રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ખીરસરા ગામના રાતૈયાની ચોકડી પાસેથી 8 માસનું એક નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું આ અંગે ગામના ઉપસરપંચ મુકેશભાઇ હીરાભાઇ સાગઠીયાએ એક અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવતા લોધિકા પોલીસ મથકના PSI કે.એ.જાડેજા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી અને બાળકનો જન્મ છુપાવનાર મહિલા વિશે માહિતી મળે તો લોધિકા પોલીસ મથકમાં સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
બસ સ્ટેન્ડ પાસે બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું
મુકેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહું છું અને ચાલુ ટર્મમાં ઉપ સરપંચ તરીકે સેવા આપુ છું અને મારી ખીરસરા રાતીયા રોડ ચોકડી પાસે મોમાઇ પાન નામની દુકાન ધરાવુ છુ. ત્યાં બેસીને વેપાર ધંધો કરૂ છુ. ગઈકાલે આશરે 11:30 વાગ્યાના અરસામાં અમારા ગામના પ્રવિણ મૈયાભાઇ ટોળીયા મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે સામે કાલાવડ રાજકોટ રોડ ઉપર બસસ્ટેન્ડથી આગળ રોડના કાંઠે એક તાજું જન્મેલ બાળક ખુલ્લુ પડ્યું છે. તેમ વાત કરતા હું તુરંત જ ત્યાં ગયો તો રાજકોટ કાલાવડ રોડ બસ સ્ટેન્ડ પાસે રોડની સાઇડમાં એક તાજું જન્મેલ બાળક મૃત અવસ્થામાં પડ્યું હતું.
બાળક આઠ મહીનાનું હોવાનું જાણવા મળ્યું
ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સરપંચે અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મુદ્દે મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. જેમાં બાળક સાત થી આઠ મહીનાનું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે લોધિકા પોલીસ મથકના મહિલા PSI કે.એ.જાડેજા સહિતના સ્ટાફે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.