રાજકોટ ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગે ઉંધિયું ખાવાની પરંપરા છે. આ પરંપરા કોરોના કાળમાં પણ યથાવત જોવા મળી રહી છે. અને શહેરમાં ઠેર-ઠેર ઉંધિયાની દુકાનોમાં લોકોની મોટી ભીડ જામી છે. ઠંડાઠંડા વાતાવરણમાં ગરમાગરમ ઉંધિયાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જેમાં 70% લોકો વેચાતું ઉંધિયું લેશે અને અંદાજે આજે એક જ દિવસમાં 800 કિલો ઉંધિયુ લોકો આરોગી જશે.જાય તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ઉંધિયુ ઉત્તરાયણની ઉજવણી માટે સર્વોત્તમ
રાજકોટવાસીઓ ઉત્સવપ્રેમીની સાથે સ્વાદપ્રેમી પણ છે. અને તેને જ લઈને દરેક તહેવારમાં ઉત્સવના આનંદ સાથે સ્વાદનો આનંદ લેવાનું ક્યારેય ચુકતા નથી. જેમાં ખાસ ઉત્તરાયણ પર્વ પર પતંગબાજીના પેચ લડાવવાની સાથે લોકો ઉંધિયાની મજા માણતા હોય છે. એકતરફ ઠંડુ ઠંડું વાતાવરણ અને બીજીતરફ ગરમાગરમ ઉંધિયુ ઉત્તરાયણની ઉજવણી માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જેને લઈને સવારથી ચટાકેદાર ઉંધિયાની ખરીદી કરવા લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
દર દસ ધર મૂકી એક ઘરમાં 500થી 1 કિલો ઊંધિયું જમાશે
વેપારીઓનાં જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ પર્વ ઉપર લોકો લાખો રૂપિયાનું ઉંધિયું ઝાપટી જાય છે. દરવર્ષની માફક ચાલુવર્ષે પણ એકાદ સપ્તાહ પહેલા ઉંધિયાનાં ઓર્ડર મળવા લાગ્યા હતા. અને જુદી-જુદી દુકાનોમાં થઈને લગભગ એડવાન્સ ઓર્ડર મળી ચુક્યા હતા. સામે તેટલી જ સંખ્યામાં લોકો છેલ્લી ઘડીએ ઉંધિયુ લેવા નીકળતા હોય છે. ત્યારે આજના દિવસમાં 700-800 કિલો ઉંધિયાનું વેંચાણ થવાની પુરી સંભાવના હોવાનું પણ વેપારીઓ દ્વારા જણાવાયું હતું.
ઉંધિયાનાં ભાવોમાં ગતવર્ષની સરખામણીએ કોઈ વધારો નહીં
ઉંધિયાનાં ભાવ અંગે વધુ એક વેપારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષ ઉંધિયાનો ભાવ રૂ.385 હતો અને આ વર્ષે પણ ભાવમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. જો કે ઉંધિયાનાં ચાહકો માટે ભાવનું ખાસ મહત્વ હોતું નથી. સારા ટેસ્ટવાળું ચટાકેદાર ઉંધિયુ બનાવનાર વેપારીને લોકો કિલોના 25-50 રૂપિયા વધુ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. અને પતંગોત્સવમાં ધાબા ઉપર જ પરિવાર અને મિત્રો સાથે ઉંધિયાની મોજ માણતા હોય છે.
દર વર્ષે લાખો રૂપિયાનું ઉંધિયુ વેંચાય છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દર વર્ષે લાખો રૂપિયાનું ઉંધિયુ વેંચાય છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોવાને કારણે વેપારીઓ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. અને વધુ પડતો સ્ટોક કરવાને બદલે ઓર્ડર મુજબ ઉંધિયુ બનાવવામાં આવ્યું છે. જો કે ચાલુવર્ષે કોરોનાનાં કેસ વધુ પણ દર્દીઓની પરિસ્થિતિ સારી રહેતી હોવાથી લોકોમાં ખાસ કોઈ ડર જોવામાં આવતો નથી. ગતવર્ષની તુલનાએ ચાલુવર્ષે ઉંધિયાનાં વેંચાણમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.