તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રાજકોટ સિવિલમાં 8માંથી 7 એમ્બ્યુલન્સ બંધ, 11 ડ્રાઇવર નવરા બેસે, લોકો લૂંટાઇ રહ્યા છે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓઇલ-ટાયર બદલાવવાના અને સર્વિસ જેવા નાના કામ માટે પણ તબીબી અધિક્ષક મંજૂરી આપતા નથી, તમામ એમ્બ્યુલન્સના ટાયર એકસાથે થંભી ગયા
  • સિવિલની એમ્બ્યુલન્સથી દર્દીને અમદાવાદ શિફ્ટ કરવામાં આવે તો માત્ર રૂ.800 ભાડું અને ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો રૂ.3000 થી 4500 સુધીની રકમ પડાવે છે

સિવિલ હોસ્પિટલ હસ્તગત 8માંથી 7 એમ્બ્યુલન્સ એકસાથે બંધ પડતાં 11 ડ્રાઇવર નવરા બેઠા છે, દર્દીને અમદાવાદ શિફ્ટ કરવામાં આવે ત્યારે દર્દીના સંબંધીને નાછૂટકે ખાનગી એમ્બ્યુલન્સ ભાડે કરવી પડે છે અને આવા લેભાગુ તત્ત્વો દર્દી પાસેથી રૂ.3 હજારથી 4500 જેટલું તોતિંગ ભાડું વસૂલે છે.

સિવિલમાં દાખલ દર્દીઓની સ્થિતિ ગંભીર થાય અને તેને તબીબો દ્વારા અમદાવાદ શિફ્ટ કરવાનું કહેવામાં આવે ત્યારે દર્દીના સંબંધીઓ સિવિલ હોસ્પિટલના ડ્રાઇવર રૂમનો સંપર્ક કરી દર્દીને અમદાવાદ ખસેડવા માટે એમ્બ્યુલન્સની પૃચ્છા કરે ત્યારે એમ્બ્યુલન્સ બંધ હોવાનો જવાબ મળે છે, તેથી ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો નાછૂટકે સંપર્ક કરે છે અને લેભાગુ તત્ત્વો ગેરલાભ ઉઠાવી રૂ.3000 થી 4500 સુધી ભાડું વસૂલે છે. સિવિલની એમ્બ્યુલન્સ દર્દીને એક કિ.મી.ના રૂ.2ના ભાડાથી મળે છે. અમદાવાદનું સિવિલની એમ્બ્યુલન્સનું રિટર્ન ભાડું રૂ.800 થાય છેે. એમ્બ્યુલન્સ રૂમના ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ રાઠોડનો સંપર્ક કરતા તેમણે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, 8માંથી 7 એમ્બ્યુલન્સ બંધ છે, કોઇમાં ઓઇલ બદલવાનું છે તો કોઇમાં ટાયર બદલવાના છે, એકાદ બે એમ્બ્યુલન્સ સર્વિસ નહીં કરવામાં આવી હોવાથી બંધ છે, તબીબી અધિક્ષકને અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ત્યાંથી મંજૂરીની મહોર મારવામાં નહીં આવતા એકસાથે 7 એમ્બ્યુલન્સ હાલમાં બંધ છે.

પાર્કિંગના અભાવને કારણે એમ્બ્યુલન્સ ભંગાર બને છે
સિવિલ હોસ્પિટલમાં ડ્રાઇવર રૂમની સામેની વિશાળ જગ્યામાં છાપરાવાળું પાર્કિંગ બનાવવા માટે એક વર્ષ પહેલા તબીબી અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમના દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તમામ એમ્બ્યુલન્સ ખુલ્લામાં પાર્ક કરવામાં આવતી હોવાને કારણે શિયાળો, ઉનાળો અને ચોમાસાની આ વાહનો પર વિપરીત અસર થવાને કારણે તેનું આયુષ્ય ટૂંકું થઇ જાય છે અને થોડા જ વર્ષોમાં વાહનો કન્ડમ થઇ જાય છે. જે જગ્યા પાર્કિંગ માટે માગવામાં આવી છે તે જગ્યા પર ગંજેરીઓ અને લુખ્ખાઓ અડ્ડો જમાવીને બેઠા છે અને તે કારણે દર્દીના પરિવારની મહિલાઓની સલામતી સામે પણ જોખમરૂપ છે પરંતુ હોસ્પિટલના સત્તાધીશોની ઉદાસીનતા સરકારને પણ આર્થિક બોજારૂપ બની છે.

નિયમિત વોશ ન થતાં ઇન્ફેક્શનનો ખતરો
રાજકોટથી દર્દીને અમદાવાદ શિફ્ટ કરવામાં આવે અને આવા દર્દીને સરકારી એમ્બ્યુલન્સમાં જ્યારે લઇ જવામાં આવે છે ત્યારે બીમાર દર્દીના પરૂ અને લોહીના ડાઘ એમ્બ્યુલન્સમાં પડ્યા રહે છે, અમદાવાદથી એમ્બ્યુલન્સ પરત આવે ત્યારે તેને વોશ કરવામાં આવતી નથી અને ફરીથી બીજા દર્દીને તે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવે છે આવા સંજોગોમાં દર્દીઓ, તેની સાથેના તેના પરિવારજનો અને ડ્રાઇવરને ઇન્ફેક્શન લાગવાનું જોખમ રહે છે.

પાંચ માસ પહેલાં ગ્રાંંટ આપી છે : ગોવિંદ પટેલ
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, દર્દીઓને કોઇ મુશ્કેલી ન થાય અને એમ્બ્યુલન્સ મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ હજુ સુધી એમ્બ્યુલન્સ ખરીદી કરી ન હોવાનું ધ્યાને આવતા ખરીદી કરવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...