વેઇટ એન્ડ વોચ:દાગીનામાં HUID નોંધણી માટે 8 દી’નું વેઇટિંગ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 58,950 ભાવ સાથે સોનું ઓલટાઈમ હાઈ, ખરીદીમાં નરમ વલણ

અમેરિકાની બેંકે દેવાળું ફૂંકતા, રશિયા -યુક્રેનની યુદ્ધ સહિત આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય પરિબળને કારણે શનિવારે 24 કેરેટ સોનાનો ભાવ 58950 નોંધાયો છે. આટલા ઊંચા ભાવમાં હાલ વેપાર અને ખરીદીમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. વેપારીઓ ખુદ હાલ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવે છે અને વેપાર કરવાનું ટાળી રહ્યા છે. તો બીજી બાજુ ખરીદીમાં પણ નીરસ માહોલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

પહેલી એપ્રિલથી એચ.યુ.આઈ.ડી. વગરના સોનાના દાગીના વેચી નહીં શકાય કે ડિસ્પ્લેમાં નહીં મૂકી શકાયનો નિયમ જાહેર થતાં જ એચ.યુ.આઈ.ડી. નંબર લગાવવા માટે હાલ સેન્ટરમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને એક દાગીના પર એચ.યુ.આઈ.ડી. નંબર લગાવવા માટે 8- 8 દિવસનું વેઈટિંગ સેન્ટરમાં હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના ઉપપ્રમુખ પરેશભાઈ આડેસરા જણાવે છે. વધુમાં સોની વેપારીઓના જણાવ્યાનુસાર સોનામાં 10 ગ્રામનો ભાવ રૂ.58,950 નોંધાયો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો ભાવવધારો છે. સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળે છે.

ઊંચા ભાવને કારણે સોનાની ખરીદી માત્ર 50 ટકા જ રહી હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. જોકે હજુ સોનાના ભાવમાં વધઘટ યથાવત્ રહે તેવી સંભાવના છે. મિનારક કમુરતાં પૂરા થયા બાદ સોનાના ઘરેણાંની ખરીદીમાં વધારો થવાની આશા સેવાઇ રહી છે. જો આ ભાવવધારો યથાવત રહ્યું તો દર વખતે જે ડિમાન્ડ હોય તેના કરતા ઓછી રહેશે તેવી સંભાવના વર્તાઈ રહી છે. અત્યાર સુધી સોનામાં હોલમાર્કનો કાયદો હતો, પરંતુ પહેલી એપ્રિલથી એચ.યુ.આઈ.ડી.નો કાયદો આવી ગયો છે. આમ, સોનાની શુદ્ધતા નક્કી કરતા માપદંડોમાં વારંવાર આવતા ફેરફારોને કારણે સોની વેપારીમાં કચવાટ ફેલાયો છે.

એક સરખો નિયમ રાખવામાં આવે તેવી માગણી ઊઠી છે. અત્યારે 50 કિલોથી વધુ સોનાના દાગીનામાં એચ.યુ.આઈ.ડી. નંબર લગાવવાના બાકી હોવાનું જાણવા મળે છે. મોટી સંખ્યામાં દાગીનામાં એચ.યુ. આઈ.ડી લગાવવાનું બાકી હોય જેને કારણે પૂરતી સુરક્ષા સાથે અન્ય શહેરોના સેન્ટરમાં દાગીના મોકલવા પડે છે.

અત્યારે રાજકોટથી દાગીના અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં મોકલવા પડે છે. તો મોરબી, ગોંડલ, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રભરમાંથી દાગીના પર એચ.યુ.આઈ.ડી. નંબર લગાવવા માટે રાજકોટમાં આવી રહ્યા છે. રાજકોટમાં 8 સેન્ટર હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. એચ.યુ.આઈ.ડી.માં પ્રક્રિયા ખૂબ લાંબી છે. આ પ્રક્રિયા સરળ કરવામાં આવે તેવી માગણી વેપારીમાં ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...