તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા દિવસે શાળામાં 40% જ હાજરી:ધો.6થી 8ના 60% વિદ્યાર્થી વરસાદની આગાહી અને તહેવાર બાદ કેસ વધવાની બીકે ન આવ્યા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓમાં કોરોના અંગે કેટલી જાગૃતિ છે તે શિક્ષકોએ ચકાસી

રાજકોટ સહિત રાજ્યભરમાં ગુરુવારથી ધો.6થી 8ના વર્ગો ઓફલાઈન શરૂ થયા છે પરંતુ રાજકોટમાં વર્ગો શરૂ થયાના પ્રથમ દિવસે જ અંદાજિત 60% વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા કારણ કે, વાલીઓએ ભારે વરસાદની આગાહી અને જન્માષ્ટમીના તહેવારો બાદ કેસ વધવાની બીકે બાળકોને ઓફલાઈન ક્લાસ ભરવા સ્કૂલે મોકલ્યા ન હતા. પ્રથમ દિવસે સ્કૂલે માત્ર 40% જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જોકે શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવ્યું ન હતું પરંતુ કેટલીક શાળામાં વાર્તાઓ કરાઇ, કેટલીક સ્કૂલમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓ કોરોના અંગે કેટલું જાણે છે તે ચકાસ્યું હતું અને કેવી કેવી કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ જિલ્લામાં સરકારી અને ખાનગી સ્કૂલના ધો.6થી 8માં કુલ 1.43 લાખ વિદ્યાર્થી નોંધાયા છે પરંતુ હાલ શરૂઆતના દિવસોમાં મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

સરકારના નિયમ મુજબ દરેક વિદ્યાર્થીએ ઓફલાઈન વર્ગમાં આવતા પહેલા વાલીનું સંમતિપત્ર લાવવું ફરજિયાત કરાયું છે. ત્યારે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરાય ત્યારથી અત્યાર સુધીમાં અંદાજિત 65 ટકા વાલીઓએ ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપી છે.જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, શરૂઆતમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે આવતા સપ્તાહથી ધીમે ધીમે સંખ્યા વધશે. ધો.6થી 8ની શાળાઓમાં સરકારની એસઓપીનું બરાબર પાલન થાય છે કે નહિ તેનું ચેકિંગ પણ તારીખ 6 સપ્ટેમ્બરને સોમવારથી કરાશે.

પહેલા દિવસે વિદ્યાર્થીઓ મિત્રો અને શિક્ષકોને મળી ખુશ

  • વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રીનિંગ, સેનિટાઈઝ કરી પ્રવેશ અપાયો, એક બેચમાં એક વિદ્યાર્થી.
  • વિદ્યાર્થીઓ મિત્રો અને શિક્ષકોને મળી ખુશ થઇ ગયા.
  • વાર્તાઓ, તહેવારોની વાતચીત, કોરોના વિશે શું શું ધ્યાન રાખવું તે વિદ્યાર્થીઓને શીખવ્યું.
  • ગાઈડલાઈનને પગલે વિદ્યાર્થીઓ સાથે બેસીને નાસ્તો કરી શક્યા ન હતા, રમી શક્યા ન હતા.
  • શરૂઆતમાં મોટાભાગની સ્કૂલમાં ચાર-ચાર કલાક જ ભણાવાશે.
  • 30 વિદ્યાર્થીની કેપેસિટીના ક્લાસમાં પ્રથમ દિવસે 8-10 વિદ્યાર્થીઓ જ હતા.
  • બાળકોમાં લખવાની પ્રેક્ટિસ ઘટી હોય એવું લાગ્યું, થોડું લખી થાકી જાય છે.
અન્ય સમાચારો પણ છે...