કોરોના રાજકોટ LIVE:જિલ્લામાં 88 વર્ષીય વૃદ્ધનું મોત, ગ્રામ્યમાં 56 દર્દી પોઝિટિવ, શહેરમાં 6 મહિના બાદ આજે ફરી કેસ 300ને પાર, 168 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સિવિલ જજ સહિત 7 કર્મચારીઓ પોઝિટિવ
  • રાજકોટમાં ટેસ્ટની સંખ્યા ન વધતા પોઝિટિવિટી રેટ ફરી 5 ટકા થયો
  • મનપામાં આવનાર દરેક લોકોનું સ્ક્રિનિંગ આવતીકાલથી શરૂ કરાશે

રાજકોટ જિલ્લામાં આજે 88 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત થયું છે. આ સાથે ગ્રામ્યમાં 56 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.શહેરમાં 6 મહિના બાદ આજે ફરી નવા 319 કેસ નોંધાયા છે, આ પૂર્વે મેં માસમાં 300 જેટલા કેસ નોંધાયા હતા. આથી કુલ કેસની સંખ્યા 44911 પર પહોંચી છે. જયારે 168 દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટના સિવિલ જજ સહિત 7 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ સિવિલ હોસ્પિટલા 5 તબીબો સહિત નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત થયો હતો.રાજકોટ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં કુલ 23.43 લાખ લોકોએ પ્રીકોશન ડોઝ લીધો છે.

ફાર્મસી ભવનમાં આવતીકાલથી RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ કોરોનાના કેસ વધતા એર ઇન્ડિયાની ડેઇલી સાંજની રાજકોટ-મુંબઇ ફ્લાઇટ આજે રિટર્નમાં અમદાવાદ સાથે મર્જ થઇ છે. આ ફ્લાઇટ સાંજે 5 કલાકે મુંબઇથી ટેકઓફ થઇ 6.10 વાગ્યે રાજકોટ લેન્ડ થશે અને રાજકોટથી 6.48 વાગ્યે ટેકઓફ થઇ 7.45 કલાકે અમદાવાદ લેન્ડ થશે, અમદાવાદથી 8.20 વાગ્યે ટેકઓફ થઇ 9.40 કલાકે મુંબઇ પહોંચશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં આવતીકાલથી RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ થશે.

કાલથી મનપામાં આવનાર દરેકનું સ્ક્રિનિંગ કરાશે
આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ રસીકરણ કેન્દ્ર ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, ડી.આર.ડી.એ. નિયામક જે.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, રિજિયોનલ કમિશનર વરુણકુમાર સહિતના મહાનુભાવોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે.રાજકોટ મનપામાં આવનાર દરેક લોકોનું સ્ક્રિનિંગ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. થર્મલ ગનથી દરેકનું તાપમાન માપવામાં આવશે. વધતા જતા કોરોના કેસને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં કેસ નોંધાયા
રાજકોટમાં હાલ જે કેસ આવી રહ્યા છે તેમાં સૌથી વધુ કેસ વેસ્ટ ઝોનમાંથી નોંધાયા છે. મંગળવાર બપોરની સ્થિતિના એક્ટિવ કેસમાં 64 ટકા માત્રને માત્ર વેસ્ટ ઝોનમાં છે. બાકીના 40 ટકામાં પણ સૌથી ઓછા કેસ ઈસ્ટ ઝોનમાં છે. ત્યાં કુલ એક્ટિવ કેસનો આંક 250 કરતા પણ ઓછો છે. આ વિસ્તારમાં વેક્સિનેશન કે ટેસ્ટમાં ખૂબ જ ઓછી જાગૃતિ છે આથી એ શક્યતા પણ છે કે તે વિસ્તારમાં કોરોના ફેલાયો હશે પણ લોકો ટેસ્ટ કરાવતા નહીં હોય. જો તે વિસ્તારમાં ટેસ્ટ વધારવાના પ્રયાસો થાય તો આ આંક અનેકગણો આવી શકે છે.

મંગળવારે શહેરમાં 244 કેસ નોંધાયા હતા
શહેરમાં મંગળવારે કોરોનાના 244 કેસ નોંધાયા હતા. જે સોમવારની સરખામણીએ 27 ટકાનો ઉછાળો બતાવે છે. છેલ્લા 16 મેના દિવસે 372 કેસ આવ્યા હતા ત્યારબાદ ક્રમશ: કેસ ઘટી ગયા હતા અને 200 કરતા પણ ઓછા આવ્યા હતા પણ હવે અચાનક 250 સુધી કેસ પહોંચી ગયા છે. જોકે રાહતની વાત એ છે કે હાલ જે 1517 એક્ટિવ કેસ છે તે પૈકી માત્ર 6 જ હોસ્પિટલાઈઝ છે બાકીના તમામ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

છેલ્લે 16 મે, 2021ના દિવસે 372 કેસ નોંધાયા હતા
જિલ્લામાં ગઇકાલે નવા 75 કેસ જાહેર થયા હતા. અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવી રહ્યા હતા પણ હવે ગોંડલમાં કેસનો રાફડો ફાટ્યો છે કારણ કે, એક જ દિવસમાં 35 કેસ સામે આવ્યા હતા તેમાં 7 તો બાળકો છે. જ્યારે ધોરાજીમાં 11 કેસ આવ્યા હતા. જિલ્લા તંત્રએ હજુ સુધી તાલુકા મુજબ કેસ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. પહેલા મનપા પણ વોર્ડ વાઈઝ માહિતી જાહેર કરતી હતી પણ કેસની સંખ્યા 150ને પાર થતા તંત્ર પણ હાંફી ગયું છે અને હવે ફક્ત કેસની સંખ્યા જ જાહેર કરવામાં આવે છે.

ટેસ્ટની સંખ્યા ન વધતા પોઝિટિવિટી રેટ ફરી 5%
રાજકોટ શહેરમાં કેસની સંખ્યામાં ધડાધડ ઉછાળો આવી રહ્યો છે પણ તેટલી માત્રામાં હજુ ટેસ્ટ વધી રહ્યા નથી. સોમવારે પણ 3827 જ ટેસ્ટ કરાયા હતા અને તેની સામે 191 કેસ આવતા 5 ટકા પોઝિટિવિટી રેશિયો રહ્યો હતો. મહાનગરપાલિકા તંત્ર દ્વારા ધન્વંતરિ રથ તેમજ ટેસ્ટિંગ બૂથ ઊભા કર્યા હોવા છતાં દરરોજ કોરોનાના 5000 ટેસ્ટ પણ હજુ થતા નથી.

યુનિવર્સિટીની લેબમાં 10 હજારથી વધુ ટેસ્ટ કરાયા હતા
કોરોનાના કેસમાં વધારો થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ફરી RT-PCR ટેસ્ટ માટે લેબોરેટરી શરૂ કરાશે. યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણીના જણાવ્યા અનુસાર બીજી લહેરની માફક સિવિલ હોસ્પિટલ પરનું RT-PCR ટેસ્ટ અંગેનું ભારણ ઓછું કરવા યુનિવર્સિટીમાં 48 કલાકમાં જ એક લેબોરેટરી શરૂ કરાશે. બીજી લહેરમાં યુનિવર્સિટીની લેબમાં 10 હજારથી વધુ ટેસ્ટ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...