ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણતંત્રએ રાજ્યના સંવેદનશીલ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવા તૈયારીઓ કરી લીધી છે. રાજકોટ શહેરમાં એકપણ સંવેદનશીલ કેન્દ્ર નથી પરંતુ રાજકોટ જિલ્લામાં 8 જેટલા કેન્દ્રો સંવેદનશીલ હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગોંડલ, ભાયાવદર, પડધરી, આંબરડી (જસદણ), વીંછિયા અને મોઢુકા સહિતના કેન્દ્રોનો સમાવેશ થાય છે.
આ તમામ સંવેદનશીલ કેન્દ્રો ઉપર જિલ્લા શિક્ષણતંત્ર વોચ રાખશે. ચેકિંગ સ્ક્વોડ આ કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ વિઝિટ કરશે, દરરોજ આ કેન્દ્રોનું ચેકિંગ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં કુલ 10 ઝોનમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. જિલ્લામાં ધોરણ 10ના 47,610 વિદ્યાર્થી, ધોરણ 12 સાયન્સના 7660 અને ધોરણ 12 કોમર્સના 28,380 સહિત કુલ 83,650 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના 41, ધોરણ 12 કોમર્સના 20 અને સાયન્સના 6 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
ચોરી થતી હોય, પરિણામ અચાનક વધે તેવા કેન્દ્રો સંવેદનશીલ ગણાય છે
રાજકોટ સહિત રાજ્યભરમાં સંવેદનશીલ કેન્દ્રો નક્કી કેવી રીતે થાય છે તે અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, અગાઉની પરીક્ષામાં જે કેન્દ્રો પર સૌથી વધુ ચોરીના કેસ બહાર આવ્યા હોય, કોઈ કેન્દ્રનું પરિણામ અચાનક જ વધી ગયું કે ઘટી ગયું હોય.
જેમ કે કેન્દ્રનું પરિણામ 60% આવતું હોય અને અચાનક 90% થઇ જાય તો તેવા કેન્દ્રો સંવેદનશીલ તરીકે નોંધાય છે. આ ઉપરાંત પરીક્ષાના સીસીટીવીની સીડી મારફત ચોરી કરતા પકડ્યા હોય, આ ઉપરાંત ભૂતકાળમાં કોઈ કેન્દ્રની ફરિયાદો વધુ આવી હોય તો એવા કેન્દ્રોએ સંવેદનશીલ કેન્દ્રો તરીકે નોંધાય છે અને તેના ઉપર નિયમિત ચેકિંગ કરતા વધુ ચેકિંગ કરાય છે.
રાજકોટ જિલ્લામાં 319 બિલ્ડિંગ, 2916 ક્લાસરૂમ CCTVથી સજ્જ
બોર્ડની પરીક્ષા જે કેન્દ્ર ઉપર લેવાની છે તે તમામ પરીક્ષા કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા છે. ધોરણ 10માં 175 બિલ્ડિંગ અને 1587 બ્લોક, ધોરણ 12 કોમર્સના 108 બિલ્ડિંગ અને 946 બ્લોક તેમજ ધોરણ 12 સાયન્સના 36 બિલ્ડિંગ અને 383 બ્લોકમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ કુલ 319 કેન્દ્ર અને 2916 ક્લાસરૂમમાં સીસીટીવીની નિગરાની હેઠળ બોર્ડની પરીક્ષા લેવાશે.
રાજકોટમાં 41 સહિત રાજ્યમાં 157 બંદિવાન ઉમેદવાર પરીક્ષા આપશે
રાજ્યની જેલમાં બંદીવાન ઉમેદવારો પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાના છે. રાજકોટમાં ધોરણ 10 અને 12ના કુલ 41 સહિત રાજ્યમાં 157 કેદી પરીક્ષાર્થી નોંધાયા છે. જેમાં ધોરણ 10માં અમદાવાદમાં 37, વડોદરામાં 13, રાજકોટમાં 30, સુરતમાં 21 ઉમેદવારનો સમાવેશ થાય છે જ્યારે ધોરણ 12માં અમદાવાદના 22, વડોદરામાં 06, રાજકોટમાં 11 અને સુરતમાં 17 કેદી ઉમેદવારોનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.