રાજકોટ શહેરમાં 18થી વધુની વયના મોટાભાગના લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને હવે બીજા ડોઝની તૈયારી ચાલી રહી છે. આમ છતાં જે બાકી વધ્યા છે તેમના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. રાજકોટ શહેર માટે ગાંધીનગરથી 9.93 લાખ લોકોનો ટાર્ગેટ અપાયો હતો જેની સામે 9.25 લાખ એટલે કે 93 ટકાને રસી મળી ગઈ છે. જે પૈકી 3.23 લાખને બંને ડોઝ અપાઈ ગયા છે એટલે કે 32 ટકા પાસે કોરોના વિરોધી રસીનું સંપૂર્ણ કવચ છે.
હાલ વેક્સિન મુજબ રાજકોટ ત્રીજા સ્થાને છે પણ જો કે યુવાવર્ગમાં રસીકરણની જાગૃતિમાં રાજકોટ રાજ્યમાં મોખરે પહોંચ્યું છે. જેટલા પણ ડોઝ અપાયા છે તેમાંથી 56 ટકા 18થી 44 વયજૂથમાં છે એટલે કે 45થી વધુ વય કરતા યુવાનોમાં રસીની જાગૃતિ વધારે છે. 18થી 44માં આ જ રીતે ટકાવારી મુજબ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની સરખામણી વડોદરામાં 52 ટકા અને અમદાવાદમાં 54 ટકા રસી યુવાવયમાં અપાઈ છે.
રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં અપાયેલી રસી અને ટકા
વયજૂથ | રાજકોટ | (ટકા) | અમદાવાદ | (ટકા) | વડોદરા | (ટકા) |
18-44 | 705950 | 56.4 | 2317416 | 54.5 | 892655 | 52.8 |
45-60 | 327283 | 26.16 | 1162602 | 27.4 | 450627 | 26.7 |
60+ | 217800 | 17.4 | 767375 | 18 | 344735 | 20.4 |
કુલ | 1251033 | - | 4247393 | - | 1688017 | - |
સ્ત્રીઓના વેક્સિનેશનમાં રાજકોટ અન્ય શહેરો કરતાં પાછળ
રાજકોટમાં રસીકરણમાં 6.94 લાખ પુરુષો છે જે 69 ટકા છે એટલે કે સ્ત્રીઓનો હિસ્સો માત્ર 31 ટકા જ છે. અમદાવાદમાં રસી લેનારા કુલમાંથી 56 ટકા પુરુષો છે અને 44 ટકા સ્ત્રીઓ છે. વડોદરામાં 54 ટકા પુરુષો છે અને 46 ટકા મહિલાઓ છે એટલે કે વડોદરા શહેરમાં રસી લેવામાં મહિલાઓમાં વધારે જાગૃતિ જોવા મળી રહી છે. જ્યારે રાજકોટ શહેરમાં જે લોકો બાકી રહ્યા છે તેમાં પણ મહિલાઓની સંખ્યા વધારે છે. જો કે તેની પાછળ કારણ એ છે કે ધાત્રી માતાઓને રસી અપાતી નથી તેમજ સગર્ભાઓ હજુ પણ રસીથી વિમુખ છે.
ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર કોરોના સૌથી વધુ વૃધ્ધો પર અસર કરે છે પણ ખરેખર ચેપના કરિયર એવા લોકો છે જેને ઘરની બહાર જવું પડે છે. આ લોકો એટલે વર્કિંગ એજ ગ્રૂપ કે જે 18થી 45 છે. આ વયજૂથમાં સૌથી વધુ રસીકરણનો અર્થ એ છે કે હવે તેઓને બહારનો ચેપ લાગશે નહીં. તેઓ ચેપથી સુરક્ષિત થઈ જશે એટલે ઘરમાં વૃધ્ધો અને બાળકોને પણ ચેપ લગાવી શકશે નહીં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.