ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે:રાજકોટ જિલ્લાની 8 બેઠકના 81 ફોર્મ માન્ય, 17મીએ સાંજે ચિત્ર સ્પષ્ટ થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ડમી’ તથા માહિતી પૂરી નહીં પાડનાર અપક્ષોનાં ફોર્મ રદ
  • રાજકોટ પશ્ચિમ બેઠક પર 15, ગોંડલ બેઠક પર 5 ફોર્મ માન્ય રહ્યાં

રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર મળી આઠ બેઠક માટે તા.14ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ ભરાયેલા તમામ ફોર્મની તા.15ના ઓબ્ઝર્વરની હાજરીમાં ચકાસણી કરવામાં આવી હતી, આઠેય બેઠકના મળી કુલ 170 ફોર્મ ભરાઇને રજૂ થયા હતા જેમાંથી 81 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા હતા.

રાજકોટ વિધાનસભા-68માં ઉમેદવારી માટે 92 ફોર્મ ઉપડ્યા હતા, જેમાંથી 28 ફોર્મ રજૂ થયા હતા, ફોર્મ ચકાસણીના અંતે 12 ફોર્મ માન્ય રહ્યાં હતાં, વિધાનસભા-69માં 75 ફોર્મ ઉપડ્યા હતા, 26 ફોર્મ રજૂ થયા હતા જેમાંથી 15 ફોર્મ માન્ય રહ્યાં હતાં, વિધાનસભા-70માં 77 ફોર્મ ઉપડવાની સામે 27 ફોર્મ ભરાયા હતા.

ચકાસણીના અંતે 9 ફોર્મ માન્ય રહ્યાં હતાં. વિધાનસભા-71માં 69 ફોર્મ ઉપડ્યા હતા, 25 ફોર્મ રજૂ થયા હતા, જ્યારે 14 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જિલ્લાની જસદણ બેઠક માટે 48 ફોર્મ ઉપડ્યા હતા, 17 ફોર્મ ભરાયા હતા, જેની સામે 8 ફોર્મ માન્ય રહ્યાં હતાં, ગોંડલ બેઠક માટે 57 ફોર્મ ઉપડ્યા હતા, 10 ફોર્મ ભરાઇને રજૂ થયા હતા, જ્યારે 5 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જેતપુર બેઠક માટે 46 ફોર્મ ઉપડ્યા બાદ 16 ફોર્મ રજૂ થયા હતા જ્યારે 9 ફોર્મ માન્ય રહ્યાં હતાં અને ધોરાજી બેઠક માટે 57 ફોર્મ ઉપડ્યા હતા, 21 ફોર્મ ભરાયા હતા અને 9 ફોર્મ માન્ય રહ્યાં હતાં.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉપરાંત ડમી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે તમામ ફોર્મ આજે મંગળવારે ચકાસણીમાં અમાન્ય થઇ ગયા હતા, આ ઉપરાંત કેટલાક અપક્ષોના ફોર્મ અપૂરતી માહિતીને કારણે રદ થયા હતા, રાજકોટ વિધાનસભા-70ના કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરા સામે અપક્ષોએ કેટલીક માહિતીના અનુસંધાને વાંધો લીધો હતો પરંતુ વાજબી કારણો નહીં લાગતા તે વાંધા ઉડાવી દેવાયા હતા અને હિતેષ વોરાનું ફોર્મ માન્ય રખાયું હતું. તા.17ની સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...