ગોલા ખાતા પહેલા ચેતજો:રાજકોટના પેડક રોડ પર આઝાદ હિન્દ ગોલાવાલા પાસેથી 8 કિલો વાસી માવો અને 10 કિલો કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડી મળી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાસી માવો અને રબડીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. - Divya Bhaskar
વાસી માવો અને રબડીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
  • શહેરમાં અલગ અગલ માર્ગો પરથી દબાણરૂપ એવા 41 ચાના થડા અને ટેબલ દૂર કરાયા

રાજકોટ મ્યુનિ.ના ફૂડ વિભાગ દ્વારા પટેલવાડી પાસે પેડક રોડ પર આઝાદ હિન્દ ગોલાવાલાની તપાસ હાથ ધરી હતી. જેમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલો 8 કિલો વાસી માવો, 10 કિલો કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડી મળી કુલ 18 કિલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનિક કન્ડિશન જાળવવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મંગળા રોડ અને વિદ્યાનગર મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા લાઇસન્સ અંગેની અવેરનેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 5 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ આપી હતી.

બે ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા
શહેરના રેલનગર અને પોપટપરા વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગે ચકાસણી કરી હતી. જેમાં 14 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, મસાલા તથા પ્રીપેર્ડ ફૂડના 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભોમેશ્વર મંદિર સામે શ્રીરામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને રેલવેનગર પેટ્રોલ પંપની બાજુમાં જય સોમનાથ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો.

જાહેર માર્ગ પર નડતરરૂપ ચાના 41 થડા મ્યુનિ.ની ટીમે જપ્ત કર્યા.
જાહેર માર્ગ પર નડતરરૂપ ચાના 41 થડા મ્યુનિ.ની ટીમે જપ્ત કર્યા.

ગંદકી અને દબાણ કરવા બાબતે એક શોપ સીલ કરવામાં આવી​​​​​​
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહનાં માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પર રહેલા દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં 3 જૂનના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં નિર્મલા રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, મવડી રોડ, શાસ્ત્રી મેદાન સામે, બસ સ્ટેશન સામે, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ અને વિરાણી ચોકમાં નડતરરૂપ 41 ટી-સ્ટોલ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ફૂટપાથ પર વધુ પડતું દબાણ અને ગંદકી ફેલાવવા બાબતે સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કનૈયા સમોસા એન્ડ દિલ્હી ચાટ (વિરાણી ચોક)ને સીલ કરવામાં આવી હતી.

કવિ કલાપી ટાઉનશીપમાં ભાડે આપેલ એક આવાસ સીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કવિ કલાપી ટાઉનશીપ બનાવવામાં આવી છે. જેમાં 24 મેના રોજ ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા C-502 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા માલુમ પડતા નોટિસો આપવામાં આવી હતી. આથી મ્યુનિ. કમિશનરની સુચના અન્વયે નાયબ કમિશનર એ. કે. સિંહના માર્ગદર્શન હેઠળ આજરોજ આવાસોમાં આવાસ યોજનાની ટીમ દ્વારા વિજિલન્સ ટીમ સાથે રાખીને સીલ મારવામાં આવ્યું છે.