ધનતેરસે ઓટોમોબાઇલમાં દિવાળી:રાજકોટમાં ધનતેરસનું શુકન સાચવવા લોકોની કાર લેવામાં પડાપડી, આજે એક જ દિવસમાં 700થી 800 ફોરવ્હિલનું વેચાણ થશે

રાજકોટ25 દિવસ પહેલા
કાર ખરીદતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
  • પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થતા 40 ટકા લોકો CNG કારની ખરીદી કરી રહ્યા છે

દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. આજે ધનતેરસના દિવસે રાજકોટમાં વાહનોની ખરીદીમાં પણ લોકોએ શુકન સાચવ્યું છે. ધનતેરસના શુભ મુહૂર્તમાં રાજકોટમાં આશરે 700થી 800 ફોરવ્હિલનું વેચાણ થવાનું છે. ધનતેરસના દિવસે ખરીદીમાં લોકોએ ઉત્સાહ દેખાડ્યો છે. કોરોના મહામારીમાં અપેક્ષા કરતા વધુ ઘરાકી રહેતા ફોરવ્હિલના ડિલરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ફોરવ્હિલ ઉપરાંત બાઈકના વેચાણમાં પણ ઘરાકી નીકળતા ટુ વ્હિલરના ડિલરો ખુશખુશાલ છે. આજે ધનતેરસે શુકન સાચવવા કાર લેવા લોકોએ પડાપડી કરતા ઓટોમોબાઇલ ક્ષેત્રે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

40 ટકા લોકોએ CNG કારની પસંદગી કરી
રાજકોટમાં અતુલ ઓટોના જનરલ મેનેજર જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યારે લોકોમાં ખરીદીનો બહુ જ સારો માહોલ છે. ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં અમારે સારૂ બુકિંગ થયું છે. ચાલુ વર્ષે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા 40% CNG કારની ખરીદી લોકો કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાને લઇને લોકોનું બજેટ પણ ખોરવાઇ ગયું છે ત્યારે લોકો CNG કાર પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે.

નવી કાર ખરીદી મહિલાએ ફૂલનો હાર પહેરાવ્યો.
નવી કાર ખરીદી મહિલાએ ફૂલનો હાર પહેરાવ્યો.

મનગમતી કાર લેવા ફોરવ્હિલના શો રૂમમાં લોકો ઉમટ્યા
ઉલ્લેખનીય છે કે રાજકોટની અંદર આજે એક દિવસમાં ફોરવ્હિલની વાત કરવામાં આવે તો આજના દિવસે અંદાજે 700 થી 800 ફોરવ્હિલની ડિલિવરીનું બુકિંગ નોંધાયું છે. આજે સવારથી જ લોકો પોતાની મનગમતી કાર લેવા ફોરવ્હિલના શો રૂમમાં ઉમટી પડ્યા છે. લોકો કાર પર સાથીયો અને કંકુ તિલક સાથે ફૂલના હાર પહેરાવી નવી કાર ખરીદી રહ્યા છે. કારની ખરીદી કરતા લોકોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.