ભાસ્કર Analysis:68-69માં કોંગ્રેસના ઉમેદવાર પર સહુની મીટ, 70માં ખોડલધામ સંગઠન વધુ સક્રિય થશે, 71માં ફાઇટ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વમાં ઉદય ઓબીસીને એક કરવામાં સફળ થશે? દક્ષિણમાં અસંતોષ ખાળવો પડકાર, 69માં ભાજપનો ગઢ પરંતુ સ્થાનિક નેતાઓની નારાજગી નિરુત્સાહી બનશે, 71માં ત્રિપાંખિયો જંગ
  • કેટલાક પોતાનાને હરાવશે કેટલાક પારકાને જીતાડશે​​​​​​​​​​​​​​

ભાજપે રાજકોટની ચારેય બેઠકમાં ગત ચૂંટણીની સાપેક્ષમાં નવા ઉમેદવારો આપીને અપસેટ સર્જ્યો છે, પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીને ચૂંટણી મેદાનમાં નહીં ઉતારીને નવા ચહેરાઓ પર ભાજપે જંગ ખેલવાનો નિર્ણય કર્યો છે, ચારેય ઉમેદવારો જે સમાજમાંથી આવે છે અને તે દરેક બેઠક પર જે સ્થિતિ છે તે રસપ્રદ બનશે તેવું રાજકીય પંડિતો માની રહ્યાં છે.

વિધાનસભા 68માં મંત્રી અરવિંદ રૈયાણીની જગ્યાએ કોઇ પાટીદારને ટિકિટ આપવાને બદલે ભાજપે પ્રથમ વખત ઓબીસીમાંથી ઉદય કાનગડની પસંદગી કરી છે, 2.91 લાખ મતદારવાળી આ બેઠક પર સહુથી વધુ લેઉવા પટેલ 58 હજાર છે, આમ આદમી પાર્ટીએ પાટીદાર રાહુલ ભૂવાને ટિકિટ આપી છે, કોંગ્રેસમાંથી પૂર્વ મેયર અશોક ડાંગર, મનપાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, તેના પતિ પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુના નામ ચાલી રહ્યાં છે, દલિત અને મુસ્લિમને બાદ કરતા 90 હજાર જેટલા ઓબીસી સમાજના લોકો આ બેઠક પર મતદાર છે, અને ઓબીસી સમાજને કાનગડ એક કરવામાં સફળ થશે તેવી પાર્ટીને અપેક્ષા છે, તો પાટીદારની એક બેઠક ઓછી થતાં પાટીદાર સમાજની નારાજગી ખાળવી પડકારજનક બનશે.

વિધાનસભા 69 ભાજપનો ગઢ છે, નરેન્દ્રભાઇ મોદી, વજુભાઇ વાળા અને વિજય રૂપાણીની આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે, એટલે જ આ બેઠક પર દરેક જૂથ અને દરેક સમાજ પોતાની વ્યક્તિને ટિકિટ મળે તેવા પ્રયાસો કરતું હતું, ડો.દર્શિતાબેન શાહને ટિકિટ અપાતા મોટા માથાઓમાં નિરુત્સાહ જોવા મળતો હતો, તેમણે પાર્ટીલાઇનમાં એવું નિવેદન આપ્યું હતું કે, પાર્ટીએ જે ઉમેદવાર આપ્યા છે તેને જીતાડી દેશું પરંતુ સંસદની ચૂંટણીમાં ઉપરથી આવેલા કિરણ પટેલને જે રીતે હરાવવામાં આવ્યા હતા તે સ્થિતિ ડો.શાહની ન થાય તે ભાજપ માટે ચિંતાનો વિષય રહેશે. આવું જ કંઇક વિધાનસભા-70માં જોવા મળી રહ્યું છે,

આ બેઠક પર ગોવિંદભાઇ પટેલને રિપીટ કરવામાં આવે તેવી જોરશોરથી માંગ કરવામાં આવી હતી, ગોવિંદ પટેલને વયમર્યાદા નડશે તેવું નિશ્ચિત મનાતું હતું, ડો.ભરત બોઘરા પણ મજબૂત દાવેદાર હતા પરંતુ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે, જેથી ગોવિંદભાઇને સમર્થન કરતું જૂથ નારાજ થયું છે અને તેઓ જાહેર વિરોધ નહીં કરે પરંતુ પાર્ટીલાઇનમાં રહીને કામગીરી કરતા રહેશે, જ્યારે ટીલાળાને ખોડલધામ સંગઠન અને તેના કાર્યકરોનો લાભ મળવાની આશા લગાવાઇ રહી છે. વિધાનસભા -71માં લાખાભાઇ સાગઠિયા ગત ચૂંટણીમાં કોંગ્રેસના વશરામ સાગઠિયા સામે 2400 મતથી જ જીત્યા હતા, આ બેઠક પર આ વખતે વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, કોંગ્રેસે સુરેશ બથવારને ટિકિટ આપી છે, ત્યારે ભાજપે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી મહિલા પ્રતિનિધિત્વ પર ચૂંટણી જંગ ખેલશે, આ બેઠક પર રસાકસી થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

`પૂર્વ ડેપ્યૂટી મેયર નરેન્દ્ર સોલંકીએ ટિકિટ કપાવા છતાં ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું
પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્ર સોલંકીએ વિધાનસભા 70 બેઠક માટે ભાજપમાંથી દાવેદારી કરી હતી, ગુરુવારે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી તે સાથે જ નરેન્દ્ર સોલંકી પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ લીધું હતું, સોલંકીએ પોતાની પસંદગી નહીં થવાની વાતને અયોગ્ય ગણાવી હતી, જોકે તેઓ અપક્ષ ચૂંટણી લડશે? લડશે તો કઇ બેઠક પરથી લડશે? તે અંગે સ્પષ્ટતા કરી નહોતી, સોલંકી વિધાનસભા 70 બેઠક પર અપક્ષ ઉમેદવારી કરશે કે પાર્ટીને દબાવવા માટે ફોર્મ ઉપાડ્યું છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
મોદી જે 3 આગેવાનને મળ્યા હતા તે ત્રણેય કપાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એકાદ મહિના પૂર્વે ધોરાજીમાં જાહેરસભા યોજી હતી, જાહેરસભા પૂરી કરી દિલ્હી જતાં પૂર્વે વડાપ્રધાન રાજકોટ એરપોર્ટ પર કશ્યપ શુક્લ અને તેના પરિવારજનો, નીતિન ભારદ્વાજ અને તેના પરિવારજનો અને કલ્પક મણીઆર તથા તેના પરિવારજનોને ખાનગીમાં મળ્યા હતા, ઉપરોક્ત ત્રણેય આગેવાનએ વિધાનસભા 69 બેઠક માટે ટિકિટની દાવેદારી કરી હતી અને તેઓને વડાપ્રધાન વ્યક્તિગત રીતે મળ્યા હોય આ ત્રણમાંથી કોઇને ટિકિટ મળશે તેવું જોરશોરથી ચર્ચાઇ રહ્યું હતું, પરંતુ ટિકિટની યાદી જાહેર થઇ તેમાં ત્રણેયના નામ કપાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...