નિર્ણય:પુલ હોનારતમાં 7 વિદ્યાર્થીના મોત, યુનિ. 1 લાખ સહાય કરશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી સુરક્ષાનિધિમાંથી સહાય ચૂકવાશે : યુનિવર્સિટીના સત્તાધીશોની મિટિંગ મળ્યા બાદ આખરી નિર્ણય લેવાશે

મોરબીમાં 30 ઓક્ટોબરે સર્જાયેલ પુલ હોનારતમાં 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કરુણાંતિકામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અંદાજિત 7 વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. ત્યારે 1 નવેમ્બરથી દિવાળી વેકેશન બાદ જ્યારે યુનિવર્સિટીમાં વહીવટી કામગીરી શરૂ થઇ છે ત્યારે આ હોનારતમાં જીવ ગુમાવનાર યુનિવર્સિટી સંલગ્ન મોરબીની અને આસપાસની કોલેજોના વિદ્યાર્થીઓના પરિવારજનોને રૂ. 1 લાખની આર્થિક સહાય કરવાની પ્રક્રિયા કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ શરૂ કરી છે.

યુનિવર્સિટીના અધિકારીઓ હાલ સંલગ્ન કોલેજોમાંથી આ વિદ્યાર્થીઓની જરૂરી માહિતી મેળવી રહ્યાં છે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવાશે.આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, મોરબીની પુલ પડી જવાની ઘટનામાં યુનિવર્સિટી સંલગ્ન મોરબી અને આસપાસની કોલેજોના અંદાજિત 7 વિદ્યાર્થીના અવસાન થયાના સમાચાર મળ્યા છે. આ અંગે હજુ અમે સંલગ્ન કોલેજો પાસેથી વિગતો મેળવી રહ્યાં છીએ.

તમામ વિગતો મેળવ્યા બાદ આ હોનારતમાં અવસાન પામેલા વિદ્યાર્થીના પરિવારજનોને યુનિવર્સિટી વિદ્યાર્થી સુરક્ષા નિધિમાંથી રૂ. 1 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. આ સમગ્ર બાબતો હજુ પ્રાથમિક પ્રક્રિયા હેઠળ છે. આ અંગે એક-બે દિવસમાં સત્તામંડળના સભ્યો સાથે બેઠક કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ આર્થિક સહાય ચુકવાશે.

અન્ય સમાચારો પણ છે...