નિર્ણય:ઇજનેરી, ફાર્મસી, MBA-MCAના પ્રોફેશનલ કોર્સની 636 કોલેજ ચાલુ વર્ષે ફી નહીં વધારી શકે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની ફી નિયમન સમિતિ (ટેક્નિકલ)એ 2022-23માં ફી વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો
  • રાજ્યની 171 કોલેજોએ મહામારીથી અત્યાર સુધી ફી વધારો ન માગ્યો: વાલીઓને રાહત

કોરોના મહામારી બાદ શાળાઓમાં 15% સુધીનો ફી વધારો કરાયો છે પરંતુ ઈજનેરી, ફાર્મસી, એમબીએ અને એમસીએ સહિતના પ્રોફેશનલ કોર્સ ચલાવતી 636 શૈક્ષણિક સંસ્થાઓએ ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2022-23માં પણ કોઈપણ પ્રકારનો ફી વધારો નહીં કરવા રાજ્યની ફી નિયમન સમિતિ (ટેક્નિકલ)એ નિર્ણય કર્યો છે. એટલે કે રાજ્યની 636 ખાનગી કોલેજોમાં આ વર્ષે ફી વધારો નહીં કરાય.

આ ઉપરાંત રાજ્યની 171 કોલેજો એવી છે જેમણે કોરોના મહામારીથી અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારનો ફી વધારો માંગ્યો નથી. ચાલુ વર્ષે પણ રાજ્યની પ્રોફેશનલ કોર્સ ચલાવતી ખાનગી કોલેજોમાં ફી વધારો નહીં કરવાના નિર્ણયથી વાલીઓને આર્થિક રાહત થશે.

રાજ્યમાં આવેલ સ્વનિર્ભ૨ સંસ્થાઓ, કાયદા હેઠળ નોટીફાય કરાયેલ ટેક્નિકલ પ્રોફેશનલ અભ્યાસક્રમો જેવા કે ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ કોર્સ ચલાવે છે તેવી કુલ 636 સંસ્થાઓની સમગ્ર ફી વર્ષ 2020-21થી 2022-23 સુધીનાં ફી માળખામાં કોઈપણ પ્રકારનો ફી વધારો ન સૂચવી અને ફીનું માળખું યથાવત રાખવા અંગેનો નિર્ણય શુક્રવારે સમિતિએ જાહેર કર્યો છે.

લાંબા સમયથી કોવિડ-19ની પરિસ્થિતિ અને તેને આનુસંગિક આર્થિક સંકડામણના કારણે ઘણા વાલીઓ માટે ફી વધારો સહ્ય ન થઈ શકે તેવા માનવતાવાદી દ્દષ્ટિકોણને ધ્યાને લઈ સમિતિએ આ નિર્ણય કર્યો છે. હાલની પરિસ્થિતિ મુજબ ગુજરાત રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ જેવા પ્રોફેશનલ ટેક્નિકલ અભ્યાસક્રમો ચલાવતી કુલ 636 સંસ્થાઓ ફી વધારો કર્યો નથી.

રાજ્યની 10 કોલેજોએ ફીમાં 5થી 64% ઘટાડો કર્યો!
ઉપરાંત 171 સંસ્થાઓ એવી છે કે જેમણે વર્ષ 2020-21થી 2022-23 માટે તેમની ફી દરખાસ્તમાં કોઇપણ પ્રકારનો ફી વધારો માગ્યો ન હતો. 10 સંસ્થાઓએ પોતાની 2019-20ની હયાત ફીમાં ઘટાડો કરવા અરજી કરી હતી. આ બંને દ૨ખાસ્તોને ફી નિયમન નીતિએ માન્ય કરી છે. કોવિડ -19નાં રોગચાળાની સ્થિતિ કે જેના કારણે અર્થતંત્રને ખરાબ રીતે અસર કરી છે તે સંજોગોમાં આ સંસ્થાઓના મેનેજમેન્ટે માત્ર તેમની સામાજિક જવાબદારીઓ પ્રશંસનીય રીતે નિભાવી નથી પરંતુ એક એવો નિર્ણય લીધો છે જે વિદ્યાર્થીઓના માતાપિતાને નોંધપાત્ર નાણાકીય રાહત આપશે.

377 કોલેજે ત્રણ વર્ષની ફી યથાવત્ રાખવા સમર્થન આપ્યું
વર્ષ 2020-21થી 2022-23 માટે ફી યથાવત રાખવાના ફી નિયમન સમિતિના પ્રયાસોના સમર્થનમાં એસોસિએશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજના સભ્ય હોય તેવી 304 અને અન્ય 73 (કુલ 377) સંસ્થાઓએ યથાવત ફી જાળવી રાખવા અનુમોદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...