મનપાનો દાવો:રાજકોટ શહેરના મુખ્યમાર્ગો પર 80 ટકા ખાડા બૂરી દીધા, સપ્તાહ પછી નાના રોડ પરના ખાડા બુરાશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મુખ્યમંત્રીએ એક મહિનામાં રોડ રિપેર કરવાનો આદેશ આપતા તમામ તંત્રની આવી છે કામગીરીની સ્થિતિ
  • અત્યાર સુધીમાં 25000 ચોરસ મીટર જેટલો ડામર અલગ-અલગ જગ્યાએ પાથરાયો, તમામ 3500 ખાડા બૂરતા હજુ 15 દિવસ થશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રી સુધીમાં તમામ રોડ રિપેર કરવા બધા તંત્રને સૂચના આપી છે. આ સૂચનાને કારણે તંત્ર ઊંધા માથે થયું છે કારણ કે, વરસાદમાં ડામરના પ્લાન્ટ શરૂ થતા નથી અને તેના વગર કામ થતું નથી તેથી જે જે પ્લાન્ટ શરૂ થયા છે તેમાંથી કામ થઈ રહ્યા છે.

બધાએ કામગીરી પૂરી થઈ જશે તેવા દાવા કર્યા
એક મહિનામાં કામ કેવી રીતે થશે અને હાલની સ્થિતિ શું છે તે જાણવા માટે રાજકોટ મહાનગરપાલિકા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પંચાયત સહિતના તંત્ર સાથે વાત કરતા બધાએ કામગીરી પૂરી થઈ જશે તેવા દાવા કર્યા છે. જો કે હાલની સ્થિતિ જાણતા તંત્રના દાવા હકીકત બને તેવી શક્યતા ઓછી છે.​​​​​​​ રાજકોટ મહાનગરપાલિકાએ કરાવેલા સરવે મુજબ શહેરમાં 3500 ખાડા છે જેમાંથી અડધો અડધ કામ થઇ ગયું છે.

નાના માર્ગો પરનું કામ 7 દિવસમાં કામ પૂરું કરાશે
​​​​​​​
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા જણાવે છે કે, 25000 ચોરસ મીટરથી વધુ જગ્યાઓમાં ડામરકામ કરી દેવાયા છે. મુખ્યમાર્ગો પર ખાડા છે તેને પ્રાથમિકતા અપાઈ રહી છે અને 80 ટકા કામ પૂરું થઈ ગયું છે.​​​​​​​ મુખ્યમાર્ગોમાં કામ પૂરા થયા બાદ શેરી અને નાના માર્ગો પર કામ હાથમાં લેવાશે અને 7 દિવસમાં કામ પૂરું કરાશે. આ ઉપરાંત 15 તારીખ બાદથી શહેરમાં જે નવા રોડ તેમજ જૂના રોડ છે તેના પર પેવરકામ પણ ચાલુ કરી દેવાશે.

ગોમટા, રીબડા આ બધા ગામોમાં રિપેરિંગ કામ ચાલું
નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગોમટા, રીબડા આ બધા ગામોમાં રિપેરિંગ કામ ચાલુ કરાયું છે. ગોંડલ રોડ ચોકડીએ ખાડાઓમાં હજુ પાણી ભરેલા છે અને પાણી સુકાયા બાદ ત્યાં પણ કામ થશે. ખાડાઓમાં મેટલ નાખવામા અને ત્યારબાદ ડામર લગાવીને આખો રોડ રિપેર કરવામાં એકાદ મહિનો થશે પણ 15 દિવસમાં તમામ મોટા ખાડાઓ બૂરી દેવાશે.

જિલ્લાના 1368 કિલોમીટર રસ્તામાંથી 5 ટકા જર્જરિત
માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો જણાવે છે કે, જિલ્લાના 1368 કિલોમીટર રસ્તામાંથી 5 ટકા જર્જરિત છે તે પૈકી સૌથી વધુ અસર ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં છે. આ બધા સ્થળોએ મેટલ મોરમ નાખવાનું કામ થઈ ગયું છે અને હવે ડામર ગરમ કરીને પેચવર્ક ચાલી રહ્યું છે જે 15 દિવસમાં પૂરું થઈ જશે. જિલ્લા પંચાયત હેઠળ આવતા માર્ગો વિશે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તાર હેઠળના મોટાભાગના રસ્તાઓમાં પેચવર્ક કરી દેવાયું છે અને સતત ચેકિંગ કરી જ્યાં હજુ પણ ખાડાઓ હોય તે બૂરવા આદેશ અપાયો છે.

નેશનલ હાઇવે ઓથોરિટીએ ગોમટા અને રીબડામાં કામ ચાલુ કર્યું, 30 કરોડના ટેન્ડર તૈયાર, શહેરમાં 15 રોડ એકસાથે શરૂ કરાશે
રાજકોટ શહેરમાં રોડ બનાવવા માટે પેવર એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેના માટે ટેન્ડરની પ્રક્રિયા કરાઈ હતી અને આશરે 30 કરોડ રૂપિયાના જંગી રોડ કામ માટે ટેન્ડર આવ્યા છે. આવતી સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત મુકીને ટેન્ડરને મંજૂરી અપાશે.

દશેરાથી એકસાથે 15 રોડના કામ ચાલુ કરાશે
​​​​​​​
હાલ રોડ રિપેરિંગના કામ ચાલે છે તેને એક મહિનામાં આટોપી લઈને દશેરાથી એકસાથે 15 રોડના કામ ચાલુ કરાશે જેમાં નવા 24 મીટરના રોડથી માંડી જૂના રોડનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને રેલનગર ઈએસઆર રોડ 24 મીટરનો બનશે અને પ્લાન્ડ રોડ હોવાથી ઊંડુ ખોદકામ કરીને પાંચથી સાત લેયર મોરમ અને કપચી નાખ્યા બાદ પેવરકામ થશે જેથી રસ્તાની ગુણવત્તા વધુ સારી રહેશે.

રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ઓક્ટોબર સુધીમાં પૂરું કરવા સૂચના
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ રોડ રસ્તાને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જે માર્ગોમાં ખાડા છે. ખાસ કરીને રાજકોટથી ગોંડલ, રાજકોટથી બામણબોર તેમજ રાજકોટ મોરબી અને આટકોટ જસદણના માર્ગોમાં જે પણ ખાડાઓ છે તે તમામને એક મહિનામા બૂરી દેવા માટે તમામ અધિકારીઓને સૂચના આપી છે.

રીવ્યુ મિટિંગમાં કલેક્ટરે અધિકારીઓ પાસેથી પ્રગતિ અહેવાલ લીધો હતો
​​​​​​​
રાજકોટ-અમદાવાદ સુધીનો 6 લેન રોડનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. જે રોડ બન્યો છે તેમાં પણ ખાડા પડ્યા છે, આ આખા પ્રોજેક્ટની રીવ્યુ મિટિંગમાં કલેક્ટરે અધિકારીઓ પાસેથી પ્રગતિ અહેવાલ લીધો હતો અને કામની ગતિ ઝડપી કરવા આદેશ કર્યો છે. કલેક્ટરે જણાવ્યું છે કે ઓક્ટોબરના અંત સુધીમાં ટ્રાફિક માટે રોડ ખુલ્લો થઈ જશે. આ ઉપરાંત હોસ્પિટલ ચોક બ્રિજમાં પણ એકાદ મહિનો જ્યારે નાનામવા સર્કલ અને રામાપીર ચોકડીએ બે મહિના જેટલો સમય થશે તેવુ મનપાના સત્તાધીશો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...