નવા વર્ષની ખુલતી બજારે રાજકોટમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે આજે જીરૂના હાઈએસ્ટ ભાવ રૂપિયા 6300 બોલાયા છે જે રાજકોટ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત બોલાયા છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે જીરૂની 1100 ગુણી આવક થવા પામી હતી જેમાં એક મણના હાઇએસ્ટ ભાવ 6300 રૂપીયાના ભાવે સોદા પડયા હતા.
ચાર દિવસ પૂર્વે 5900 ભાવથી જીરુંનું વેચાણ થયું હતું આ અંગે રાજકોટ બેડી માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆત થતા સાથે આજે પ્રથમ દિવસે જ રાજકોટ બેડી યાર્ડ ખાતે જીરુંના હાઈએસ્ટ ભાવ બોલાયા હતા. ચાર દિવસ બાદ આજે ફરી જીરુંના ભાવમાં તેજી જોવા મળી હતી અને એક મણના 6300 રૂપીયાની ઓલટાઇમ હાઇ સપાટીએ સોદા પડયા હતા. ચાલુ વર્ષે જીરૂનુ વાવેતર ઓછુ હોય અને જે વાવેતર થયું છે તેમાં બગાડ થતા ચાલુ વર્ષે જીરૂનું ઉત્પાદન ઘટે તેવી શકયતા હોય જેથી જીરૂના ભાવમાં રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે 5900 ભાવથી જીરુંનું વેચાણ થયું હતું જે બાદ આજે 6000ને પાર 6300 ભાવ બોલાયા છે.
ખેડુતોને ઉંચા ભાવની આશા
બીજી તરફ છેલ્લા ચાર દિવસમાં કપાસમાં મણે 150 રૂપીયા વધી ગયા છે. રાજકોટ યાર્ડમાં કપાસની 2800 કવીન્ટલની આવક થવા પામી હતી અને કપાસ એક મણના 1600 થી 1740 રૂપીયાના ભાવે સોદા પડયા હતા. એક તબક્કે કપાસના ભાવ ઘટીને 1600 રૂપિયા થઇ ગયા બાદ આજે ફરી તેજીનો દોર શરૂ થયો છે. કપાસમાં લોકલ લેવલે રૂ બજારના ભાવ સારા હોય અને ખેડુતો ઉંચા ભાવની આશાએ કપાસ વેચતા ન હોય હાજર માલની ખેંચના કારણે કપાસના ભાવમાં આજે વધારો જોવા મળ્યો હતો.
સૂકા મરચાંની આવક સંપૂર્ણ પણે બંધ
નોંધનીય છે કે હાલ યાર્ડમાં સૂકા મરચાંની આવક સંપૂર્ણ પણે બંધ છે.મગફળીની આવક આજે રાત્રીના 8 વાગ્યા થી રાત્રીના 12 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે.લસણ ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી દરરોજ રાત્રીના 8 વાગ્યા થી સવારના 8 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. તેમજ અન્ય તમામ જણસી ની આવક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે તેમ યાર્ડની યાદીમાં જણાવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.