મેલેરિયા નાબૂદી:રાજકોટ જિલ્લાના 600માંથી 593 ગામ મેલેરિયામુક્ત, હાલ 8 કેસ નોંધાયા, મચ્છરની ઉત્પત્તિ રોકવા દવાનો છંટકાવ

રાજકોટ4 મહિનો પહેલા
ગામડે ગામડે પાણી ભરેલા ટાંકામાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે (ફાઇલ તસવરી).
  • આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઇને તાવનાં કેસોની શોધ કરવામાં આવે છે

કોરોનાની સાથે જિલ્લાનાં ગામડાઓમાંથી મેલેરિયા નાબૂદ કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષે જૂન મહિનામાં મેલેરિયા નાબુદી અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે. અને આ મહિનાને મેલેરિયા વિરોધી તરીકે ઉજવવામાં આવે છે. જેમાં જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાનાં મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ આરોગ્ય વિભાગની આ કામગીરીને લઈને રાજકોટ જિલ્લાના 600 પૈકી 593 ગામ મેલેરિયા મુક્ત બની ચૂક્યા છે. આ વર્ષે માત્ર 8 કેસ જ નોંધાયા છે.

જૂન મહિનો મેલેરિયા વિરોધી તરીકે ઉજવવામાં આવે છે
ચાલુ વર્ષે તમામ ગામોમાંથી મેલેરિયાનો ખાત્મો કરવાની દિશામાં ઝડપભેર કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા મેલેરિયા અધિકારી ગૌરાંગ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જૂન મહિનો મેલેરિયા વિરોધી તરીકે ઉજવવામાં આવે છે. આ મહિનામાં મેલેરિયા નાબૂદ કરવા માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગનાં ભાઈઓ-બહેનો દ્વારા ઘરે-ઘરે પહોંચીને તાવનાં કેસોની શોધ કરવામાં આવે છે. અને જે-તે ઘરના ટાંકા વગેરેની તપાસ કરીને તેમાં મચ્છરની ઉત્પત્તિ રોકવાની દવાનો છંટકાવ કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લા મેલેરિયા અધિકારી ગૌરાંગ ઉપાધ્યાય.
રાજકોટ જિલ્લા મેલેરિયા અધિકારી ગૌરાંગ ઉપાધ્યાય.

ગત વર્ષે 9 મેલેરિયાના કેસ નોંધાયા હતા
આ સાથે જ ગામનાં ખાડા અને ખાબોચિયામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ છાટવામાં આવે છે. મોટા તળાવોમાં મેલેરિયાનાં પોરાનો નાશ કરી શકે તેવી માછલી મુકવામાં આવતી હોય છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષે જાન્યુઆરીથી મે મહિના વચ્ચે માત્ર 9 મેલેરિયા કેસો નોંધાયા હતા. અને ચાલુ વર્ષે 8 કેસો નોંધાયા છે.

સૌથી વધુ 2015માં 900 કેસ નોંધાયા હતા
છેલ્લા 5-7 વર્ષની વાત કરીએ તો વર્ષ સૌથી વધુ વર્ષ 2015માં રાજકોટ જિલ્લામાં 900 જેટલા કેસ હતા. જે ઘટીને ગત વર્ષે માત્ર 89 થતા મેલેરિયા કેસમાં 90% જેટલો ઘટાડો નોંધાયો છે. 2015માં 390 ગામો મેલેરિયા મુક્ત હતા. જેની સામે ગત વર્ષે 593 ગામોમાં મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નહોતો. હાલ તમામ ગામોમાંથી મેલેરિયા નાબૂદ થાય તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે. આરોગ્ય વિભાગનું માનવું છે કે લોકો સહકાર આપશે અને મચ્છરની ઉત્પત્તિને રોકવાના પ્રયત્નોમાં ભાગીદાર બનશે તો ચાલુ વર્ષે જ મેલેરિયા સંપૂર્ણપણે નાબૂદ થશે તે નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...