ધરપકડ:કારખાનાની ચોરીમાં પકડાયેલી ટોળકીના વધુ 7 સાગરીત પકડાયા

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મયૂરનગરમાં 4.55 લાખની ચોરીમાં 16 ઝડપાયા હતા
  • ચોરીમાં​​​​​​​ 23 તસ્કરની ટોળકી હોવાનો પ્રથમ કિસ્સો

પ્રજાના મિત્ર તરીકેની ખરાડાયેલી છાપને ફરી પ્રસ્થાપિત કરવા પોલીસ તંત્ર એક પછી એક ગુનેગારોને પકડવાની તેમજ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે થોરાળા પોલીસે ચોરીના ગુનામાં સૌ પ્રથમ વખત મસમોટી તસ્કર ટોળકી ઝડપી ચોરીનો ભેદ ઉકેલાયો છે.

શહેરના મયૂરનગર વિસ્તારમાં આવેલા ક્રિષ્ના સિલ્વર નામના કારખાનામાં ત્રણ દિવસ પહેલા રૂ.4.55 લાખની ચોરી થઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બનાવને પગલે થોરાળા પોલીસમથકના પીઆઇ જે.આર.દેસાઇ, પીએસઆઇ જી.એસ.ગઢવી સહિતના સ્ટાફે સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોની મદદથી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ તરુણ સહિત 16 ધૂળધોયા શખ્સને રોકડા તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરમિયાન પકડાયેલા 16 ધૂળધોયાની પૂછપરછમાં તેમની સાથે વધુ સાત ધૂળધોયાની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે ચુનારાવાડના સાહિલ રામજી બાવળિયા, સંજય ઉર્ફે વિવેક વલ્લભ પરિયા, નિલેશ રાજુ સોલંકી, ભરત મગન જાદવ, મનહરપરાના રોહિત દિલીપ સોલંકી, રવિ રાજુ સોલંકી, અને કોઠારિયા રોડ, જયનગર-1ના કમલેશ ઉર્ફે કૈલો દોલુ સોલંકીને પકડી પાડ્યા હતા.

પોલીસે સાતેય ધૂળધોયા પાસેથી રોકડા રૂ.2.38 લાખ તેમજ રૂ.25 હજારની કિંમતના 30 કિલો પિત્તળ મિક્સ ચાંદી મળી કુલ રૂ.2.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 23 ધૂળધોયાની તસ્કર ટોળકી પૈકી ગોપાલ રમેશ બાવળિયા સામે રાયોટ, પ્રોહિબિશન, ધમકી, મારામારી સહિત 10 ગુના, ભાવેશ સુરેશ પરિયા સામે 3 ગુના અને વિજય ઉર્ફે ઘોઘો મધુ બારૈયા સાથે પ્રોહિબિશનનો એક ગુનો અગાઉ પોલીસમાં નોંધાયો છે.ધૂળધોયા તરીકે શહેરભરમાં ફરતી આ તસ્કર ટોળકી વધુ ચોરીમાં સંડોવાઇ હોવાની પોલીસને શંકા હોય ચોરીના ભેદ ઉકેલવા ટોળકીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં શહેરના કોઠારિયા સોલવન્ટ પાસેના શ્રીજી એસ્ટેટમાં આવેલા વી.કે.વાયર નેટ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારખાનાના માલિક વિપુલ ઉકાભાઇ કાનાણી, પીયૂષ બાબુભાઇ ફાયરા, જયેશ ગીરધરભાઇ સોરઠિયા, વિપુલ બાવાભાઇ વાડોદરિયા, જગો ધીરજલાલ કપુરિયાને તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.57,200 કબજે કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...