રાજકોટ-અમદાવાદ હાઈવે 6 લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ 2700 કરોડ રૂપિયાનો જંગી પ્રોજેક્ટ છે અને હાઈવે છ લેન બનાવવા ઉપરાંત 41 બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સરકારી કામ રાખનાર કોન્ટ્રાક્ટરો પૈસા બચાવવા માટે યેનકેન ઉપાયો કરતા હોય છે જેમાં હાલ ખનીજચોરી કરવાની યુક્તિ નફાખોરી માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. આ હાઈવેના પ્રોજેક્ટમાં પણ મસમોટી ખનીજચોરી કરતા હોવાનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો છે. 220 કિલોમિટરમાં 41 બ્રિજ બની રહ્યા છે અને આ તમામ હજારો ટન ખનીજ ચોરીને ધરબી દેવામાં આવ્યું છે તેની તપાસ થાય તો સંભવત: ગુજરાતનું સૌથી મોટું ખનીજ ચોરીનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
ગેરકાયદે ખોદાણ થતી હોવાની માહિતી મળતા ભાસ્કરની ટીમે રેકી કરી
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેમાં માલિયાસણ ગામ પાસે થઈ રહેલા કામમાં આસપાસના ગામોમાંથી ગેરકાયદે ખોદાણ થતી હોવાની માહિતી મળતા ભાસ્કરની ટીમે રેકી કરી હતી. બ્રિજનો ઢાળ બનાવવા માટે એક પછી એક ડમ્પર મોરમ લઈને આવતા હતા અને મોરમ ઠાલવી નીકળી જતા હતા. આવા એક ડમ્પરનો છુપી રીતે પીછો કરતા નજીકના બેડી ગામની સીમમાં તળાવ પાસે પહોંચ્યા હતા. જ્યાં હિટાચી મશીન વડે ખોદાણ કરીને ડમ્પર ભરાઈ રહ્યા હતા. ખનીજચોરીની પુષ્ટિ થતાં જ ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી કેયૂર રાજપરાને જાણ કરાતા તેમણે માઈન્સ સુપરવાઈઝર એ. એન. પરમાર અને ડી.સી. જાડેજા તેમજ સર્વેયર એ. ડબ્લ્યુ વાળોતરિયાને મોકલ્યા હતા. સ્થળ પર પહોંચતા જ ખનીજ માફિયાઓ ડમ્પર લઈને ફરાર થઈ ગયા હતા.
એજન્સીએ ખનીજ પહોંચાડવાનું કામ આપ્યાની કબૂલાત કરી
પણ હિટાચી મશીનને અટકાવાયું હતું. આ દરમિયાન ખોદકામ કરાવનાર વિજય જળુ નામનો શખ્સ સ્થળ પર આવ્યો હતો અને તેની સાથે ભાસ્કરે વાત કરતા હાઈવે બનાવનાર કંપની વરાહ એજન્સીએ ખનીજ પહોંચાડવાનું કામ આપ્યાની કબૂલાત કરી હતી. થોડી જ વારમાં ખાણ ખનીજ વિભાગ સ્થળ પર પહોંચતા 20 લાખની કિંમતનું હિટાચી મશીન જપ્ત કરાયું છે અને સ્થળની માપણી કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારબાદ માપણીને આધારે દંડની કાર્યવાહી કરાશે. આ સ્થળ મામલે પ્રાંત અધિકારી સંદીપ વર્માનો સંપર્ક કરતા તેઓએ પણ તુરંત જ મામલતદાર કે. કે. કરમટાને તપાસ આપતા જે સ્થળે ખનીજચોરી થઈ રહી છે તે હડમતિયા બેડી ગામના સરવે નંબર 230 પૈકી 1ની જમીન હોવાનું ખુલ્યું છે.
70,000 ટન જેટલી મસમોટી ખનીજચોરી પ્રાથમિક દૃષ્ટિએ દેખાય
વરાહ નામની કંપની હાઈવે બનાવવા ઉપરાંત માલિયાસણ ચોકડી પાસે બ્રિજ બનાવી રહી છે અને તેને જ ખનીજ માફિયાઓને રોક્યા હોવાનું જણાયું છે. જે બ્રિજ બની રહ્યો છે તેની બંને તરફ ઢાળ બનાવવા મોરમ નાખવામાં આવી રહી છે જે સસ્તી મળે તે માટે આસપાસના ગામોમાં ખનીજચોરી થઈ રહી છે. આવા સરકારી કામોમાં 40થી 60 ટકા ખનીજ ચોરીનું હોય છે અને અમુક હિસ્સો જ ખરેખર લીઝની સાઈટ પરથી આવ્યો હોય છે. હાઈવે ઓથોરિટીના નિષ્ણાતો જણાવે છે કે, ઢાળ બનાવવા માટે ઓછામાં ઓછી 90,000 ટન મોરમની જરૂર પડે તેમજ 6 લેન હાઈવે બનાવવા માટે અલગથી મોરમ નાખવી પડે. આ રીતે જોતા ફક્ત 60 ટકા હિસ્સો ગણવામાં આવે તો પણ 70,000 ટન જેટલી મસમોટી ખનીજચોરી પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે.
હિરાસરમાં પહાડ ખાઈ ગયા! મોરબી હાઈવેમાં થઈ હતી એક કરોડની ખનીજચોરી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફક્ત એક બ્રિજનો ઢાળ બનાવવામાં જ 90,000 ટન ખનીજ વપરાયું છે અને તે આસપાસના ગામોમાંથી ગેરકાયદે ખોદાણ કરી લવાયું છે. આ જ રીતે અન્ય પ્રોજેક્ટમાં પણ બેફામ ખનીજચોરી કરીને કોન્ટ્રાક્ટર નફાખોરી કરી રહ્યા છે. તાજેતરમાં જ દિલીપ બિલ્ડકોન નામની કંપની કે જે મોરબી પાસે કોસ્ટલ હાઈવે બનાવે છે તેણે મોરબીના કાંતિપુરમાં ખનીજચોરી કરીને હાઈવે બનાવવા મોરમ વાપરી હતી આ કૌભાંડ બહાર આવતા એક કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આ જ એજન્સી પાસે રાજકોટના હિરાસરમાં બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનો પણ કોન્ટ્રાક્ટ છે ત્યાં પણ કંપનીએ ખોદાણ તો દૂર આખો પહાડ જ ખોદી નાખ્યો છે.
ખનીજ ચોરનાર વિજય અને ભાસ્કરની ટીમ વચ્ચેના સંવાદ વિજય : વિનંતી કરું છું કે ટાઈમ આપો તો અમે નીકળી જઈ ભાસ્કર : બધા આવું જ કામ કરશે તો કેમ ચાલશે? વિજય : એક ભાઈ તરીકે કહું છું જવા દો, ભાસ્કર : એવી ખોટી વિનંતી ન હોય વિજય : જવા નકામી ખોટી તમે બીજે જાણ કરો ભાસ્કર : તમે કોનામાં ચલાવો છો વિજય : વહરા(વરાહ), હાઈવેનું કામ કરે છે એ ભાસ્કર : આ ત્યાં નાખો છો એમ? વિજય : હા, ત્યાં જ નાખીએ છીએ ભાસ્કર : આ લોડર, ડમ્પર તેના કે તમારા? વિજય : આ બધું અમારું છે અમે તેનું ભાડે કામ રાખ્યું છે ભાસ્કર : તમારી પાસે મંજૂરી છે? વિજય : ના, કંપની પાસે હશે અમને તો કહે ત્યાંથી કાઢીએ
રોયલ્ટી પાસની ગણતરી થાય તો અનેકની ગણતરી ઊંધી વળશે
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ફક્ત એક જ બ્રિજના ઢાળમાં હજારો ટનની ખનીજચોરી નીકળી છે. જ્યારે આખા પ્રોજેક્ટમાં આવા નાના મોટા 41 બ્રિજ બની રહ્યા છે. આખો પ્રોજેક્ટ 3 એજન્સીઓ પાસે છે તેથી એક જ સરખી એમ.ઓ. વપરાતી હોય તેવી શક્યતા છે. આ તમામની તપાસ થાય તો ખનીજચોરીની સૌથી મોટી ઘટના સામે આવી શકે છે. જે જે કામ થઈ રહ્યા છે તે માટે મોરમ, ભોગાવો કે ભૂકી કઈ સાઈટની કઈ લીઝ પરથી આવશે તેની સ્પષ્ટતા કરવાની હોય છે અને બિલ વખતે રોયલ્ટી પાસ પણ રજૂ કરવાના હોય છે.
આ તમામ રોયલ્ટી પાસ લઈને તેનું ખોદાણ ખરેખર સાઈટ પર થયું છે કે નહિ તેમજ પાસ મુજબ કેટલું ખનીજ આવ્યું છે અને કેટલું વપરાયું છે તે ચોપડાના હિસાબના મેળવણા જ કરવાના રહે. નહીંતર હાલ કોન્ટ્રાક્ટરોએ જ્યાં પણ કામ ચાલુ થાય ત્યાં આસપાસના ગામોમાં ગેરકાયદે ખોદાણ કરી નફાખોરીની જે યુક્તિ અપનાવી છે તે બંધ થશે નહીં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.