રાજકોટના વી.ડી. પારેખ અંધ વિકાસ ગૃહની આઠ દીકરીઓ ફેશન શોમાં રેમ્પ વોક કરશે. દ્રષ્ટિવિહિન આંખો જેને વિશ્વને જોવાની ઇચ્છા છે તેવી આ નેત્રહિન યુવતીઓ આ ચેલેન્જ સ્વીકારીને ફેશનની દુનિયામાં તેમની પાંખો ફેલાવવા તૈયાર થઇ રહી છે. મનની આંખે રાજકોટની દ્રષ્ટિહિન દીકરીઓ ‘ફેશન કા જલવા’ પાથરી સૌ કોઇને મંત્રમુગ્ધ કરશે. 18 ડિસેમ્બરે આઇએફજેડી દ્વારા લેકમે ફેશન વીકના આઠ સેલિબ્રિટી મોડેલ સાથે ફેશન શો યોજાશે. જેમાં વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની 8 બ્લાઇન્ડ ગર્લ રેમ્પ વોક કરી ફેશનની દુનિયામાં સફળતાપૂર્વક કદમ મુકશે.
8 દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે
આ અનોખી જ પહેલનો શ્રેય રાજકોટના જાણીતા ફેશન ડિઝાઇનર બોસ્કી નથવાણીને મળે છે. દર વર્ષે તેમના દ્વારા યોજાતા ફેશન શોમાં અલગ અલગ થીમ રાખવામાં આવે છે. જેમાં આ વખતે તેમને ઓલવાયેલા અંધારાને ચમકતા સિતારાની જેમ ચમકાવવા નિશ્ચય કર્યો અને તેમના જાણીતા ફેશન ક્ષેત્રની હસ્તીઓ દ્વારા આ આઠ દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
છેલ્લા એક અઠવાડિયાથી ટ્રેનિંગ અપાઇ રહી છે
બ્લાઇન્ડ ગર્લને કઈ રીતે રેમ્પ વોક કરાવવું તે સૌથી મોટી ચેલેન્જ હતી. આ યુવતીઓને સ્પર્શથી દરેક રંગની ઓળખ છે પણ ક્યારેય આ ગ્લેમરસની દુનિયામાં પગ મૂક્યો નથી. આ આઠ બ્લાઇન્ડ ગર્લને ઝાકમઝોળભર્યા મંચ પર કઈ રીતે ચલાવવી તે મોટો ટાસ્ક હતો. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ખાસ ટ્રેનરો દ્વારા આ યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ભલે આંખો દ્રષ્ટ્રિવિહિન છે પણ તેઓ વિશ્વાસની પાંખો સાથે સરસ રીતે હવે રેમ્પ વોક કરી રહી છે.
ખાસ ડિઝાઇનર પાસે કોસ્ચ્યુમ તૈયાર કરાયા
આ ફેશન શોમાં લેકમે ફેશન વિકના આઠ સુપર મોડેલ આવી રહ્યા છે. જેની સાથે એક રાઉન્ડ આ દ્રષ્ટિહિન દીકરીઓ માટે રાખ્યો છે. જેમના માટે ખાસ ડિઝાઇનર પાસે કોસ્ચ્યુમ તૈયાર કરાયા છે. જેની સાથે આ યુવતીઓએ પ્રેક્ટિસ પણ કરી છે.
ફેશન શોની વાત સાંભળી યુવતીઓમાં ઉત્સાહ વધ્યો
ફેશન ડિઝાઇનર બોસ્કી નથવાણીએ જણાવ્યું હતું કે, અમને વિચાર આવ્યો કે બ્લાઇન્ડ ગર્લનો ફેશન શો કરીએ. આથી અમે તેમને મળ્યા તો ખબર પડી કે આ યુવતીઓના સપના આપણા કરતા પણ મોટા છે. પરંતુ તેમને સપના પૂરા કરવાની તક મળતી નથી. આથી અમને થયું કે શા માટે આપણે જ તેમને તક ન આપીએ. આ વાત કરતા જ યુવતીઓમાં ઉત્સાહ બમણો થઈ ગયો છે.
પ્રેક્ટિસ કરાવવામાં મહેનત કરવી પડી
બોસ્કી નથવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, એક રાઉન્ડમાં 8 ગર્લ છે. શરૂઆતમાં અમને લાગ્યું કે સરળ છે અને 40 સ્ટેપ છે તે ચાલી દ્યો. પણ બાદમાં ખબર પડી કે આ તો સરળ નથી. યુવતીઓ ચાલે ત્યારે 10 સ્ટેપ પછી તેમની લાઈન છૂટી જતી હતી. પહેલા સીધા ચાલવાની પ્રેક્ટિસ આપવી પડી, પછી પોઝ અને ડ્રેસ કેરી કરવાની પ્રેક્ટિસ આપી. કોમેન્ટ્રી સતત ચાલુ રાખવી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.