રાજકોટમાં માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 8 વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના તમામ જરૂરિયાતવાળા વૃદ્ધોને નિયમોનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં તમામ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. હવે સંસ્થા દ્વારા 30 એકર જમીન પર 200 કરોડના ખર્ચે 700 રૂમનું નિર્માણ કરી લક્ઝુરિયસ વૃદ્ધાશ્રમ બનાવાશે, જેમાં 2100 વડીલને આશરો આપવામાં આવશે. આ વૃદ્ધાશ્રમમાં દરેક માળે અગાસી હશે. રવિવારે મોરારિબાપુના હસ્તે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવશે.
હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 500 વડીલ
હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 500 જેટલા વડીલો પોતાની પાછલી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે, જેમાંથી 180 વડીલ પથારીવશ છે. ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે છે. આ નવા ભવનનો રવિવારે સંતો-મહંતો અને રાજકોટ સહિત દેશભરમાંથી 10 હજાર શ્રેષ્ઠીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સમારોહ યોજાશે.
વડીલોની સારવાર વિનામૂલ્યે કરાશે
આ અંગે યોજાયેલી પત્રકાર સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ કદાચ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે. બિલ્ડિંગમાં કુલ 7 ટાવરમાં 700 રૂમ બનાવવામાં આવશે, જેમાં વડીલોને આશરો મળવાની સાથે સાથે તેમની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એકસાથે 2100 વડીલને આશરો આપવામાં આવશે. જોકે આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે, જેઓ નિરાધાર છે, જેમને કોઈ સંતાન નથી અને લાચાર છે. અહીં આશરો લેતા વડીલોનું સન્માન જળવાઇ રહે એ માટે એક નવો જ અભિગમ રાખ્યો છે. એના માટે કહીએ છીએ કે અમારે માવતર જોઇએ છે.
કેર ટેકરની ટીમ 24 કલાક હાજર રહેશે
આ વૃદ્ધાશ્રમમાં દરેક માળે અગાસી હશે, જેમાં વડીલો વોકિંગ કરી શકશે, પથારીવશ વડીલોની કેર કરવા માટે કેર ટેકરની ટીમ 24 કલાક 365 દિવસ ફરજમાં રહેશે. નવનિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે વડીલો વ્હીલચેરમાં જઈ શકે એવી સુવિધા હશે. બિલ્ડિંગના દરેક ટાવરમાં 100 રૂમ બનાવાશે. દરેક રૂમમાં હવા-ઉજાશ, ગ્રીનરી જળવાઈ રહે એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.
જૈન સમાજના લોકો માટે અલગ જ ટાવર
જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ બનશે, વડીલોને જૈન ભોજન મળી રહે, તેમને કોઈ મુશ્કેલી ન પડે એ માટે કુલ 7 ટાવરમાંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે. જ્યાં જૈન સમાજના જ વડીલોને આશરો આપવામાં આવશે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિ:સહાય, પથારીવશ વૃદ્ધો જોવા મળે તો સદભાવના વૃદ્ધાશ્રમના નંબર 80002 88888 ઉપર સંપર્ક કરવા પણ સંસ્થાએ જણાવ્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું સપનું
સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્ત્વકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતના 10 જિલ્લામાં 20 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ કરાઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષ વાવી ગ્રીન ગુજરાતનો પ્રયાસ કરવામાં આવશે, સાથોસાથ એના જતનની પણ તકેદારી લેવામાં આવશે. એને ખૂબ ટૂંકા સમયમાં 20,00,000 વૃક્ષ વિનામૂલ્યે પીંજરા સાથે વાવી એનું જતન કરવામાં આવ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણ સંસ્થા હાલ 250 ટ્રેક્ટર, 250 ટેન્કર વડે વૃક્ષોને નિયમિત રીતે પાણી પીવડાવી 700 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે.
બળદો માટે પણ આશ્રમ શરૂ કર્યો છે
આ અભિયાન પાછળ અંદાજિત 52 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી આ વર્ષે રાજકોટથી ભાવનગર સુધી 170 કિમીના હાઇવે ઉપર વૃક્ષારોપણ થઈ ગયું છે. સંસ્થાના આ નવા પરિમાણથી આજસુધી તરછોડાયેલી સ્થિતિ પામેલા ગૌવંશના અબોલ જીવને બચાવવાની ખેવના સાકાર થઈ રહી છે. સંસ્થાના આ નવતર પ્રયાસ થકી અત્યારે 700 જેટલા બળદો સંસ્થાના આશ્રિત છે, જ્યારે સંસ્થાનું લક્ષ્ય 10,000 બળદને આશરો આપવાનું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.