રાજકોટના આજી નદીના કાંઠે રહેતા 600 પરિવારને મનપા દ્વારા 7 દિવસમાં મકાન ખાલી કરવા અંગે નોટિસ પાઠવી છે. આથી આજે આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો મનપા કમિશનર ઉદિત અગ્રવાલને રજુઆત કરવા પહોંચ્યા હતા. લોકોએ કહ્યું હતું કે, 40 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ. કોરોનામાં ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે અમારે ક્યાં રહેવા જવું. તેમજ ઉદિત અગ્રવાલને લેખિત રજુઆત કરી ચોમાસામાં ડિમોલિશન મોકૂફ રાખવા આવે અથવા આવાસ ફાળવવા માંગ કરી હતી.
રોજનું કમાય રોજ ખાનારા લોકો મોંઘવારીનો માર સહન કરે છે
લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે. તેમજ સરકાર દ્વારા લોકડાઉન અને રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકોની રોજગારી છિનવાઈ ગઈ છે અને રોજનું કરીને રોજનું ખાનારા લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. લોકો મજૂરીકામ, છૂટક મજૂરી, નોકરી, નાના વેપાર સહિતની રોજીરોટી બંધ થઇ ગઇ છે. એવામાં મનપા દ્વારા નવયુગપરા, ભગવતીપરા આજીનદીના કાંઠે વસતા લોકોને ધી GPMC એક્ટ 1949ની કલમ 260(1) મુજબની નોટિસ પાઠવવામાં આવી છે.
જે લોકોને નોટિસ અપાય છે તેઓ નિયમિત તમામ પ્રકારનો વેરો ભરે છે
આ નોટિસો જે જે ગરીબ અને નાના પરિવારોને આપવામાં આવી છે તે લોકો ભયની લાગણી ફેલાય છે. તેમજ લોકો મનપામાં વેરો ભરતા હોય, નવા નળ કનેક્શનના રૂ. 3005 કોર્પોરેશનમાં ભરવામાં આવ્યા છે. સાથે સાથે સ્થાનિકોને મનપા દ્વારા લાઈટ, સફાઈ, રોડ-રસ્તા, ડ્રેનેજ લાઈનના જોડાણો આપવામાં આવ્યા છે અને મકાનોમાં લાઈટ કનેક્શન પણ આપ્યું છે. લોકો દ્વારા રેગ્યુલર રીતે તમામ પ્રકારના બીલો ભરપાય કરવામાં આવે છે.
પહેલા આવાસ ફાળવવામાં આવે પછી ડિમોલિશન કરવામાં આવે
ઉપરોક્ત તમામ હકીકતોને ધ્યાનમાં રાખી ભૂતકાળના રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરોના પુનઃ વસવાટના કાર્યક્રમ હેઠળ આ આજી નદીના રામનાથ મંદિર પાસે વસતા લોકોને આવાસ યોજનાના ક્વાર્ટર નાનામૌવા ચોકડી તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેના આવાસ યોજનાના ક્વાર્ટર ફાળવવામાં આવ્યા છે. જે લોકોના મકાનો પડી રહ્યા છે તેઓની તેમજ અમારી સ્પષ્ટ માગણી છે કે જે લોકોના આ રિવરફ્રન્ટ યોજનામાં મકાનો પાડવામાં આવે તે તમામને કોર્પોરેશનની આવાસ યોજનાઓમાં પહેલા ક્વાર્ટર ફાળવવામાં આવે અને ત્યારબાદ જ મકાનોનું ડિમોલેશન કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.