વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવળી અસર:4 દી’ કાતિલ ઠંડી, 3 દી’ આકરા તાપના લીધે રોજ 8 હજાર લોકો વાઇરલ ઇન્ફેક્શનનો બને છે ભોગ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અચાનક જ બદલાઇ જતા વાતાવરણને કારણે શરદી-ઉધરસ અને તાવના દર્દીમાં વધારો થયો

રાજકોટમાં ગત સપ્તાહમાં ગુરુવાર સુધી ઠંડો પવન હતો અને લઘુતમ તાપમાન સતત ત્રણ દિવસ સુધી 10 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, પરંતુ અચાનક શુક્રવારે ઠંડી ઘટી અને લઘુતમ તાપમાન 17 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે હજુ ત્રણ દિવસ સુધી આવું જ લઘુતમ તાપમાન ઊંચું જ રહેશે અને ત્યારબાદ તાપમાન નીચું જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દરિયાઈ પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. તેમજ પવનની દિશા પણ બદલાઈ છે.

ગત વર્ષની સરખામણીએ ઠંડી હજુ ઓછી જોવા મળે છે. વાતાવરણ બદલાતા વાઇરલ ઈન્ફેક્શનનું પ્રમાણ પણ વધ્યું છે. શહેરમાં દૈનિક 8 હજાર લોકો વાઇરલ ઈન્ફેક્શનનો ભોગ બને છે. જેમાં સૌથી વધુ શરદી- ઉધરસના કેસ જોવા મળે છે. આથી દવાના વેચાણમાં પણ વધારો આવ્યો છે.

ગત વર્ષની સરખામણીએ દવાના વેચાણમાં 20 ટકાનો વધારો જોવા મળે છે તેમ મેડિકલ સંચાલક કપિલભાઈ ભીમાણી જણાવે છે. સૌથી વધુ દવા ગળામાં દુ:ખવું, બળતરા થવી, કાકડામાં દુખાવો, નાકમાંથી સતત પાણી વહ્યા કરવું અંગેની દવાની ડિમાન્ડ વધારે રહે છે.

આ વખતે શિયાળાના દિવસોમાં સૌરાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક 8થી 9 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે
આ વખતે રેકોર્ડબ્રેક તાપમાન 8થી 9 ડિગ્રીની વચ્ચે રહેશે. જે ગત વર્ષ જેટલું જ રહેશે. જોકે આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે. 15 ફેબ્રુઆરી સુધી જ તાપમાન રહેશે. રવિવારે સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં નોંધાયું હતું. અમરેલીમાં 16.7, ભાવનગર 16.4, દ્વારકા 18, ઓખા 20.8, પોરબંદર 18, રાજકોટ 17.2, વેરાવળ 20.8, દીવ 18.1, સુરેન્દ્રનગર 16.5 અને મહુવામાં 16.1 ડિગ્રી તાપમાન હતું. જ્યારે મહત્તમ તાપમાન 24થી 32ની વચ્ચે રહ્યું હતું.

મોટા બાળકને બ્રીધિંગ એક્સરસાઈઝ કરાવવાથી રાહત રહેશે, ઓવર મેડિકેર કરવાથી બચવું
આવા વાતાવરણમાં મોટેભાગે શરદી-ઉધરસના કેસ વધારે જોવા મળે છે. સૌથી વધુ અસર બાળકમાં જોવા મળે છે. કારણ કે બાળક જ્યારે શાળાએ સવારે જાય છે ત્યારે તેને ઠંડો પવન-ઠંડી લાગવાની સંભાવના વધારે રહે છે. તેમજ તે શાળામાં એક કરતા વધુ બાળક સાથે મળે છે. જે બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને તરત જ ચેપ લાગે છે.

વાઇરલ ઈન્ફેક્શનથી બચવા ટોળાંમાં જતા બચવું. શરીરને અનુકૂળ હોય તેવા પ્રકારની કસરત કરી શકાય. જો બાળક મોટું હોય તેને બ્રીધિંગ એક્સરસાઈઝ પણ કરાવી શકાય. તેમજ બેઠાડું જીવન ટાળવું જોઈએ અને બાળકને એક્ટિવીટી આપવી જેથી કરીને તે ઝડપથી રિકવરી કરી શકે. > ડો. યજ્ઞેશ પોપટ

ટાઢ-તાપને બોડી એડજેસ્ટ કરતું હોય ત્યાં જ વાતાવરણ બદલાઈ તેથી વધારે અસર થાય છે
આ વખતે ફ્લૂના કેસ સૌથી વધુ જોવા મળે છે. ગરમી-ઠંડી પડતી હોય ત્યારે તે વાતાવરણને તમારું શરીર અનુકૂળ થવાની કોશિશ કરતું હોય છે. તેવામાં વાતાવરણ બદલાય એટલે જે સાઇકલ હોય તે તરત ડિસ્ટર્બ થાય છે. જેને કારણે વાઇરલ ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે કોઈ 18 કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તેેનું શરીર ઈમ્યુનિટી મેચ્યોર થઈ ગઈ હોય છે.

જ્યારે બાળકની ઈમ્યુનિટી એટલી ડેવલપ નથી હોતી એટલે તેનામાં અસર વધુ જોવા મળે છે. આ સિવાય ઠંડીને કારણે લોહી ગંઠાઇ જવાનું પ્રમાણ વધતું હોય છે. જેના ફેફસાં નબળા પડી ગયા હોય, ન્યુમોનીયાના દર્દી હોય તેને કારણે પણ હૃદયની સમસ્યા ઉદભવતી હોય છે. > ડો. અર્ચિત રાઠોડ, એમ.ડી. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...