રાજકોટના અમીન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલના વેવાઇ પ્રવીણ પટેલના બંગલાના કેરટેકર વિષ્ણુ ઘુંચલાની હત્યા કરનાર રાજસ્થાનના સેમારીના ભોરાઇ ગામના અનિલ કરમાભાઇ મીણાને શનિવારે પોલીસે ઝડપી લીધો હતો. ચોરીના ઇરાદે બંગલામાં ઘૂસતાં કેરટેકર વિષ્ણુભાઇએ તેનો સામનો કરતાં તેમને પતાવી દીધાની કબૂલાત અનિલે આપી હતી. આજે બપોરે તેને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે પોલીસે કોર્ટમાં રજૂ કરતાં 8 દિવસના રિમાન્ડ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી 13 દિવસ મૃતક સાથે રહ્યો હતો
પોલીસ પુછપરછમાં અનિલ મીણાએ કબૂલાત આપી હતી કે, પોતે અગાઉ બંગલાના માલિક પ્રવિણભાઇ પટેલના વડોદરાના ફાર્મ હાઉસમાં કામ કરતો હતો. બાદમાં એ નોકરી છોડી દીધી હતી. ગત વર્ષે 2021ના સપ્ટેમ્બર મહિનામાં તે રાજકોટ વિદ્યાકુંજ સોસાયટીના પ્રવીણભાઇના બંગલાની સાફસફાઇના કામ માટે આવ્યો હતો. એ વખતે તે અહીં 13 દિવસ રોકાયો હોય બંગલાના કેરટેકર વિષ્ણુભાઇ ઘુંચલા સાથે પરિચય થયો હતો. એટલુ જ નહીં આ દિવસોમાં તેણે વિષ્ણુભાઇના ટિફિનમાંથી જ ભોજન કર્યુ હતું.
અમદાવાદમાં જ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો
હાલમાં અનિલ બેકાર હતો અને અમદાવાદ ખાતે તેની બહેન સાથે રહેતો હતો. માતા-પિતા બિમાર હોય પૈસાની જરૂર હતી. બહેનને લગ્નમાં રાજસ્થાન જવું હોય અનિલ પણ સાથે જવા ઇચ્છતો હતો. પરંતુ પૈસા ન હોય ત્યાં જઇ શક્યો નહોતો. જતાં જતાં બહેને તેને રૂ.500 આપ્યા હતા. અનિલ પાસે બીજા 150 હતા. પૈસાનો ગમે તેમ મેળ કરવા તે મથતો હતો અને અમદાવાદમાં જ ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ ત્યાં આવું ન થઇ શકતાં તેને રાજકોટનો જૂના શેઠ પ્રવિણભાઇ પટેલનો બંગલો યાદ આવ્યો હતો. જે-તે વખતે તેને શેઠાણીએ રૂ. 500 બક્ષીસ આપી હોય ઘરમાં મોટી રકમ હશે તેમ વિચારીને તે બસમાં બેસી રાજકોટ સાંજે પાંચેક વાગ્યે પહોંચ્યો હતો. ત્યાંથી રિક્ષા કરી કોટેચા ચોક ઉતરી વિદ્યાકુંજના બંગલે પહોંચ્યો હતો.
ST બસ સ્ટેશને જઇ બસ મારફત રાજસ્થાન જતો રહ્યો હતો
અનિલ અહીં સાંજે સાડા સાતેક વાગ્યે પાછળના ભાગેથી બંગલામાં ઘૂસી પાર્કિંગની રેલિંગ પાસે પહોંચ્યો હતો. ત્યારે પાડોશી જોઇ જતાં તેણે ટપારતાં તેણે પોતે પ્રવિણભાઇનો કર્મચારી છે અને વિષ્ણુકાકાને ઓળખે છે તેમ કહી દીધુ હતું. તેનો ઇરાદો બંગલામાં ઉપરના ભાગે મોડી રાતે ઘૂસવાનો હતો, પણ પડોશી જોઇ ગયા હોવાથી તે વહેલો સાડા આઠે મોઢે કપડું બાંધીને ઉપર ગયો હતો અને દરવાજો ખખડાવતાં વિષ્ણુભાઇએ ખોલ્યો હતો. દરવાજો ખુલતા જ અનિલે વિષ્ણુભાઇને મોઢે ડૂમો દઇ દીધો હતો. બંને વચ્ચે ઝપાઝપી થતાં અનિલના મોઢા પરનો રૂમાલ ખુલી જતાં તે ઓળખાય ગયો હતો. આથી તેણે વિષ્ણુભાઇને પછાડી ગળુ દબાવી દીધું હતું અને ડીસમીસના ઘા ઝીંક્યા હતાં. ગળેટૂંપાથી વિષ્ણુભાઇનું મોત થયું હતું. એ પછી અનિલ ઉપરના ભાગે જ્યાં કબાટ હતો ત્યાં ગયો હતો. પરંતુ કઈ હાથ લાગ્યુ ન હોય તે ઝડપથી બંગલામાંથી નીકળી, ST બસ સ્ટેશને જઇ બસ મારફત રાજસ્થાન જતો રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.