તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉંમર વધુ પણ મન મક્કમ:રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા 15 દિવસ વેન્ટિલેટર પર રહ્યાં, 86 વર્ષના વૃદ્ધાના 40 ટકા ફેફસાં નબળા, અંતે કોરોના હાર્યો અને મનોબળ જીત્યું

રાજકોટએક મહિનો પહેલા
  • 80 વર્ષના વૃદ્ધાને બીપીની તકલીફ હોવા છતાં હિંમત ન હાર્યા, 7 દિવસમાં કોરોનાને હંફાવ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘણાં એવા કોરોનાના કેસ આવી રહ્યાં છે કે તબીબી જગત માટે પડકારરૂપ સાબિત થઇ રહ્યાં છે. મક્કમ મન હોવાથી ઉંમર બાધારૂપ ન બની અને કોરોનાને હરાવી મનોબળ જીતી ગયાના અનેક કિસ્સા બન્યા છે. જેમાં 76 વર્ષના એક વૃદ્ધા 15 દિવસથી વેન્ટિલેટર પર હતા. પરંતુ મન મક્કમ હોવાથી તેઓ આજે સાદા માસ્ક પર આવી ગયા છે અને ઓક્સિજન લેવલ પણ 97 થઇ ગયું છે. 86 વર્ષના વૃદ્ધાને 40 ટકા ફેફસાં નબળા હોવા છતાં મક્કમ મનોબળથી કોરોનાને હરાવી દીધો છે. 80 વર્ષના વૃદ્ધાને બીપીની તકલીફ હોવા છતાં માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવી દીધો છે.

ઓક્સિજનનું 70 થઇ ગયું છતાં 76 વર્ષ વૃદ્ધાએ કોરોના સામે જીત મેળવી
રાજકોટની બજરંગ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન 76 વર્ષીય શાંતુબા ભરતસિંહ જાડેજાને કોરોનાનું વધારે ઇન્ફેક્શન લાગતા તેમને ગત 25 એપ્રિલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાંતુબાની તબિયત વધારે ગંભીર હતી. આ દર્દીની સફળ સારવાર અંગે ડો.શર્મીન કાલાડીયાએ જણાવ્યું હતું કે દર્દી જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજનનુ લેવલ 70 હતું. દર્દીને ડાયાબિટીસ તેમજ ઉંમરને લીધે ઘણા કોમ્પ્લીકેશન્સ પણ હોય છે. સિવિલ હોસ્પિટલમાં તેમની નિયમિત તપાસ અને જરૂર મુજબના તમામ રિપોર્ટના આધારે નિદાન કરી પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવતા તેમજ દર્દીના મનોબળ અને હિંમતને લીધે તેઓ પંદર દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યાં બાદ વેન્ટિલેટરથી બહાર આવી ગયા છે અને અત્યારે સાદા ઓક્સિજન માસ્ક પર છે. તેમનું ઓક્સિજનનું લેવલ હાલ 97 સુધી પહોંચી ગયું છે. દર્દી અત્યારે સ્વસ્થ રીતે વાતચીત પણ કરી શકે છે.

મને કોઇ પણ પ્રકારની તકલીફ નથી-શાંતુબા
મજબૂત મનોબળ સાથે શાંતુબાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં સારામાં સારી સારવાર થાય છે. હું આવી ત્યારે વેન્ટિલેટર પર હતી અને અત્યારે હું વેન્ટિલેટર પરથી બહાર આવી ગઈ છું અને મને ખૂબ સારું છે. મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. જમવાનું પણ સમયસર આવી જાય છે. ગંભીર પરિસ્થિતિના દર્દીઓ બચી જાય એ માટે હોસ્પિટલના તબીબો રાત-દિવસ મહેનત કરે છે અને દર્દીઓના આશીર્વાદથી આ સેવા કરવામાં નવું બળ મળે છે તેમ તબીબોએ જણાવ્યું હતું. હોસ્પિટલના તબીબોએ મજબૂત મનોબળ માટે શાંતુબાને શુભેચ્છા આપી હતી.

86 વર્ષના પુષ્પાબેને કોરોનાને હરાવ્યો.
86 વર્ષના પુષ્પાબેને કોરોનાને હરાવ્યો.

40 ટકા ફેફસાં નબળા છતાં 86 વર્ષના વૃદ્ધાએ 5 દિવસમાં કોરોનાને હરાવ્યો
રાજકોટ ખાતે રહેતા 86 વર્ષના વૃદ્ધા પુષ્પાબેન બુદ્ધદેવે કોવિડને ખૂબ જ સરળતાથી માત આપી હસતા મુખે ઘરે પરત ફર્યા છે. તેમના પરિવારના સભ્ય સાથે વાતચીત કરતા એ વાત સામે આવી કે, પુષ્પાબેનની મેડિકલ હિસ્ટ્રી કોઈ જ નથી, પરંતુ તેમના ગોઠણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને પરિવારમાં શોક અને ડર વ્યાપી ઉઠ્યો હતો. સાથો-સાથ તેઓએ શરદી, નબળાય અને ઓક્સિજનનું લેવલ 83 સુધી પહોંચી ગયું હતું. જ્યારે તેમનું સિટી સ્કેન કરાવામાં આવ્યું તેમાં તેમના 40 ટકા ફેફસાં નબળા પડી ગયા હતા. વધુ તબિયત ન બગડે તે માટે તેઓને કેન્સર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને 5 દિવસની ટૂંકી સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તેમના પરિવારે જણાવ્યું હતું કે, જ્યારે તેમને રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવ્યું તે સમયથી જ તેમની સ્થિતિ સુધરી હતી. જ્યારે તેઓ દાખલ થયા તે સમયે તેઓ કહેતા માતાજી બેઠા છે, મને કાઈ નહિ થાય.

બીપીની તકલીફ છતાં 80 વર્ષના વૃદ્ધાએ 7 દિવસમાં કોરોનાને માત આપી
​​​​​​​
રાજકોટમાં રહેતા 80 વર્ષના કૈલાસબેન પૂજારાએ 7 દિવસની ટૂંકી સારવાર બાદ તેઓ ડિસ્ચાર્જ થયા હતા. તેમના પરિવાર સાથે વાતચીત દરમિયાન તેઓને બીપીની તકલીફ હતી, પરંતુ જ્યારે કોવિડ સંક્રમણ લાગ્યાની ખબર પડી તે સમયે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સામે આવી હતી. અને ડર પણ વ્યાપી ઉઠ્યો હતો. જ્યારે તેઓને સિવિલમાં દાખલ કર્યા તે સમયે ખરા અર્થમાં થયું હતું કે હવે શું થશે? પરંતુ સ્થિતિ સુધરતા તેઓને કેન્સર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ તે ડિસ્ચાર્જ થયા હતા, અને તેઓએ દાખલ થતા પહેલા કીધું હતું કે, કોઈ ટેન્શન ન લેતા, હું સાજી થઇને પાછી આવીશ.

અન્ય સમાચારો પણ છે...