એજ્યુકેશન:ગ્રામ્યની 8 શાળા શહેરમાં ભળી શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતની સ્કૂલનું સંચાલન હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કરશે
  • ​​​​​​​1838 વિદ્યાર્થી અને 59 શિક્ષક સાથેની આઠ સ્કૂલ શિક્ષણ સમિતિને સોંપી

રાજકોટ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ 87 શાળામાં ધોરણ 1થી 8માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે ત્યારે વધારામાં રાજકોટ ગ્રામ્યમાં આવેલી અને જિલ્લા પંચાયત હસ્તકની વધુ 8 શાળાનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1838 વિદ્યાર્થી અને 59 શિક્ષક સાથે આ સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપી છે. આગામી દિવસોમાં હવે આ ગ્રામ્ય વિસ્તારમાં રહેલી સ્કૂલની પણ જરૂર પ્રમાણે કાયાપલટ કરાશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા-વ્યવસ્થા વધુ સારી બને તે માટેના પ્રયાસો કરાશે. શહેરમાં હાલ સમિતિની 87 શાળા કાર્યરત છે અને નવી 8 શાળા ભળતા હવે કુલ સ્કૂલની સંખ્યા 95 જેટલી થઇ છે.

આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ. અતુલ પંડિતે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની આઠ જેટલી શાળાઓનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરાયો છે. આ અંગે નિયામકમાંથી પણ નિર્ણય કરી દેવાયો છે. હાલ શિક્ષકો આ સ્કૂલના જ રહેશે. અંદાજિત 1838 જેટલા વિદ્યાર્થી હવે ગ્રામ્યને બદલે શિક્ષણ સમિતિના સંચાલન હેઠળ અભ્યાસ કરશે.

હાલ શાળાઓમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. વેકેશન ખૂલી ગયા બાદ સમિતિની ટીમ આ શાળાઓમાં વિઝિટ કરશે અને તમામ શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક, વહીવટી સહિતની કઈ કઈ સુવિધાઓ ખૂટે છે કે વધારવાની જરૂર છે તેનો અભ્યાસ કરીને જરૂરી બદલાવ કરવામાં આવશે. આગામી દિવસોમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સદસ્યો નવી ભળેલી શાળાની મુલાકાત કરશે. મુલાકાત બાદ આ શાળામાં શૈક્ષણિક અને વહીવટી સુધારાઓ કરશે. જરૂર પડ્યે શાળાના બિલ્ડિંગનું સમારકામ કરાશે.

આ 8 શાળાઓ હવે શહેરમાં સામેલ

  • ટામવા તાલુકા સ્કૂલ
  • લક્ષ્મીનારાયણ પ્રાઇમરી સ્કૂલ
  • મુંજકા પ્રાઇમરી સ્કૂલ
  • મુંજકા-2 પ્રાઇમરી સ્કૂલ
  • ઘંટેશ્વર પ્રાઇમરી સ્કૂલ
  • એસ.એએ.પી (ઘંટેશ્વર) પ્રાથમિક શાળા
  • માધાપર તાલુકા સ્કૂલ
  • મનહરપુર -1 સ્કૂલ
અન્ય સમાચારો પણ છે...