કાળાબજારી સામે કાર્યવાહી:રાજકોટમાં 300નું એમ્ફોટેરિસિન ઇન્જેક્શન 4500માં વેચતા ડોક્ટર, નર્સ સહિત 7 શખ્સની ધરપકડ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇન્જેક્શનની અછત છે ત્યારે ખાનગી હોસ્પિટલ સાથે સંકળાયેલા તત્ત્વો મજબૂરીમાં રોકડી કરતા’તા

સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ રાજકોટમાં સૌથી વધુ છે, રાજકોટમાં જ મ્યુકરના 300 ઓપરેશન થઇ ચૂક્યા છે, આવા દર્દીને અપાતા ઇન્જેક્શનની અછત પ્રવર્તી રહી છે ત્યારે ખાનગી હોસ્પિટલના કેટલાક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે મ્યુકરના દર્દીને અપાતા એમ્ફોટેરિસિન ઇન્જેક્શનના કાળાબજારનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે ડોક્ટર અને નર્સ સહિત સાત શખ્સને ઉઠાવી લઇ 25થી વધુ ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો અને આ કૌભાંડ મોટું હોવાની શંકાએ પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

પોલીસે 25 ઇન્જેક્શન જપ્ત કર્યા
કોરોનાના કહેર વખતે રેમડેસિવિરના કાળાબજાર કરી દર્દીના સંબંધીઓને લૂંટવામાં આવ્યા હતા. મ્યુકરમાઇકોસિસના દર્દીઓને મોટાપ્રમાણમાં ઇન્જેક્શન આપવા પડે છે અને ઇન્જેક્શનની અછત હોવાને કારણે દર્દીઓની હાલત કફોડી બની છે ત્યારે કેટલાક તત્ત્વો આવા ઇન્જેક્શનના કાળાબજાર કરી રહ્યાની એસઓજીના પીઆઇ આર.વાય.રાવલને માહિતી મળતાં એસઓજીની ટીમે શહેરની કેટલીક ખાનગી હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ડોક્ટર અને નર્સ સહિત સાત શખ્સને ઉઠાવી લઇ 25 એમ્ફોટેરિસિન ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂ.300ની કિંમતનું એમ્ફોટેરિસિન ઇન્જેક્શન આ તત્ત્વો રૂ.4500માં વેચતા હતા, ઇન્જેક્શનના કાળાબજાર કરતી ગેંગ મોટી હોવાની શંકા હોય પોલીસે ઝડપાયેલા તત્ત્વોના નામ જાહેર કર્યા નહોતા અને સકંજામાં રહેલા શખ્સોના સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.

મોટામાથાની સંડોવણી હોવાની શક્યતા
​​​​​​​રાજકોટની કેટલીક ખાનગી હોસ્પિટલ ઉપરાંત રાજકોટ તાલુકાના નાના શહેરોમાં આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલનો સ્ટાફ પણ આ કાળાબજારમાં સંડોવાયેલો હોવાના પુરાવા મળતા પોલીસની ટીમ શનિવારે રાત્રે કેટલાક સ્થળોએ ખાબકી હતી અને ઇન્જેક્શનનો મોટો જથ્થો પોલીસને હાથ લાગવાના નિર્દેશો મળ્યા હતા. આ કૌભાંડમાં મોટામાથાની સંડોવણી પણ બહાર આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જેથી અમુક શખ્સો કાળાબજાર કરી રહ્યા છે.

પોલીસે જપ્ત કરેલા મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શન સરકારી સ્ટોર રૂમમાં મોકલાયા
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મ્યુકરના દર્દીઓને ઇન્જેક્શન મળતા નથી, સરકાર અને કલેક્ટર તંત્ર ઇન્જેક્શનનો જથ્થો દર્દીઓને મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કાળાબજારિયાઓ પોતાના કબજામાં ઇન્જેક્શનનો જથ્થો રાખીને લોકોને લૂંટી રહ્યા છે. કબજે થયેલા ઇન્જેક્શન દર્દીના ઉપયોગમાં આવે તે માટે જપ્ત કરાયેલા ઇન્જેક્શન સરકારી સ્ટોર રૂમમાં મોકલી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...