તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળમાં સ્ટેશનરીઓને માર:75%એ પુસ્તકો ન ખરીદ્યાં, સૌરાષ્ટ્રમાં 100થી વધુ સ્ટેશનરીઓ બંધ થઇ

રાજકોટ14 દિવસ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં 4 હજાર દુકાનોમાં પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો હાલ વેપારીઓ પાસે જે તે સ્થિતિમાં જ પડ્યો છે. - Divya Bhaskar
સૌરાષ્ટ્રમાં 4 હજાર દુકાનોમાં પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો હાલ વેપારીઓ પાસે જે તે સ્થિતિમાં જ પડ્યો છે.
  • 10 કરોડથી વધુનો સ્ટોક પડ્યો રહ્યો, કંપનીઓને સ્ટોક પાછો લેવા વેપારીઓએ લેટર લખ્યા

કોરોના કાળમાં મોટાભાગના ધંધાર્થીઓને માર પડ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની શાળાઓમાં માત્ર ઓનલાઈન શિક્ષણ જ અપાતા સ્ટેશનરી અને પાઠ્ય પુસ્તકોના વેપારીઓનો મોટા પ્રમાણમાં જથ્થો વેચાયા વિના પડ્યો રહ્યો છે. સ્ટેશનરી અને પાઠ્ય પુસ્તક દુકાનોના વેપારીઓ જણાવે છે કે, રાજકોટમાં આશરે 600થી વધુ અને સૌરાષ્ટ્રમાં 4 હજારથી વધુ સ્ટેશનરી અને પાઠ્ય પુસ્તકોના વેપારીઓ છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ ચાલે છે, પાઠ્ય પુસ્તકો પણ સ્કૂલમાંથી જ પીડીએફ સ્વરૂપે સોફ્ટ કોપી દરેક વિદ્યાર્થીઓ કે વાલીઓને આપી દેવામાં આવે છે જેના કારણે વાલીઓ પાઠ્ય પુસ્તક ખરીદતા નથી. દર વર્ષની સરખામણીએ છેલ્લા એક વર્ષમાં 75% વાલીઓએ પાઠ્ય પુસ્તકો નહીં ખરીદતા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અંદાજિત 10 કરોડનો પાઠ્ય પુસ્તકોનો સ્ટોક પડતર રહ્યો છે.

વેપારીઓએ જે-તે કંપનીઓને લેટર લખી પડ્યો રહેલો સ્ટોક પાછો લેવા માગણી પણ કરી છે. આ ઉપરાંત કોરોના મહામારીમાં ધંધો નહીં ચાલતા અને અગાઉથી કરેલો મોટા રોકાણનો સ્ટોક નહીં વેચાતા સૌરાષ્ટ્રમાં અંદાજિત 100થી વધુ સ્ટેશનરી બંધ કરી દેવી પડી છે.

ઓનલાઈનને કારણે પેન-પેન્સિલ-ચોપડાનું વેચાણ પણ નહીંવત
ઓનલાઈન શિક્ષણને કારણે હવે વિદ્યાર્થીઓ સામાન્ય સ્ટેશનરી જેવી કે પેન, પેન્સિલ, કમ્પાસ, સ્કૂલબેગ, રફ બુક, પ્રોજેક્ટ વર્ક પેપર સહિતની પરચૂરણ વસ્તુઓ લેવા પણ નથી આવતા. પાઠ્ય પુસ્તકોની તો ઘરાકી નથી પરંતુ સ્ટેશનરીની ઘરાકી પણ માત્ર 25 ટકા જેટલી જ છે. કારણ કે, ઓનલાઈન ક્લાસમાં મોટાભાગની સ્ટેશનરી કે પાઠ્ય પુસ્તકની જરૂર રહેતી નથી. ઓફલાઈન સ્કૂલ ખૂલે તો જ ધંધો થઇ શકે. > અતુલભાઈ દક્ષિણી, પ્રમુખ, સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસિએશન

​​​​​​​ધો.10 અને 12ની પરીક્ષાનું 4 કરોડનું મટિરિયલ પસ્તી થશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંબંધિત લીથા, સ્ટડી મટિરિયલ, અપેક્ષિત સહિતનું સાહિત્ય સૌરાષ્ટ્રમાં આશરે 4 કરોડનો સ્ટોક પડ્યો છે. સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓને સ્ટડી મટિરિયલ અપાયું, શિક્ષણ પણ ઓનલાઈન આખું વર્ષ રહ્યું અને છેલ્લે પરીક્ષા રદ થઇ અને માસ પ્રમોશન અપાતા વેપારીઓ પાસે માત્ર બોર્ડની પરીક્ષા સંબંધિત મટિરિયલ પણ પસ્તી થવાને આરે છે.

બે વર્ષમાં અભ્યાસક્રમ બદલાયેલા તમામ પાઠ્ય પુસ્તકો પરત લો
સરકાર જ્યારે પણ પાઠ્ય પુસ્તકના અભ્યાસક્રમમાં ફેરફાર કરે ત્યારે વેપારીઓ પાસેથી તેમની ગયા વર્ષની કુલ ખરીદીના 5% પુસ્તકો પરત લઇ લે છે, પરંતુ આ વર્ષે છેલ્લા બે વર્ષ દરમિયાન બદલાયેલા અભ્યાસક્રમના જૂના પાઠ્ય પુસ્તકોનો બધો જ માલ સરકાર પરત લઇ લે તેવી પણ એસોસિએશને માગણી કરી છે પાઠ્ય પુસ્તક મંડળ કોઇપણ ફેરફાર કરે તો વેપારીઓને અગાઉ જાણ કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...