પરિણામ:ધો.12 સાયન્સના 71% અને કોમર્સના 37% વિદ્યાર્થીઓ બીજી વખત ફેલ!

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પૂરક પરીક્ષામાં 12 સાયન્સનું 29.29%, કોમર્સનું 62.72% પરિણામ
  • પાસ વિદ્યાર્થીઓને સરકારીમાં પ્રવેશ નહીં મળે, ખાનગીમાં લેવો પડશે

શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે સવારે 8 કલાકે જુલાઈ-2022માં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. બોર્ડની પહેલી પરીક્ષામાં નાપાસ થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 71% વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 37% વિદ્યાર્થીઓ બીજી વખત પણ નાપાસ થયા છે. પૂરક પરીક્ષાના પરિણામમાં ધોરણ 12 સાયન્સનું માત્ર 29.29% અને કોમર્સનું 62.72% જાહેર કરાયું છે.

ધોરણ 12 સાયન્સની જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં 14039 વિદ્યાર્થીઓમાંથી 12250 ઉમેદવાર પરીક્ષામાં હાજર રહ્યા હતા જેમાંથી 3588 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાપાત્ર થયા છે. એવી જ રીતે ધોરણ 12 કોમર્સમાં રાજ્યમાં કુલ 41167 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 37457 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 23494 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાપાત્ર થયા છે.

એક્સપર્ટ વ્યૂ- બિપીન સાવલિયા, શિક્ષણશાસ્ત્રી
શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે જાહેર થયેલા પરિણામમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ચાલુ વર્ષે જ કોલેજોમાં પ્રવેશ મળી જશે એટલે વર્ષ નહીં બગડે, પરંતુ સરકારી સાયન્સ કોલેજોમાં એડમિશન ફુલ થઇ ગયા હોવાથી પાસ થયેલા વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં ઓછી ફીમાં એડમિશન નહીં મળી શકે, આ ઉપરાંત પોતાને મનગમતી કોલેજમાં પણ પ્રવેશ મળવાની શક્યતા ઓછી છે. જે કોલેજમાં સીટો ખાલી હોય તે ખાનગી કોલેજમાં પ્રવેશ લેવો પડશે. આ ઉપરાંત કોલેજો શરૂ થયાને અંદાજિત દોઢ માસ થઇ ગયો હોવાથી કોલેજોમાં જેટલો કોર્સ ભણાવી દીધો હશે તે પણ જતો કરવો પડશે અથવા અન્ય વિદ્યાર્થીઓ પાસેથી સ્ટડી મટિરિયલ લેવું પડશે.

A ગ્રૂપમાં વિદ્યાર્થીઓ ઓછા પરિણામ ઊંચું, B ગ્રૂપમાં વિદ્યાર્થીઓ વધુ પરિણામ નીચું
A ગ્રૂપમાં વિદ્યાર્થીઓ ઓછા છે જ્યારે પરિણામ ઊંચું રહ્યું છે. બીજી બાજુ B ગ્રૂપમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે જ્યારે પરિણામ નીચું રહ્યું છે. ‘એ’ ગ્રૂપમાં 2037માંથી 600 ઉમેદવાર પાસ થતા 32.54% જ્યારે ‘બી’ ગ્રૂપમાં 4734માંથી 1213 વિદ્યાર્થી પાસ થતા 27.89% પરિણામ રહ્યું છે.

કોમર્સના 3710 અને સાયન્સના 1789 વિદ્યાર્થી પરીક્ષા આપવા જ ન આવ્યા
​​​​​​​
પૂરક પરીક્ષામાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા પરંતુ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ પ્રમાણમાં વધુ રહી છે. ધોરણ 12 કોમર્સમાં 3710 વિદ્યાર્થી અને સાયન્સમાં 1789 વિદ્યાર્થી પરીક્ષા આપવા જ આવ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...