DEO ચેકિંગમાં નીકળ્યા:8 સ્કૂલમાં ચેકિંગ; 30% બેગ હજુ વજનદાર, ટાઈમ ટેબલ સુધારવા શાળાઓને આદેશ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહારગામથી આવતા વિદ્યાર્થીઓના બેગ સૌથી વધુ વજનવાળા
  • કેટલાક ​​​​​​​વિદ્યાર્થીઓ સ્કૂલ અને ક્લાસ બંનેનું એક જ બેગ રાખતા હોવાથી પણ વજન વધી જાય છે

વિદ્યાર્થીઓના સ્કૂલબેગ વજનદાર હોવાના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ શુક્રવારે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી ખુદ શાળાઓમાં ચેકિંગ કરવા નીકળ્યા હતા. તેમણે શહેરની 8 શાળામાં વિદ્યાર્થીઓના સ્કૂલબેગ ચેક કર્યા હતા. ડીઈઓએ કહ્યું કે, એકંદરે 30% વિદ્યાર્થીઓના સ્કૂલબેગ હજુ પણ વજનદાર હોવાનું ચેકિંગમાં બહાર આવ્યું છે જેના પગલે શાળાઓને ટાઈમ ટેબલ સુધારવા અને વિદ્યાર્થીઓ શક્ય એટલા ઓછા પુસ્તકો સ્કૂલે લઇ આવે જેથી બેગનો વજન ઓછો થાય તે માટેની સૂચનાઓ અપાઈ છે.

બહારગામથી આવતા વિદ્યાર્થીઓને સ્કૂલબેગના વજન સૌથી વધુ હોય છે જેમ કે ગોંડલથી વિદ્યાર્થી ભણવા આવે તો સ્કૂલના ચોપડા, લેશન, અન્ય પાઠ્ય પુસ્તકો, ટિફિન સહિતની વસ્તુઓના લીધે સ્કૂલબેગમાં વજન વધી જાય છે.આ ઉપરાંત ખાનગી શાળાઓમાં પાઠ્ય પુસ્તકો ઉપરાંત અન્ય પ્રકાશનોના પણ પાઠ્ય પુસ્તકો લેવડાવે છે. કેટલાક વિદ્યાર્થીઓ બધા જ ચોપડા એકસાથે જ રાખે છે જેથી દરરોજ ટાઈમ ટેબલ ગોઠવવું ન પડે.

કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલનું અને ટ્યૂશનનું બંનેનું એક જ કોમન બેગ રાખે છે જેના લીધે સ્કૂલ અને ક્લાસીસના ચોપડા વધુ હોવાને કારણે પણ સ્કૂલબેગનું વજન વધી જાય છે. આ બધી બાબતો અંગે શુક્રવારે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલાએ શહેરની શાળાઓને પણ સ્કૂલબેગમાં વજન ઓછો કરાવવા માટે અને ટાઈમ ટેબલ પ્રમાણે જ પુસ્તકો લઇ આવવા માટે પ્રયત્નો કરવા સૂચના આપી છે.

બેગનું વજન ઘટાડવા વાલીઓ ફરિયાદ કરી ચૂક્યા છે
અગાઉ પણ અનેક વખત વાલીઓ શાળાને સ્કૂલબેગનું વજન ઓછું કરાવવા ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ કેટલીક શાળાઓએ આ બાબતને નજર અંદાજ કરી છે. બાળકોને હાલ કમર, ડોક, ખભામાં દુખાવા થવા લાગ્યા છે. સ્કૂલબસ, વાન કે રિક્ષામાં જતા બાળકોને થોડો સમય જ વજનદાર બેગ ઊંચકીને જવું પડે છે પરંતુ જે વિદ્યાર્થીઓ ચાલીને કે સાઇકલ લઈને શાળાએ જઈ રહ્યા છે તેમને વધુ મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...