કાર્યવાહી:રૈયારોડ સહિતના જાહેર માર્ગ પર ફટાકડા ફોડતા 7 શખ્સ પકડાયા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરના યુવકે અગ્નિસ્નાન કરી લીધું, મારામારીમાં બે મહિલા ઘવાઇ

દિવાળી સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર તેમજ લાઇસન્સ વગર ફટાકડાનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં લોકો બેરોકટોક જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં ફટાકડા ફોડી લોકોમાં ભયનો માહોલ ફેલાવતા રેલનગર, ક્રિષ્નાપાર્કના જયેશ વ્રજલાલ નંદાણી, રૈયા રોડ, સુભાષનગરના જેનિશ ચંદ્રેશ કારિયા, મવડી હેડ ક્વાર્ટર પાસે રહેતા જસ્મિન સુરેશ મારવિયા, ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં રહેતા નિલય પ્રવીણ લીંબાસિયા, ગાંધીગ્રામ સત્યનારાયણનગરમાં રહેતો કલ્પેશ રસિક સોલંકી તેમજ બે તરુણ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે બેડીપરામાં રહેતા રાજુ અરજણભાઇ સિંધવ પુષ્કરધામ મેઇન રોડ પર લાઇસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા હોવાનું ચેકિંગ દરમિયાન જાણવા મળતા યુનિવર્સિટી રોડ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય એક બનાવમાં વાંકાનેરના યુવકે અગ્નિસ્નાન કરી જીવનનો અંત આણી લીધો હતો. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ શિવરામ ખાંડેખા (ઉ.વ.22)એ બુધ‌વારે રાત્રે કોઇ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા તેને વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. દિવાળીના તહેવાર પર યુવકના આપઘાતથી ખાંડેખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.

જ્યારે શહેરના જામનગર રોડ પર શેઠનગર પાસે દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે પરિવારની મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. કિરણબેન દિનેશભાઇ જખાનિયા (ઉ.વ.20) ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમણે રામી તથા લખીએ પથ્થરમારો કર્યાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે સામાપક્ષે લખીબેન માયાભાઇ વાઘેલા (ઉ.વ.25) પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમણે પણ કિરણે પથ્થર માર્યાનો આક્ષેપ કર્યો હતો, બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...