ગુજરાતમાં પ્રથમ:રાજકોટ જિલ્લાના 64 આરોગ્ય કેન્દ્ર પાસે છે ટચુકડા ECG મશીન,રિપોર્ટ પણ વ્હોટ્સએપમાં મળી જશે

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ECGની સુવિધા ઉપલબ્ધ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાના 64 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ECGની સુવિધા ઉપલબ્ધ બનશે.

નિષ્ણાંત તબીબો સેવા આપશે
આ અંગે DDO દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને યંગ ઇન્ડિયન નામની સંસ્થાના રાજકોટ ચેપ્ટર દ્વારા આ મશીનો આપવામાં આવ્યા છે. મશીનની સાથો સાથ તાલીમ તેમજ નિષ્ણાંત તબીબોની સેવા પણ આપવામાં આવશે. આ નવા ઈસીજી મશીનની સાઈઝ માત્ર કોમ્પ્યુટરના માઉસ જેટલી જ છે. ત્યારે ECGના રિપોર્ટ મોબાઈલ ઉપર વ્હોટ્સએપમાં પણ મેળવી શકાશે. રાજકોટ જીલ્લો રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે કે જ્યાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ECGની સુવિધા મળવા પાત્ર થશે.

37 લોકોને છાતીમાં દુખાવાની સમસ્યા
ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામથી હાર્ટએટેકનું ઝડપી નિદાન થાય છે અને સારવાર અપાય છે. હાલ હાર્ટએટેકના જે રીતે કેસ વધ્યા છે તેને લઈને ઝડપી નિદાન અને સારવાર માટે રાજકોટ મહાનગરપાલિકાએ પણ શહેરના 23 આરોગ્ય કેન્દ્રોમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન મુકાવ્યા છે. આ મશીન કાર્યરત થતા માત્ર 3 જ દિવસમાં 37 લોકો છાતીમાં દુખાવાની સમસ્યા સાથે આવ્યા હતા અને તમામના ECG રિપોર્ટ કરાવાયા હતા.

DDO દેવ ચૌધરી
DDO દેવ ચૌધરી

મોટાભાગના કેસમાં એસિડિટી કારણભૂત
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીના જણાવ્યા અનુસાર વિવિધ આરોગ્ય કેન્દ્રમાં છાતીના દુખાવા સાથે લોકો આવતા તુરંત જ ECG કરવામાં આવી રહ્યા છે. જેથી જો હાર્ટએટેકની સંભાવના હોય તો તુરંત જ ઝડપી પ્રાથમિક ઉપચાર અને રીફર કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય. મશીન મુકાયાના 3 દિવસમાં 37 લોકોની ચકાસણી કરવા માટે ECG કરાયા છે જોકે એકપણ કેસમાં હૃદયરોગનો હુમલો કે પછી તેને લગતા કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. મોટાભાગના કેસમાં એસિડિટી તેમજ સ્નાયુના દુખાવા સહિતની સમસ્યા હોય છે જેની સારવાર અપાય છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દરેક દુખાવો હાર્ટએટેક હોતો નથી
તબીબો જણાવે છે કે, છાતીનો દરેક દુખાવો હાર્ટએટેક હોતો નથી એટલે ગભરાયા વગર તુરંત જ નિદાન કરાવવું જોઈએ. ઘણા કેસમાં દર્દીઓ ગભરાઈ જતા હોય છે જેનાથી નિદાન અને સારવાર સરળ બનવાને બદલે વધુ અઘરી બને છે.

આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણી
આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણી

ઈસ્ટ ઝોનમાં માત્ર 2 અને સેન્ટ્રલ ઝોનમાંથી 21 દર્દીએ કરાવ્યા ECG
ECG અંગે જાગૃતિ પણ સેન્ટ્રલ ઝોનમાં જ વધુ જોવા મળી છે. જે 37 દર્દી આવ્યા છે તે પૈકી 21 દર્દી ફક્ત સેન્ટ્રલ ઝોનના જ આરોગ્ય કેન્દ્રના છે. જ્યારે સૌથી વધુ 9 દર્દીનારાયણનગર આરોગ્ય કેન્દ્રમાં ગયા છે. વેસ્ટ ઝોનમાં આવતા આરોગ્ય કેન્દ્રમાં 9 દર્દી જ્યારે સૌથી ઓછા માત્ર 2 દર્દી ઈસ્ટ ઝોનમાં નોંધાયા છે. એક એક દર્દી રામપાર્ક અને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં ગયા છે.

અન્ય સમાચારો પણ છે...