તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેગા ડિમોલિશન:રાજકોટના ખોડિયારનગરમાં ટીપી રોડને લઈને 80 મકાન પર બુલડોઝર ફર્યું, 120 પરિવારને નીચે ધરતી, ઉપર આભ, 12.80 કરોડની જમીન ખુલ્લી કરાઇ

રાજકોટ23 દિવસ પહેલા
વહેલી સવારથી જ 80 મકાન પર બુલડોઝર ફરી રહ્યું છે.
  • ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ જોડાઈ હતી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નં.13માં આવેલા ખોડિયારનગરમાં 80 મકાન પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અઇચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનાં ધાડેધાડાં ઉતારી આખા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ જોડાઈ હતી. ખોડિયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 80 મકાનમાં 120 પરિવાર રહે છે, જેની હાલ ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થતિ જોવા મળી રહી છે. મનપાએ ડિમોલિશન કરી 12.80 કરોડની જમીન ખુલ્લી કરી છે.

બે દિવસ પહેલાં જ સ્થાનિકો મનપા કચેરીએ રજૂઆત કરવા ગયા હતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.13ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે 81 મકાનને નોટિસ આપવામાં આવી હતી, જેમાં 81માંથી 80 મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ કર્યો હતો, આથી બે દિવસ પહેલાં જ પોતાના ઘરને બચાવવાની માગણી સાથે લોકોનું ટોળું મનપા કચેરી ખાતે ઊમટી પડ્યું હતું. મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી, આથી લોકો મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા.

અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે કોઠારીયા વિસ્તારમાં રૂ. 12.80 કરોડના મૂલ્યની 3181.09 ચો.મી. જેટલી જમીન પરના અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ટી.પી. રોડના દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી.

12.80 કરોડની 3181.09 ચો.મી. જમીન ખુલ્લી કરાઈ
1.
વોર્ડ નં. 13માં ટી.પી. સ્કીમ. નં. 13 (કોઠારીયા), એફ.પી. 1/બી, 1/એ, 1/3માં આવેલી 7.50 મીટરના રોડમાં થયેલા અંદાજે 8 દબાણો દૂર કરવામા આવ્યા છે. જેની જગ્યા 485.68 ચો.મી. અને કિંમત 2,00,00,000 થાય છે.
2. વોર્ડ નં. 13માં ટી.પી.સ્કીમ. નં.-13 (કોઠારીયા), એફ.પી.2/2, 2/1, 4, 2/એમાં આવેલી 12 મીટરના રોડમાં થયેલા અંદાજે 41 દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેની જગ્યા 1364.97 ચો.મી. અને કિંમત 5,50,00,000 થાય છે.
3.વોર્ડ નં. 13માં ટી.પી.સ્કીમ. નં.-13 (કોઠારીયા), એફ.પી. 2/એમાં આવેલા 15 મીટરના રોડમાં થયેલા અંદાજે 32 દબાણો દૂર કરવામા આવ્યા છે. જેની જગ્યા 1330.44 ચો.મી. અને કિંમત 5,30,00,000 થાય છે.

80 મકાનમાં 120 પરિવાર રહેતા હતાઃ સ્થાનિક
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં ટીપી સંદર્ભે નોટિસ પાઠવવામાં આવી હતી. એનો જવાબ પણ અમે આપ્યો હતો. હવે ટીપી એ લોકોએ અલગ રીતે જ કાઢ્યો છે. ફાજલ જગ્યા મૂકી ટીપી રોડ કાઢવામાં આવ્યો છે. 80 મકાનમાં 120 પરિવાર રહેતા હતા. અમે મનપાને વૈકલ્પિક જગ્યાની માગ કરી છે છતાં કોઇ અમને યોગ્ય જવાબ આપતું નથી. હાલ ચોમાસું માથે છે તો અમે અમારાં સંતાનોને લઇને ક્યાં જઇએ.

લોકોએ પોતાની નજર સામે પોતાનાં ઘર પડતાં જોયાં.
લોકોએ પોતાની નજર સામે પોતાનાં ઘર પડતાં જોયાં.

વેરો ભરીએ છીએ છતાં આવું કર્યું: સ્થાનિક મહિલા
સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, નીતિન રામાણી અહીંના નેતા છે તેઓ આજે ડોકાયા પણ નથી. અમે રેગ્યુલર પાણીવેરો સહિતનો વેરા ભરીએ છીએ. ગટર સાફ કરાવવાની હોય તો અમારે તેમને ફોન કરવો પડે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માગવા પહોંચી જાય છે. મનપાએ અમને ત્રણ દિવસનો જ ટાઇમ આપ્યો હતો. હવે અમારે ક્યાં જવું, કોઇ મકાન પણ તાત્કાલિક ભાડે આપતું નથી. હાલ ઘરવખરી રસ્તા વચ્ચે પલળી રહી છે.

મહિલાઓનું આક્રંદ.
મહિલાઓનું આક્રંદ.

મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી
કોરોનાકાળ દરમિયાન આ શહેરનું સૌથી મોટુ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. 80 મકાન અને દુકાન પડતા જોઈ લોકોની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. ચોમાસામાં ક્યાં રહેવા જવું તે મોટો પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો છે. મહિલાઓના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો છે.