વેક્સિનેશન:રાજકોટમાં 60,000 બીજા ડોઝમાં બાકી, 36 ટકાએ કહ્યું અનુકૂળતાએ રસી લઇશું, 17 %ને કોરોના થયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં તંત્રએ 50 હજારને ફોન કર્યા, કોલ સેન્ટરમાં લોકોએ રસી ન લેવા પાછળ આપ્યા આ કારણો
  • કોરોના વોરિયર્સના નામના લિસ્ટની બે વાર એન્ટ્રી થઈ જતા 5000 નામ બે વાર નોંધાઈ ગયા

રાજકોટ શહેરમાં રસીનો પૂરતો જથ્થો આવી રહ્યો છે આ ઉપરાંત 90 ટકાથી વધુ લોકોને રસીનો પહેલો ડોઝ પણ અપાઈ ચૂક્યો છે જોકે એવા ઘણા લોકો છે જેમને રસીના બીજા ડોઝનો સમય થઈ ગયો છે છતાં રસી લેવા માટે આવી રહ્યા નથી. તંત્રએ બીજા ડોઝ માટે ખાસ કેમ્પ કર્યા પણ તેમાં સફળતા મળી ન હતી. 15મી ઓગસ્ટે રજા હોવા છતાં બીજા ડોઝ માટે રસીકરણ ચાલુ રાખ્યું હતું ત્યારે 12000 ડોઝ રાખ્યા હતા પણ માંડ 3000 લોકો રસી લેવા આવ્યા હતા.

શહેરમાં અંદાજે 60000 લોકોને પ્રથમ ડોઝ લીધાને 100 દિવસ જેટલો સમય થઈ ગયો છે. આ લોકો રસી લેવા ન આવતા હોવાથી તંત્રએ બધાને ફોન કરવાના શરૂ કર્યા છે. આ પૈકી 55000ને ફોન લાગ્યા હતા જેમા અલગ અલગ જવાબો મળ્યા હતા જેમાં સૌથી વધુ લોકોએ કહ્યું હતું કે, ‘અમારી અનુકૂળતાએ લઈ લઇશુ.’ આ ઉપરાંત એવા ઘણા લોકો નીકળ્યા જેમણે જવાબ આપ્યો કે તેમણે રસીનો બીજો ડોઝ લઈ લીધો છે. જોકે તેની એન્ટ્રી તંત્રના ચોપડે થઈ ન હતી. આ કારણે સમગ્ર લિસ્ટનું રિ-વેરિફિકેશન કરાતા એવું બહાર આવ્યું હતું કે જ્યારે સૌથી પહેલા ફેઝમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી અપાઈ હતી ત્યારે બધુ ઓફલાઈન થતું અને દિવસ પૂરો થયા બાદ એકસાથે એન્ટ્રી થતી હતી. આ એન્ટ્રી દરમિયાન ઘણા લિસ્ટની એકથી વધુ નકલ હોવાથી બે વખત એન્ટ્રી થઈ હતી. આવા 5000 જેટલા નામ નીકળ્યા છે.

17 ટકા જેટલા લોકોએ કહ્યું હતું કે, તેમણે પહેલો ડોઝ લીધા બાદ કોરોના થયો હતો અને કોરોના થયાને 3 મહિના થયા ન હોવાથી હજુ રસી લીધી નથી. જ્યારે 13 ટકાએ પોતે હવે રાજકોટ શહેરમાં નથી અને બીજા શહેરોમાં શિફ્ટ થયા હોવાથી ત્યાં રસી લેશે તેવું કહ્યું છે. 15 ટકાએ કહ્યું હતું કે, તેમણે રસી લઈ લીધી છે છતાં બીજા ડોઝના મેસેજ આવી રહ્યા છે એટલે કે હજુ સુધી બંને ડોઝ લઈ લીધા હોવાનું ડેટાબેઝમાં અપડેટ થયું નથી.

રાજકોટમાં વેક્સિનેશન માટે જાગૃતિ હોવાથી 9.93 લાખના ટાર્ગેટ સામે 9.43 લાખે પહેલો ડોઝ લીધો
રાજકોટ શહેરમાં 18થી વધુ વયના 9.93 લાખ લોકો હોવાનો આંક ગાંધીનગર તરફથી આપવામાં આવ્યો છે. આ આંકના ટાર્ગેટ મુજબ વેક્સિનેશન કરવા આદેશ આવ્યો હતો. રસી લેવામાં ઘણી જાગૃતિ હોવાને કારણે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 9.43 લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે એટલે કે હવે 50 હજાર જેટલા જ લોકો રસી લેવામાં બાકી રહ્યા છે. 9.43 લાખમાંથી 3.34 લાખે બંને ડોઝ લઈ લીધા છે જ્યારે બાકીના 6 લાખ જેટલા લોકો એવા છે જેમાંથી મોટાભાગનાને હજુ બીજા ડોઝનો સમય થયો નથી. જેમ જેમ દિવસો વીતશે તેમ તેમ વધુને વધુ લોકોને બીજો ડોઝ લીધાનો સમય થતો જશે.

બંને ડોઝ લીધા હોય તો જ કોરોના સામે મળે રક્ષણ
આરોગ્ય શાખાના તબીબો જણાવે છે કે, રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ એન્ટિબોડી બને છે પણ જ્યાં સુધી રસીના બંને ડોઝ ન લીધા હોય ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં એન્ટિબોડી બનતા નથી જે કોરોના સામે રક્ષણ આપી શકે. આ કારણે જે લોકોએ રસીના બંને ડોઝ લેવા જ જોઈએ. હાલ તંત્ર પાસે પૂરતો જથ્થો પણ છે.તેથી જેમને 84 દિવસ થયા છે તેઓ રસી લઈ પોતે અને પરિવાર માટે કોરોનાની સામે પૂરતું રક્ષણ મેળવી લે તે હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...