મુખવાસ વિના દિવાળી અધૂરી:રાજકોટની બજારોમાં ઠંડાઇ, ગુલકંદ, ચેરી સહિત 70થી વધુ વેરાઇટીના મુખવાસ, મોંઘવારીના મારમાં 10 ટકા ભાવ વધારો છતાં લોકોની પડાપડી

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટની બજારોમાં અવનવી વેરાઇટીના મુખવાસ જોવા મળ્યો.
  • લગ્નની સિઝનમાં પણ મુખવાસનું વેચાણ વધવાની વેપારીઓને આશા

દિવાળી એક એવો તહેવાર છે જે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. દિવાળી આવતા જ લોકો ઘણા દિવસ પહેલાથી જ બધી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. દિવાળીના તેમજ નવા વર્ષ પર લોકો એકબીજાના ઘરે જઈ શુભકામનાઓ પાઠવે છે. ત્યારે આ શુભ અવસરે લોકો મહેમાનોને મુખવાસ તેમજ સાકર ખવડાવીને મોં મીઠું કરાવે છે. જેથી શરૂ થનાર નવા વર્ષમાં સંબંધોમાં મીઠાશ હંમેશા જળવાય રહે. ત્યારે રાજકોટની બજારોમાં ઠંડાઇ, ગુલકંદ, ચેરી સહિત 70થી વધુ વેરાઇટીના મુખવાસ આ વર્ષે ઉપલબ્ધ છે. મોંઘવારીના મારમાં મુખવાસમાં 10 ટકા ભાવ વધારો હોવા છતાં પણ લોકો ખરીદી કરવા પડાપડી કરી રહ્યા છે.

ગુલકંદ અને બનારસી પાન સાથેના મુખવાસની ડિમાન્ડ.
ગુલકંદ અને બનારસી પાન સાથેના મુખવાસની ડિમાન્ડ.

લગ્નની સિઝનમાં પણ મુખવાસનું વેચાણ થશે તેવી વેપારીઓને આશા
રાજકોટની બજારોમાં અવનવા મુખવાસ સાથે પાન પણ જોવા મળી રહ્યા છે. દિવાળીના પર્વ નિમિતે લોકોની મન પસંદ ખરીદીની શરૂઆત મુખવાસથી જ કરવામાં આવે છે. આ વર્ષે બજારોમાં ક્યાંકને ક્યાક મુખવાસના ભાવમાં મોંઘવારીના કારણે 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમ છતાં પણ મુખવાસ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. જોકે, પાછલા બે વર્ષથી કોરોનાકાળ કારણે લગ્નની સિઝનમાં મુખવાસ બજારમાં પણ મંદી જોવા મળી હતી. આ વર્ષે લગ્નની સિઝન પૂરબહારમાં ખીલશે તેવી આશાએ મુખવાસનું વેચાણ વધવાની વેપારીઓ શક્યતા સેવી રહ્યાં છે.

70થી વધુ વેરાઇટીના મુખવાસ બજારોમાં ઉપલબ્ધ.
70થી વધુ વેરાઇટીના મુખવાસ બજારોમાં ઉપલબ્ધ.

આ વર્ષે મુખવાસનો વેપાર સારોઃ વેપારી
મુખવાસના વેપારી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વેપાર-ધંધા સારા છે. મારી આશા એવી છે કે છેલ્લા બે વર્ષથી દિવાળીએ વેપાર થયો નહોતો. હજી વધુને વધુ લોકો મુખવાસની ખરીદી કરે તો બે વર્ષનો વેપાર પણ કવર થઇ શકે છે. સરકાર રાત્રિ કર્ફ્યૂ તહેવારોમાં હટાવી દેવી અમારી માગ છે. રાતના 12 વાગ્યા સુધી વેપાર ચાલી રહ્યો છે. પરંતુ રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવે તો લોકો સમય મર્યાદામાં ખરીદી કરે છે તેમાં છૂટ મળે.

મુખવાસના વેપારી ભાવેશ પટેલ.
મુખવાસના વેપારી ભાવેશ પટેલ.