેરમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે જે પૈકી એક 22 વર્ષની યુવતી છે જે યુ.કે.થી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી અને રાજકોટ આવવા નીકળી હતી પણ એરપોર્ટ પર ટેસ્ટ કરાતા પોઝિટિવ આવી છે. આધારકાર્ડ રાજકોટનું હોવાથી તે કેસ રાજકોટ શહેરમાં ગણાયો છે પણ યુવતીને હાલ અમદાવાદમાં જ અટકાવી આઈસોલેટ કરી દેવાઈ છે. બીજી તરફ રાજકોટના ઓમિક્રોન વોર્ડ જે આફ્રિકન યુવક દાખલ છે તેને 5 દિવસ પૂરા થતા આરટીપીસીઆર માટે સેમ્પલ લેવાયા હતા પણ ફરી વખત કોરોના પોઝિટિવ આવતા હજુ 4 દિવસ દાખલ રાખવા માટે નિર્ણય લેવાયો છે. હવે 4 દિવસ બાદ ફરીથી રિપોર્ટ કરાશે અને જ્યાં સુધી નેગેટિવ નહિ આવે ત્યાં સુધી રજા અપાશે નહીં.

રાજકોટમાં કોરોનાના કેસ આવે તે ઘરની આસપાસના બે ઘરોને લો-રિસ્ક કોન્ટેક્ટ હોય તો તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને સ્ક્રીનિંગ બાદ ટેસ્ટ કરાય છે પણ મેયર ડો.પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે ટેસ્ટિંગ વધારવા માટે આસપાસના તમામ ઘરોના ટેસ્ટ કરવા આદેશ કર્યો છે. જેને પગલે હવે જે જગ્યાએ પોઝિટિવ આવ્યા હોય તે શેરી નાની હોય અથવા તો એપાર્ટમેન્ટ હોય તો તે તમામ ઘરોના સેમ્પલ લેવાશે અને જો મેઈન રોડ કે મોટી શેરી હોય તો તેની આસપાસના 3-3 ઘરના ટેસ્ટિંગ કરવામાં આવશે.

ધો.1થી 5ની શાળાઓ બે સપ્તાહ બંધ રાખો : IMA
રાજકોટમાં મંગળવારે જાહેર થયેલા કેસમાં એકપણ વિદ્યાર્થી નથી છેલ્લા 3 દિવસથી શાળાના વિદ્યાર્થીઓમાં કોરોના આવતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ એસોસિએશન વતી સૂચન કર્યું છે કે, હાલની સ્થિતિએ બાળકોમાં કેસમાં ઝડપી વધારો ન થાય તે માટે બે સપ્તાહ સુધી સ્કૂલ બંધ કરવી જોઈએ. શાળાઓ ચાલુ થવાની હતી ત્યારે સંચાલકોએ એવું કહ્યું હતું કે, તબીબો સાથે બેઠક કરીને તેમણે બનાવેલી ગાઈડલાઈન મુજબ શાળાઓ ચાલશે, હવે એ જ એસોસિએશન શાળા બંધ કરવાનું સૂચન શાળા સંચાલકો કેટલું માને છે તે જોવાનું રહ્યું.

સ્કૂલમાં બે રિસેસ રાખો, બસના ફેરા વધારો : મ્યુનિ. કમિશનર
વિદ્યાર્થીઓમાં કેસ વધતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ શાળા સંચાલકો સાથે બેઠક કરી હતી જેમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મેહતાએ કોવિડ કેર કમિટી અંગે માહિતી આપી આરોગ્ય શાખા સાથે સંકલનમાં હોવાનું જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે શાળાઓને સૂચન કર્યું છે કે, વિદ્યાર્થીઓની ભીડ ન થાય એટલે એક ને બદલે બે રિસેસ આપવામાં આવે અને સ્કૂલબસમાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસી શકે તે માટે તેના ફેરા વધારી દેવાના રહેશે. આ ઉપરાંત શાળામાં કોરોના ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે.

પોરબંદરના તબીબનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત
પોરબંદરના ખાખચોક વિસ્તારમાં રહેતા અને કીર્તિમંદિર પોલીસ લાઈન નજીક સુતારવાડાના નાકે કલીનીક ધરાવતા ડો. જેન્તીભાઈ જેઠાલાલ થાનકી નામના તબીબની તબિયત લથડતા તેઆેને ખાનગી હોિસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી હતી અને તેઆેનો ખાનગી લેબોરેટરીમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેઆેનું મૃત્યુ થયું છે. તબીબના ક્લિનિક ખાતે કોઈ ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમા આવવાથી તેમને કોરોના સંક્રમણ થયું હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...